યારોને મારા માટે જુઓ, કેવી પ્રીત છે !
જખ્મોને ટેકવા રચી મીઠાની ભીંત છે.
વિવેક મનહર ટેલર

દ્રષ્ટિકોણ – અનિલ ચાવડા

ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મૂકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.

કાચીંડો ભવદ્દગીતા પર બેઠો તો સંયોગવશ બસ !
પંડિતો એમાંય ઊંડા અર્થ સંકેતો જુએ છે.

છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારના ઈંડાં મૂકે છે.

ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.

પંડની પીડા વિશે કહેતા મને આવું સૂઝે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બૂઝે છે !

ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.

જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પૂરે છે.

– અનિલ ચાવડા

જેમ જેમ ગઝલ આગળ વધે છે તેમ તેમ વધુને વધુ સરસ શેર આવતા જાય છે. અંગત રીતે મને પાંચમો શેર શિરમોર લાગ્યો…

8 Comments »

 1. સુરેશ જાની said,

  October 31, 2017 @ 6:42 pm

  બધા શેર સરસ,વારંવાર મમળાવવા ગમી જાય એવા છે. અનીલ ભાઈની કલ્પનાને અને ચિંતનના ઊંડાણને સો સલામ.
  —————
  ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
  એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.

  ઘટનાને જોવાની નજરની આ વાત પરથી અડધા ભરેલા પાણીની પ્યાલા વાળી વાત યાદ આવી ગઈ. ત્રણ નજર… ખાલી, ભરેલો અને અડધો ખાલી અને અડધો ભરેલો. આશાવાદી, નીરાશાવાદી અને વાસ્તવવાદી. ત્રીજી નજરમાં વાસ્તવિકતાનો સ્વીકાર છે.
  એટલે જ…
  જ્યારે અનિલભાઈ એમ કહે છે કે,

  જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું, અને એ,
  છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પૂરે છે.

  ત્યારે ‘આ પણ મને ગમે છે, તે પણ મને ગમે છે.’- એમ કહેતા ‘ઘાયલ’ સાહેબ યાદ આવી ગયા. અમારા જેવા માટે ક્રોસ વર્ડ કે સુડોકૂ જેવી ‘ટાઈમ પાસ’ પ્રવૃત્તિ પાછળની મનોવૃત્તિ કે, જીવનમાં આવી પડેલા ખાલીપા માટેનો અફસોસ – બન્ને યથાર્થ અને પ્રસ્તુત છે.

 2. Valibhai Musa said,

  October 31, 2017 @ 8:50 pm

  સંઘેડા ઉપરની પ્રક્રિયા પછી ચળકતાં બલોયાં જેવી અથથી ઇતિ સુધીની આખીય ગ઼ઝલ સાચે જ લાજવાબ બની રહી છે! ખુદ અનિલભાઈની પાંચમો શેર ઉત્તમ હોવાની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છતાંય બાકીના શેરોને પણ જરાય અવમૂલ્યાંકિત તો ન જ કરી શકાય. ધન્યવાદ.

 3. Shivani Shah said,

  November 1, 2017 @ 11:26 am

  ‘પંડની પીડા..ક્યાં બૂઝે છે ?’
  isn’t sharing good ? Overdoing anything is bad..

  ‘I believe if there’s any kind of God it wouldn’t be in any of us, not you or me but just this little space in between. If there’s any kind of magic in this world it must be in the attempt of understanding someone sharing something. I know, it’s almost impossible to succeed but who cares really? The answer must be in the attempt.’
  Julie Delpy, Before Sunrise & Before Sunset: Two Screenplays

 4. chandresh said,

  November 1, 2017 @ 11:33 am

  ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
  એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.

  સરસ

 5. Himanshu said,

  November 1, 2017 @ 5:59 pm

  શ્રી અનિલભાઈ, ખુબજ સરસ અને ગહન ગઝલ. આભાર.

 6. વિવેક said,

  November 2, 2017 @ 3:19 am

  ઉત્તમ ગઝલ

 7. લતા હિરાણી said,

  November 11, 2017 @ 3:26 am

  એક એકથી ચડિયાતા શેર…. પસંદગી કરવી મુશ્કેલ….
  અનિલભાઈમાં સરજકતા બે કાંઠે છલકાય છે…

 8. yogesh shukla said,

  November 12, 2017 @ 11:35 pm

  આવા ઊંચા તોતિંગ , જાજરમાન શેર તો કવિ શ્રી અનિલ ચાવડા જ લખી શકે ,,,,

  ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
  એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment