પીઠ ૫૨નો સૂર્ય ને છાંયો ક્યહીં! ને ક્યાં સ્વ-જન!
ઘૂઘવે અંધાર ત્યાં સઘળુંય એકાકાર વન.
ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ – સંજુ વાળા

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ.

વનમાં ઝાઝા વાંસ વાયરા શિષ ધુણાવી વાતા,
લળકઢળક સૌ ડાળ ઘાસને ચડે હિલોળા રાતા,
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ…

શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા,
આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ…

જાણ્યું એવું જડ્યું નહિ કંઈ,
બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ કંઈ…

–સંજુ વાળા

શું ન જડ્યું ? – સંબંધમાં ઉષ્મા ન જડવાની વાત છે ? કે પછી અગોચરની શોધમાં મરાયેલા વ્યર્થ ફાંફાની વાત છે ? ડહાપણ [ wisdom ] શોધતા માનવીની જ્ઞાનના આડબીડ જંગલે અટવાઈ પડવાની વાત છે ?

6 Comments »

  1. સુરેશ જાની said,

    October 11, 2017 @ 10:55 AM

    કિન્તુ સ્વરમાં ચડ્યું નહિ કંઈ,

    અહીં વાંસળી તરફ અંગુલિ નિર્દેશ છે?
    ———
    શુષ્ક સરોવર, સાંજ નહિ કોઈ ગલ-હંસો રઢિયાળા,
    રડવાનું એક સુખ લેવા ત્યાં, પહોંચ્યા સંજુ વાળા,
    આંખ, હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહિ કંઈ,

    લાગણીહીન, ઉષ્માહીન, પ્રેટિકલ થઈ ગયેલા સમાજ તરફ સંજુ ભાઈનો આક્રોશ બહુ જ ગમ્યો. અને લય તો …. માશાલ્લા

  2. સુરેશ જાની said,

    October 11, 2017 @ 10:56 AM

    પ્રેટિકલ થઈ ગયેલા
    સુધારશો….
    પ્રેક્ટિકલ થઈ ગયેલા

  3. Shivani Shah said,

    October 11, 2017 @ 2:55 PM

    સરસ રચના ! કોઇ એક સ્વપ્ન કે મહેચ્છા, તેને સાકાર કરવા કરેલા અથાગ પ્રયત્નો અને છેવટે મળેલી નિષ્ફળતા…જીવનમાં પ્રવેશેલી એવી શુષ્કતા અને હતાશા કે માણસ રડી પણ ન શકે ? આ ભાવને સમર્થન આપતી બીજી રચના :

    ‘વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
    ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

    આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
    પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

    જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
    એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

    ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
    ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

    આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
    વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?’

    – અનિલ ચાવડા
    લયસ્તરો

  4. હાતિમ said,

    October 14, 2017 @ 1:42 PM

    સંજુવાળાની રચના જડે તો વાન્ચવાનુ છોડતા નહિ

  5. સંજુ વાળા said,

    October 15, 2017 @ 1:35 AM

    આભાર.. આભાર

    સૌ મિત્રોનો પણ આભાર

  6. સંજુ વાળા – Sanju Vala | ગુજરાતી પ્રતિભા પરિચય said,

    April 22, 2020 @ 4:39 PM

    […] જાણ્યું એવું જડ્યું નહિ કંઈ, બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહિ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment