ટ્રેન તમને ઉતારવા અહીંયાં
ને મને અહીંથી લઈ જવા આવી
ભરત વિંઝુડા

કવિતા પોતાને ઘરે ગઈ – વિજય નામ્બિસન (અનુ – ઉદયન ઠક્કર)

વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી
નાકા પરની દુકાને ગયાં
પાઉં ખરીદવા
દુકાનદારે પૂછ્યું,’માફ કરજો,
પણ તમે વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી તો નહિ?’

પછી એલિઝાબેથ ઉમાન્ચેરી પોતાને ઘરે ગયાં

એલિઝાબેથ ઉમાન્ચેરી
મેજ સામે બેઠાં
કવિતા લખવા
કવિતાએ પૂછ્યું,’માફ કરજો,
પણ તમે વિખ્યાત કવયિત્રી
એલિઝાબેથ ઉમાન્ચેરી તો નહિ?’
એલિઝાબેથ ઉમાન્ચેરી
બોલ્યાં, ‘હા’

પછી કવિતા પોતાને ઘરે ગઈ.

-વિજય નામ્બિસન
(અંગ્રેજીમાંથી અનુવાદ,ઉદયન ઠક્કર )

કાવ્યનો આસ્વાદ કવિ ઉદયન ઠક્કરના જ શબ્દોમાં :-

 

ફૂટબોલની રમતમાં સ્ટ્રાઈકર દડાને એક દિશામાં મોકલવાનો અભિનય કરીને બીજી દિશામાં મોકલે, અને અસાવધ પળે ગોલ ઝીંકી દે.સરળ લાગતી આ રચનામાં પણ એક શબ્દફેર વડે કવિતા સિદ્ધ કરાઈ છે.

કવિતાના પહેલા ખંડમાં,શેરીનો દુકાનદાર પૂછે છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ તે તમે જ?’ પોતાની શેરીમાં ઓળખાવાથી કંઈ ‘વિખ્યાત’ ન થવાય. તમે અને હું વિખ્યાત કવિઓ નથી,તોય પોતાની શેરીમાં તો જાણીતા છીએ.વળી દુકાનદારને રસ હોય ઘરાકને ખુશ કરવામાં. પાઉં લેવા આવેલી એલિઝાબેથને દુકાનદાર મસ્કો ચોપડે છે.વખાણ કોને ન ગમે? શિયાળની પ્રશંસા સાંભળીને પેલા કાગડાના મોંમાંથી પૂરી છૂટી ગઈ હતી. લિફ્ટમાં દાખલ થતાંવેંત અરીસામાં ચહેરો ન જુએ એવાને મેં તો હજી જોયો નથી.દુકાનદાર સાથેની વાતચીતથી એલિઝાબેથ પોતાને ‘ક્વીન એલિઝાબેથ’ માનતી થઈ જાય છે.

બીજો ખંડ આમ તો પહેલા જેવો જ છે.એલિઝાબેથ મેજ સામે બેઠી છે, કવિતા લખવા,ત્યાં નાનકડો ચમત્કાર થાય છે. કવિતા ખુદ બોલી પડે છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ તે તમે જ?’ પેલીના માથા પર હજી ‘વિખ્યાત’નું ભૂત સવાર છે, કહે છે,’હા,હા,હું જ!’ હવે બીજો ચમત્કાર થાય છે- કવિતા મોં ફેરવીને જતી રહે છે.

દરેક કવિતા એક નવો પડકાર છે,દરેક વેળા શૂન્યમાંથી સર્જન કરવું પડે છે.મોટા કવિને ગ્રેસના માર્ક મળતા નથી. જેના માથામાં રાઈ ભરાઈ જાય,જે નવું વાંચવાનું મૂકી દે,પ્રયોગો કરવાનું મૂકી દે,તેનો સાથ કવિતા મૂકી દે છે.દયારામનું પદ છે,’વૈષ્ણવ નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમે?’ લાભશંકર ઠાકરે શબ્દફેરે કહ્યું,’કવિવર નથી થયો તું રે, શીદને ગુમાનમાં ઘૂમે?’

જે કવિતા માટે ખરું છે તે સર્વ ક્ષેત્રો માટે ખરું છે.કુરુક્ષેત્રના યુદ્ધ પછી અર્જુનને કાબાઓએ લૂંટી લીધો હતો. સિલ્વેસ્ટર સ્ટેલોને ચિત્રપટ બનાવ્યું હતું,’રોકી.’ બોક્સિંગ ચેમ્પિયન બન્યા પછી મોજમજામાં પડી ગયેલો રોકી, એક નવાસવાના હાથે કુટાઈ જાય છે.

આ નાનકડી કવિતામાં (શીર્ષક સાથે) ૫૭ શબ્દો છે,જેમાંથી ૨૦ શબ્દો છે,’વિખ્યાત કવયિત્રી એલિઝાબેથ ઉમાન્ચેરી.’ જ્યારે કવયિત્રી પોતે આટલી બધી જગા રોકે,ત્યારે કવિતા તો બહાર જ જતી રહેને!

-ઉદયન ઠક્કર

8 Comments »

  1. Pravin Shah said,

    October 30, 2017 @ 11:16 AM

    વાહ, વાહ્ ! ખરેખર, ખૂબ સુન્દરુ. ઉદયનભાઈને પણ
    અભિનન્દન .

  2. વિવેક said,

    October 31, 2017 @ 2:44 AM

    કવિતા જેટલી રસપ્રદ, આસ્વાદ એટલો જ રોચક…

    વાહ… વાહ… અને વાહ જ !!!

  3. Rohit kapadia said,

    October 31, 2017 @ 3:52 AM

    અહંના ભારને ઉતારી હળવો ફૂલ થઈને કવિ જે લખે તે કવિતા. ખૂબ જ સુંદર રીતે સહજ ભાષામાં અપાયેલો બોધ. ધન્યવાદ.

  4. dinesh k modi said,

    October 31, 2017 @ 5:13 PM

    સફલતાના દરેક પગથિયે યાદ રાખવા જેવુ. બહુ સરસ.

  5. સુરેશ જાની said,

    October 31, 2017 @ 6:57 PM

    આપણે ભલે સારી કવિતાઓ વાંચવાના રસિયા હોઈએ, અને સમજવામાં અઘરી પડે તેવી, આવી કવિતા તીર્થેશ ભાઈ જેવા સમજાવે અને આપણે ‘આફ્રિન’ પોકારી ઊઠીએ – એ તો બરાબર જ છે.
    પણ, કવિતા શું , કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિનું મૂળ ભાવજગતમાં હોય છે. એ ભાવને ઓળખતા કરે, જીવનમાં અનુભવાતા કરે – તે અમર રચના.
    નહીં તો ‘કવિતા’ ચાલી જાય !

  6. Himanshu said,

    November 5, 2017 @ 8:57 PM

    ઉદયનભાઈ, આભાર, સરસ કવિતા, અનુવાદ આસ્વાદ માટે. અંગ્રેજીમાં કહેવાય “You made my day” – આવી સરસ કૃતિ અને રસપાન “day” નહિ પણ જિંદગીની અગત્યની પળોમાં ‘સ્વ’ ને સસ્મિત સંભાળી લેવામાં મદદરૂપ થાય જ એટલે આપનું ઋણ પણ સાભાર સ્વીકાર.

  7. લતા હિરાણી said,

    November 11, 2017 @ 3:29 AM

    કવિતા કરતાય આસ્વાદ વધુ ગમ્યો.

  8. udayan thakker said,

    November 5, 2018 @ 8:34 AM

    Thank you friends

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment