તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.
કુલદીપ કારિયા

કવિ, પ્રેમી, બર્ડવૉચર – નિસીમ ઇઝેકિલ (અનુ.: વિવેક મનહર ટેલર)

કરવી ઉતાવળ સર્વદા ને સ્થિર ના રહેવું કદી
સ્ત્રીઓ કે પક્ષીઓના અભ્યાસુની છે એ રીત ક્યાં?
ઉત્તમ કવિઓ તો જુએ છે રાહ શબ્દોની સદા.
આ શોધ કંઈ નકરી મહેચ્છાઓની કસરત તો નથી
પણ સ્નેહ છે આરામ કરતો ટેકરી પર ધૈર્યથી
જોવાને હલચલ માત્ર શર્મિલી ને ભીરુ પાંખની,
કે જ્યાં સુધી જે જાણે છે કે ચાહ છે તેણીની એ
ના રાહ જોતી, સોંપી દેતી જાતને જોખમ લઈ –
આમાં કવિ પણ સિદ્ધ થાતી પામતા નૈતિકતાને
જે બોલે ના સહેજે જ્યાં લગ આત્મા ન એનો હચમચે.

ધીમી ગતિ આ, કો’ક રીતે લાગે છે, બહુ બોલકી.
જોવાને દુર્લભ પક્ષીઓ, આપે જવું પડશે પણે
સુમસાન ગલીઓમાં અને જ્યાં થઈ નદીઓ આ વહે
નજદીક મૂળની મૌન થઈ, કે ફર્શ કાળી દિલ તણી
જેવા જ આઘેના ને કાંટાળા કો’ કાંઠે-કાંઠે થઈ.
ને ત્યાં આ સ્ત્રીઓ જે નથી બસ, અસ્થિ મજ્જાની બની,
પણ તેજની કલ્પનકથા, અંધારું જેના કેન્દ્રમાં
એ હળવેથી ફરશે પરત, ને ચેતના જડતી ફરી
કવિઓને જેઓ વક્ર ને વ્યાકુળ ઉડાનોમાં હતા,
સાંભળશે જે બહેરા છે એ ને અંધ દૃષ્ટિ પામતા.

– નિસીમ ઇઝેકિલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

*
પ્રસ્તુત રચનાનું શીર્ષક ‘પોએટ, લવર, બર્ડવૉચર’ શેક્સપિઅરના પ્રસિદ્ધ નાટક ‘અ મિડસમર નાઇટ’સ ડ્રીમ’માં થિસિયસ હિપોલિટાના સંવાદમાં આવતા ‘the lunatic, the lover and the poet’ની યાદ અપાવે છે. દસ દસ પંક્તિના બે ખંડનું બનેલું આ કાવ્ય આયંબિક પેન્ટામીટર છંદમાં લખાયું છે. નિસીમની પ્રાસરચના થોડી વિશિષ્ટ છે: ABBAA CDCDD. અનુવાદમાં હરિગીત છંદ પ્રયોજાયો છે અને પ્રાસવ્યવસ્થા મૂળને લગભગ સુસંગત રખાઈ છે. આશિક, પક્ષીપ્રેમી અને કવિ; પ્રેયસી, પક્ષી અને કવિતા – સતત એકમેકમાં ઓગળી જતા દેખાય છે. એક કલ્પન બીજામાં ને બીજું ત્રીજામાં એમ ત્રણેય ઉપમાઓ એકબીજામાં આવજાવ કરતી અનુભવાય છે, એ જ રીતે જે રીતે બે પ્રેમીઓ રતિક્રીડાની ચરમસીમાએ અદ્વૈત પ્રાપ્ત કરતા હોય. ચિત્તની સંપૂર્ણ શાંત અવસ્થા ત્રણેયના ધ્યેયપ્રાપ્તિની મુખ્ય શરત છે કેમકે સંપૂર્ણ શાંતિ હોય તો જ આત્મા હચમચે એનો અવાજ શ્રાવ્ય બને.

કિટ્સ કહેતા કે ઝાડને પાંદડાં આવે એટલી સાહજિકતાથી કવિતા આવવી જોઈએ. નિસીમની આ રચનામાં પણ કવિ કવિતા લખે છે એના કરતાં કવિતા કવિને લખે છે એ પ્રકારનો અભિગમ નજરે ચડે છે. આખી વાત અભ્યાસની અને ધીરગંભીરતાની છે. કવિ જો આત્મા દ્રવી ન ઊઠે ત્યાં સુધી એકેય શબ્દ નહીં બોલવાની ધીરજ રાખશે તો દુર્લભ પક્ષી કે જોખમ લઈ જાત સોંપી દેતી વામાની જેમ કવિતા પણ સામે ચાલીને આવી મળશે. સાચી કવિતા ચમત્કારની એ ઊંચાઈ પર પહોંચે છે જ્યાં બહેરાઓ સાંભળી શકે છે ને આંધળાઓ જોઈ શકે છે.
*

Poet, Lover, Birdwatcher

To force the pace and never to be still
Is not the way of those who study birds
Or women. The best poets wait for words.
The hunt is not an exercise of will
But patient love relaxing on a hill
To note the movement of a timid wing;
Until the one who knows that she is loved
No longer waits but risks surrendering –
In this the poet finds his moral proved
Who never spoke before his spirit moved.

The slow movement seems, somehow, to say much more.
To watch the rarer birds, you have to go
Along deserted lanes and where the rivers flow
In silence near the source, or by a shore
Remote and thorny like the heart’s dark floor.
And there the women slowly turn around,
Not only flesh and bone but myths of light
With darkness at the core, and sense is found
By poets lost in crooked, restless flight,
The deaf can hear, the blind recover sight.

– Nissim Ezekiel

7 Comments »

 1. Suresh Shah said,

  November 4, 2017 @ 6:08 am

  કવિ જો આત્મા દ્રવી ન ઊઠે ત્યાં સુધી એકેય શબ્દ નહીં બોલવાની ધીરજ રાખશે તો દુર્લભ પક્ષી કે જોખમ લઈ જાત સોંપી દેતી વામાની જેમ કવિતા પણ સામે ચાલીને આવી મળશે.

  આવું જ પ્રભુભક્તિ માટે કહી શકાય. તત્પરતા વિના સમાગમ નથી.
  ખુબ સરસ રીતે રજુ થઈ – આશિક, પક્ષીપ્રેમી અને કવિ

  ગમ્યું. આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

 2. Sandhya Bhatt said,

  November 4, 2017 @ 7:17 am

  Deep and lovely …મૂળ કવિતાનો સમજણપૂર્વક સુંદર અનુવાદ કર્યો છે …ઘણું મોટું કામ તમે કરી રહ્યા છો , વિવેકભાઈ…

 3. Pravin Shah said,

  November 4, 2017 @ 1:47 pm

  પ્રિય વિવેકભાઈ,

  તમારા સુન્દર અનુવાદથી કવિતા સમજી અને માણી.
  ખૂબ ખૂબ આભાર.

 4. La Kant Thakkar said,

  November 4, 2017 @ 10:05 pm

  प्रतीक्षा , जे घटे छे, जोता रहेवानी ! ए जाणता रहेवानी,
  एटलेज * अस्तित्व * ( जे छे ते,बने छे ते) माणता रहेवानी एज श्रेष्ठ गति, रीति ,परिणीति “आदर्श” जीवननी ! बध्धूज आवी गयुं आमाँ ….
  “*आत्मा*”,- श्वास-प्रश्वास-उच्छ्वासना वहन–समयनी गति-चाल साथे लय-ताल मेळाववो ते ज ! तरल “द्रव्य”नुं नाम,तेनो मूल गुण-स्वभाव “स्व”माँ स्थिर एवम् रममाण रही “मात्र जाणवाना” ‘स्व’भावमांज रे’वुं ते !!!

 5. વિવેક said,

  November 6, 2017 @ 1:56 am

  સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….

 6. લતા હિરાણી said,

  November 11, 2017 @ 1:55 am

  સાવ જુદો પરિવેશ, સાવ જુદી માનસિકતા, સાવ જુદું પ્લેટફોર્મ… એ જ કારણ હશે કે સારી હોવા છતાં બધી કવિતા ભાવક સુધી પહોંચતી નથી….

 7. વિવેક said,

  November 11, 2017 @ 7:11 am

  @ લતા હિરાણી:

  આપની વાત એકદમ સાચી છે… બે-ચાર બુંદ આપણી ભાષાના સુજ્ઞ ભાવકો સુધી લાવી શકું તોય ઘણું…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment