તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .
– રમેશ પારેખ

ગીતાંજલિ: ૨૧ : – રવીન્દ્રનાથ ઠાકુર (અનુ.: નગીનદાસ પારેખ)

અવ આ હોડી દઉં મુજ છોડી;
તીરે બેઠાં સમય વહ્યો બહુ, આવે શરમ ન થોડી

કુસુમ સકલને ખીલવી દઈને વસંત જો આ ચાલી,
શું કરવું મારે લઈને આ ખર્યાં કુસુમની થાળી?

જલ આ છલક-છલક છલકાતાં, મોજાં ઝોલે ચડતાં,
વિજન તરુને મૂળે મરમર મર્મર-પત્રો ખરતાં.

શૂન્યમને તું ક્યાં ભાળે છે, કંપન ઊઠ્યું જાગી,
આકાશે વાયુમાં સઘળે પારની બંસી વાગી.

– રવીન્દ્રનાથ ઠાકુર
(અનુ.: નગીનદાસ પારેખ)

*
હોડી કાંઠા પર ગમે એટલી સુરક્ષિત કેમ ન હોય, એનું ગંતવ્ય છે જળયાત્રા. માનવજીવન મળ્યાને સમય વીતી ગયો પણ હજી સુધી ધ્યેયપ્રાપ્તિ માટે, ઈશ્વરપ્રાપ્તિ માટે આપણે શરૂઆત જ કરી નથી. કાંઠો ન છોડી શકવાની નિર્માલ્યતા પર હવે તો શરમ પણ આવે છે. જીવનની વસંત પણ આવી, ફૂલોને ખીલવીને ચાલી પણ ગઈ. હવે હાથમાં પાનખરની ડાળી પકડીને, શક્યતાશૂન્ય ક્યાં લગ બેસી રહેવાનું? એકતરફ જળ હજીય છલકાઈ રહ્યાં છે, મોજાં પણ ઇજન આપી રહ્યાં છે તો બીજી તરફ નિર્જન વૃક્ષના પાંદડાંઓ હવે એક પછી એક ખરવાં માંડ્યાં છે. જાગવાની ખટઘડી આવી ચૂકી છે. હવે શૂન્યમનસ્ક બેસી રહેવાનું, અર્થહીનતામાં તાકવાનું છોડીને સામે પારથી વાગી રહેલી વાંસળીની ધૂન સાંભળવાનો સમય આવી ચૂક્યો છે… ઊઠ મનવા! હોડી તરતી મેલ ને સામે કાંઠે બંસીધર ભણી પ્રયાણ કરે…

*
XXI

I MUST LAUNCH out my boat. The languid hours pass by on the shore-Alas for me!

The spring has done its flowering and taken leave. And now with the burden of faded futile flowers I wait and linger.

The waves have become clamorous, and upon the bank in the shady lane the yellow leaves flutter and fall.

What emptiness do you gaze upon! Do you not feel a thrill passing through the air with the notes of the far away song floating from the other shore?

– Rabindranath Tagore

3 Comments »

  1. સુરેશ જાની said,

    October 19, 2017 @ 10:35 AM

    આકાશે વાયુમાં સઘળે પારની બંસી વાગી.
    ———
    વિજળી અને વાંસળી વિશે એક વિચાર….

    વીજ કડાકે વાંસળી વાગે
    સાંભળવી શું સહેલ?
    જિંદગીના એ સૂરને ઝીલવા
    કર મને કાબેલ!!

    – ગીતાંજલિ

    વિજ કડાકો અને વાંસળી?

    હા! શુધ્ધ વિજ્ઞાનના તર્ક અને સંશોધન પ્રમાણે પ્રોટીન એ પૃથ્વી ઉપરના સઘળાં સજીવોના કોશનો મૂળભુત ઘટક છે. પ્રોટીન તેના મુળ ઘટક નાઇટ્રોજનનું અત્યંત જટિલ સંયોજન છે.

    નાઇટ્રોજન હવામાં સૌથી વધુ પ્રમાણમાં રહેલો, અને સૌથી વધુ નિષ્ક્રીય વાયુ છે. બળબળતી ભઠ્ઠીમાં પણ નાઇટ્રોજન સંયોજિત થઇ શકતો નથી. તો આ નાઇટ્રોજનનું આટલું જટિલ સંયોજન બને શી રીતે? અત્યંત ઉંચા ઉષ્ણતામાને જ નાઈટ્રોજન સંયોજિત થઈ શકે છે.

    જ્યારે વિજળી થાય, ત્યારે તેના ગર્ભમાં લાખો અંશનું ઉષ્ણતામાન પેદા થાય છે. અને આટલા ઉષ્ણતામાને જ ઓક્સિજન સાથે નાઇટ્રોજન સંયોજિત થઇ શકે છે; આમ નાઈટ્રોજન અને ઓક્સિજનના સંયોજનમાંથી બનેલા નાઈટ્રોજનના વિવિધ ઓક્સાઈડો પૃથ્વી પરનાં બીજા રસાયણો સાથે મળી વધુ જટિલ ક્ષારો બને છે, અને તેમાંથી જ જાત જાતના પ્રોટીનો બની શકે છે.

    માટે પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું એક મૂળ વિજળી છે. જ્યારે વિજળીનો કડાકો બોલે છે, ત્યારે જીવનના પાયાનું પ્રથમ તત્વ પ્રગટ થાય છે. મહાકવિએ એને વિભુની વાંસળીની ઉપમા આપી તે યથાર્થ છે ને.

    વિજળી અને વાંસળી – વિજ્ઞાન અને ધર્મ એકમેકના પૂરક છે.

  2. ravindra Sankalia said,

    October 19, 2017 @ 11:00 AM

    ઘને વખતે રવિન્રદ્રનાથનિ કવિતા વાચવા મળે ત્યરે ઘણો આનન્દ થાય. હજિ સુધિ આપણે ઇશ્વરપરાપ્તિ માટે પ્રયત્ન નથિ કર્યો અને નિશ્ક્રિય બેસિ રહ્યા છિએ એ સન્દેશો બહુ વેધક છે.

  3. વિવેક said,

    October 21, 2017 @ 8:36 AM

    આભાર મિત્રો…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment