રસ્તાના પથ્થર હો છો ને,
આવે એને રસ્તો ચીંધો.
– વિરલ દેસાઈ

અશ્વમેધયજ્ઞ – અમૃતા પ્રીતમ

ચૈત્રની એક પૂનમ હતી
અને દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
દેશ અને વિદેશમાં વિચરવા નીકળ્યો…

આખું શરીર સત્ય જેવું શ્વેત
અને શ્યામ કર્મ વિરહી રંગના…

એક સ્વર્ણપત્ર એના મસ્તક પર
‘આ દિગવિજયનો અશ્વ –
કોઈ બળવાન હોય તો એને પકડે અને જીતે’

આ યજ્ઞનો નિયમ છે એ પ્રમાણે
એ ઊભો રહ્યો ત્યાં ત્યાં
મેં ગીતોનું દાન કર્યું
અને કેટલીક જગાએ હવન કર્યા.
એટલે જે કોઈ જીતવા આવ્યું તે હારી ગયું.

આજે જિંદગીની અવધિ સમાપ્ત થઈ ગઈ છે
એ સહીસલામત મારી પાસે પાછો આવ્યો છે,

પણ કેવી અસંભવ વાત –
પુણ્યની ઈચ્છા નથી,
નથી ફળની લાલસા બાકી
આ દૂધિયો શ્વેત મારા પ્રેમનો અશ્વ
મારી નહીં શકાય … મારી નહીં શકાય
બસ આ જ સલામત રહે
પૂરેપૂરો રહે !
મારો અશ્વમેધયજ્ઞ અધૂરો છે,
ભલે અધૂરો રહે !

– અમૃતા પ્રીતમ
(અનુ. – જયા મહેતા)

વિશ્વવિજય કરવા માટે રાજાઓ અશ્વમેધયજ્ઞ કરતા. યજ્ઞ કર્યા પછી એક અશ્વ છૂટો મૂકવામાં આવતો. એ જે જે પ્રદેશમાં જાય તે પ્રદેશના રાજાને ક્યાંતો શરણાગતિ સ્વિકારવાની ક્યાં તો યુદ્ધ વહોરી લેવાનું. અશ્વ પૃથ્વીની પરિક્રમા કરીને પાછો આવે તો વિશ્વવિજય કરેલો ગણાય. આ પૌરાણિક કથાના આધારે અમૃતા પ્રીતમે એમની લાક્ષણિક શૈલીમાં આ કવિતા રચી છે.

કવયત્રિ પોતાના પ્રેમના અશ્વને છૂટો મૂકે છે, જગ આખાને જીતી લેવા. જ્યાં જ્યાં અશ્વ ઊભો રહે ત્યાં ગીતોનો ઓચ્છવ કરીને તે બધાને જીતી લે છે.  જીવનના અંત ભાગમાં અશ્વ પાછો આવે છે. અશ્વ અવિજિત પાછો આવે તો અશ્વમેધયજ્ઞ પૂરો થયો ગણાય. પણ આ ક્ષણે હવે કવયત્રિને કોઈ ઈચ્છા કે લાલસા રહ્યા નથી. ને એ ક્ષણે તેમને મૂળ સત્ય સમજાય છે : પ્રેમ સલામત હોય તો પછી જગતમાં બાકી બધુ અધૂરું રહે તો ચાલશે.

4 Comments »

  1. Jina said,

    January 6, 2009 @ 1:25 AM

    “પ્રેમ સલામત હોય તો પછી જગતમાં બાકી બધુ અધૂરું રહે તો ચાલશે” – એક જ વાક્યમાં આખી કવિતાનો સાર…

  2. himansu said,

    January 6, 2009 @ 5:20 AM

    જીના ની વાત સાથે સમ્પૂર્ણ સહમતી . . . . .

  3. pragnaju said,

    January 6, 2009 @ 8:50 AM

    પ્રેમમાં કામના હોતી જ નથી
    બસ પ્રેમાસ્પદના આનંદમાં જ પ્રેમીનો આનંદ હોય છે
    બસ તે સલામત રહે …
    આ બધી અનુભૂતિની વાત
    આપણે તો પ્રાર્થીએ આવા પ્રેમ માટે
    પાત્ર બનાવવાની કૃપા કરે.

  4. વિવેક said,

    January 7, 2009 @ 12:23 AM

    કવિતા અને કવિતાનો સર બંને તરત સ્પર્શી ગયા… શીરાની જેમ ગળે ઉતરી જાય એવી વાત!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment