તારું ઠેકાણું મળ્યું છે જ્યારથી
હું મને શોધી રહ્યો છું ત્યારથી !
અદી મિરઝાં

એટલું નક્કી કરો – ગૌરાંગ ઠાકર

સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?

કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?
તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.

આપ લે હૈયાની છે પણ એમની બે આંખમાં,
કાળજું કે ત્રાજવું છે, એટલું નક્કી કરો.

રોજ વધતી વય શરીરી ધર્મ છે મંજૂર પણ,
મોટા કે ઘરડા થવું છે, એટલું નક્કી કરો.

હર જનમમાં કોણ બીજું આપણી અંદર રહે?
આ વખત એ જાણવું છે એટલું નક્કી કરો.

છે તરાપો, છે હલેસા, ને ભરોસો છે, છતાં,
જળમાં પાણી કેટલું છે, એટલું નક્કી કરો.

– ગૌરાંગ ઠાકર

10 Comments »

 1. સુરેશ જાની said,

  November 6, 2017 @ 7:49 am

  જાગવાની વાત. ગમી. પણ આપણને સુતા રહેવાનું વધારે ગમતું હોય છે !

 2. Pravin Shah said,

  November 6, 2017 @ 2:09 pm

  તદન સરળ અને સાદી ભાષા
  પણ કેવો સરસ ઉપદૅશ !

 3. વિવેક said,

  November 7, 2017 @ 6:58 am

  મજાની ગઝલ… બધા જ શેર આસ્વાદ્ય…

  જળનું પાણી ! વાહ !!!

 4. suresh shah said,

  November 8, 2017 @ 6:01 am

  સરસ ગઝલ્
  જા ગવાનિ વાત્ અને જલ નુ પાનિ
  અધ્ોૂત
  Keep it up . All the best

 5. suresh shah said,

  November 8, 2017 @ 6:03 am

  jal nu pani ane jagvani vaat .
  adhboot.

  keep it up
  all the best

 6. લતા હિરાણી said,

  November 11, 2017 @ 1:52 am

  …કવિના શબ્દો સ્થળ/સમયને વળોટીને આવતા હોય છે પણ ક્યારેક કોઈના શબ્દો મનની સ્થિતિ સાથે એવા જડાઈ જાય છે/ જોડાઈ જાય છે કે એમ લાગે આ મારા માટે જ લખાયું છે ! આ કાવ્ય મારા માટે એવું રહ્યું..

 7. વિવેક said,

  November 11, 2017 @ 1:56 am

  @ લતાબેન હિરાણી:

  કવિતાનું સાર્થક્ય જ એ છે…

 8. લતા હિરાણી said,

  November 11, 2017 @ 3:21 am

  સુરેશભાઇ,
  સુતા રહેવાનું વધારે ગમતું હોય છે !
  મને લાગે છે કે ‘સૂતા રહેવાનુ ગમવા કરતાં’, જાગ્યા પછી શું કરવું એની કોઈ સ્પષ્ટતા નથી હોતી એવું મને લાગે છે…

 9. yogesh shukla said,

  November 12, 2017 @ 11:26 pm

  બધાજ શેર છે લાજવાબ ,
  પણ ન માંગશો આ શેર નો હિસાબ ,….

  કોઇની નજદીક આવ્યા છો, પરંતુ આટલા?
  તાપવું કે દાઝવું છે, એટલું નક્કી કરો.

 10. Bharat Bhatt said,

  November 13, 2017 @ 9:32 pm

  સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
  બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

  આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
  ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
  Very good

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment