આંખને વાંચી જવાનું હોય ત્યાં,
હું મૂરખ બેઠો છું લઈ કાગળપણું.
વિવેક ટેલર

કાગડો મરી ગયો – રમેશ પારેખ

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ કાગડો મરી ગયો

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો
ગમે તે અર્થ ઘટાવ કાગડો મરી ગયો

શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ કાગડો મરી ગયો

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને કાંવ… કાંવ… કાગડો મરી ગયો

સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો

લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ” ‘કાગડો મરી ગયો’…

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા
You.. stop… stop… stop… now કાગડો મરી ગયો

– રમેશ પારેખ

રમેશ પારેખની આ રચના ખાસી પ્રસિદ્ધ થઈ છે. પહેલી નજરે એ સામાન્ય સ્તરની લાગે પણ બીજી નજરે જોતાં જ એમાં કવિની તિર્યક દૃષ્ટિ અને ભારોભાર વ્યંગ સમજાય છે. કાગડો. મહેમાન આવવાના શુકન અને કાગવાસ – આ બે ક્રિયાઓને બાદ કરતાં એવી કોઈ ઘટના નથી જેની સાથે આપણે કાગડાને સાંકળ્યો હોય. એનો કાળો રંગ, કર્કશ અવાજ અને જમાત જમાવીને મડદાં ચૂંથવાની વૃત્તિને કારણે કાગડો આપણે ત્યાં હંમેશા અપ્રિય પક્ષી જ બની રહ્યો છે. પણ રમેશ પારેખે એ આ ગઝલમાં કાગડાની વાત જ કરી નથી. અહીં કાગડો મરી ગયોના નિમિત્તે આપણી કાગવૃત્તિને નિશાન બનાવીને કવિ એક-એક શેરમાં ભારોભાર વ્યંગ કરે છે…

7 Comments »

  1. સુરેશ જાની said,

    November 17, 2017 @ 9:34 AM

    અહીં કાગડો મરી ગયોના નિમિત્તે આપણી કાગવૃત્તિને નિશાન

    એકદમ સરસ અર્થઘટન. પોતાની જાતને જ નિશાન બનાવતા આ કવિની મહાનતાનો આનાથી વધારે સારો પૂરાવો કદાચ નહીં હોય. પોતાને મરેલો કાગડો રપા જ કહી શકે.

    એમ જ … જબ યાદ આવી ગયા. એ પણ એકદમ ફ્રેન્ક અને સ્વ- ભાર વિનાના કવિ.

    ટોળાંની શૂન્યતા છું, હું છું ને હું નથી .

    માટે જ રાશુ, મસ, જબ, રપા ને ઋષિકવિઓ કહેવા મન થાય છે.

  2. સુરેશ જાની said,

    November 17, 2017 @ 9:43 AM

    સોરી .. મસ નહીં પણ મદ – મકરંદ દવે

  3. સુરેશ જાની said,

    November 17, 2017 @ 10:56 AM

    સાથે મરી ગયોનો આ વ્યંગ
    હું મરી ગયો.

    અંતરિયાળ.

    તે શબનું કોણ ?

    તે તો રઝળવા લાગ્યું.

    કૂતરૂં હાથ ચાવી ગયું

    તો સમળી આંતરડાનો લચકો ખેંચી ગ ઇ

    કાગડા મજેથી આંખો ઠોલે

    કાન સોંસરી કીડીઓ આવે-જાય

    સાલું, સાવ રામરાજ ચાલે..

    પવન દુર્ગંધથી ત્રાસીને છૂ

    તે વાળ પણ ન ફરકે

    -ને આ બાજુ સાંજ પડું પડું થાય.

    ઘેર જવાનું તો હતું નહીં.

    આખો રસ્તો પગ પાસે બટકેલો પડ્યો હતો.

    હું સારો માણસ હતો.

    નખમાં ય રોગ નહીં ને મરી ગયો.

    કવિતા લખતો.

    ચશ્માં પહેરતો.

    ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભાં છે.

    પાછળ ઘર કલ્પાંત કરતું હશે.

    અને એમ સહુ રાબેતાભેર.

    ખરો પ્રેમ માખીનો

    જે હજી મને છોડતી નથી.

    હું બિનવારસી,

    ને જીવ સાલો, જલ્સા કરતો હશે.

    પણ કાકો ફરી અવતરશે.

    ને માણસગીરી કરશે, હી હી હી..

    -આમ વિચારવેડા કરતો હતો

    તેવામાં

    બરોબર છાતી પર જ

    ના, ના ઘડીક તો લાગ્યું કે અડપલું કિરણ હશે.

    પણ નહોતું.

    છાતી પર પતંગિયું બેઠું’તું

    પતંગિયું..

    આલ્લે..

    સડસડાટ રૂંવાડાં ઊભાં..

    લોહી ધડધડાટ વહેવા માંડ્યું

    ઓચિંતી ચીસ નીકળી ગ ઇ કે

    હું મરી ગયો નથી..

    સોનલ, ત્યારે હું ફરી જીવતો થયો હોઇશ?

  4. સુરેશ જાની said,

    November 17, 2017 @ 11:04 AM

    રમેશ પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો. પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા મથતો એ કવિ હતો.તેમની કવિતાનો હું સનાતન ઘાયલ છું. એ હૃદય મન સરોવરનો કવિ છે અને આપણા માન-સરોવરનો અધિકારી છે. એની કલમમાંથી આખોને આખો ગીતોનો દરિયો ઊછળી આવે છે. સર્જકતાથી ફાટફાટ થતાં આ કવિનું નામ વૈપુલ્યથી અને વૈવિધ્યથી ગીત, ગઝલ અને અછાંદસ દ્વારા ઊર્મિકવિતા સાથે ગુંથાયેલું અને ગંઠાયેલું છે. સોનલ તેની કાલ્પનિક વાસ્તવિકતા છે અને વાસ્તવિક કલ્પના છે. રમેશ એ વાવાઝોડું પી ગયેલો કવિ છે
    .સદા યાદ
    આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
    એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

  5. Jayendra Thakar said,

    November 17, 2017 @ 10:07 PM

    કાગડો મહેમાન આવવાના શુકન અને કાગવાસ – આ બે ક્રિયાઓને બાદ કરતાં એવી કોઈ ઘટના નથી જેની સાથે આપણે કાગડાને સાંકળ્યો હોય(અને…કવિતા જોકે કાગડા માટે નથી લખાઈ)..આમ કાગડો આપણી ભાષામાં વગોવાયો છે.પરંતુ કાગડો પંખીઓમાં વધુ ચતુર છે.આપણે કુંજામાંથી પથ્થરા નાખી પાણીની સપાટી ઉપર લાવી પાણી પીતા કાગડાની વાત વાંચી છે. You Tube પર આને લગતા પ્રયોગોની video જોવા મળશે. દુનીયા ભરમાં ગંદકી સાફ કરવાનું અડધું કામ કાગડો કરે છે. પણ રંગ કાળો એટલે વગોવાય ગયો છે.

  6. Parmar vipul n said,

    March 3, 2020 @ 5:13 AM

    એક ‘stop’ ટાઈપ થયું નથી.

  7. વિવેક said,

    March 3, 2020 @ 7:37 AM

    @ વિપુલ પરમાર:

    સુધારી લીધું… ધ્યાન દોરવા બદલ આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment