જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.
વિવેક મનહર ટેલર

(આહા) – જિગર જોષી ‘પ્રેમ’

ચડી કોને ચાનક? ચડ્યું તાન…? આહા!
ભુવન આખું જાણે કે લોબાન… આહા!

ન શ્વાસોનું પણ કંઈ રહ્યું ભાન… આહા!
અચાનક ચડ્યું આ કેવું ધ્યાન… આહા!

ખુદાએ બનાવ્યું કેવું સ્થાન… આહા!
ખરું કહું તમારી આ મુસ્કાન… આહા!

હથેળીમાં સાક્ષાત છે સરસતીજી,
ખરો હાથ લાગ્યો છે દીવાન… આહા!

કોઈ પારકું થઈ, જતું’તું એ વેળા,
શું આંખોએ આપ્યું’તું સન્માન… આહા!

આ મન જ્યારે મંજીરા જેવું બની જાય,
ખરેખર પછી માંડી જો ! કાન… આહા!

‘ફૂલોએ કદી પણ ન મુરજાવું ક્યાંયે,’
– કર્યુ રાજવીએ આ ફરમાન… આહા!

નદી એક પાછી ચડી છે પહાડે,
પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા!

– જિગર જોશી ‘પ્રેમ’

અદભુત ગઝલ… રમતિયાળ મિજાજમાં ઊંડી વાત…

19 Comments »

 1. dharmesh said,

  September 22, 2017 @ 4:00 am

  કોઈ પારકું થઈ, જતું’તું એ વેળા,
  શું આંખોએ આપ્યું’તું સન્માન… આહા!… અદ્ભુત અદ્ભુત …. વાહ
  શુ મોમેન્ટ પકડેી છે….

 2. Pravin Shah said,

  September 22, 2017 @ 4:33 am

  નદી એક પાછી ચડી છે પહાડે,
  પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા! આહા! આહા! ….

 3. Rajul said,

  September 22, 2017 @ 4:36 am

  વાહ વાહ.. નિતાંત સુંદર ગઝલ..

 4. suresh shah said,

  September 22, 2017 @ 5:05 am

  Gr8.

  wonderfull.

 5. Pravin Shah said,

  September 22, 2017 @ 5:40 am

  શુ ગઝલ ચ્હે !!
  વાહ, વાહ !

 6. Himal Pandya said,

  September 22, 2017 @ 5:50 am

  સરસ ગઝલ.
  પણ, કિરણસિંહ ચૌહાણને યાદ કરવા જ રહ્યા. છંદ અલગ છે અને રદીફ જરાક જ જુદો….

  મળ્યા સામે અને આપી તમે મૂસ્કાન આહાહા !
  અધૂરા સ્વપ્નનો ઉતરી ગયો સામાન આહાહા !

  તમે સામે જ બેઠા, રાખ્યું મારું માન આહાહા,
  હું શું બોલું? મને લાગી ગયું છે ધ્યાન આહાહા !

  તમોને જોઇ મારી આંખ મોભાદાર થઇ ગઇ છે,
  તમે દેખાવ છો એવા તો જાજરમાન આહાહા !

  તમોને ફૂલ આપું? ફૂલને હું ફૂલ શું આપું?
  તમે બોલો અને મહેકી ઊઠે ઉદ્યાન આહાહા !

  તમો સંગ આંખ લાગી ગઇ ને અમને પાંખ લાગી ગઇ,
  ઘડીમાં સર થયા આ કેટલા સોપાન આહાહા !
  – કિરણસિંહ ચૌહાણ

 7. સુરેશ જાની said,

  September 22, 2017 @ 4:05 pm

  નદી એક પાછી ચડી છે પહાડે,
  પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા!

  – જિગર જોશી ‘પ્રેમ’

  [ આખી ગઝલ આ રહી… ]
        કવિ શું કહેવા માંગે છે – તેની તો આપણે કલ્પના જ કરવી રહી. એ તો તેમના મિજાજની વાત છે. જાણકારો એને   સારી રીતે  મૂલવી શકે. જો કે, સારી રીતે જ. સાચી રીત તો માત્ર કવિ કહે, તે જ. 

         પણ આ એક શેર પરથી વિચારવાયુ પ્રદિપ્ત બની ગયો !

  અવળો પ્રવાહ
  ન બને તેવી ઘટના
  કદાચ કપોલ કલ્પિત વાત 
        પણ એમ બને ખરું ?

        કદાચ એમ બને પણ ખરું!

       જ્યારે ચીલાચાલુ જીવનમાં પરોવાયેલા, ગૂંચવાયેલા, મુરઝાયેલા, ઘવાયેલા, ડામાડોળ મનની સ્થિતિ કોઈક જુદી જ દિશામાં ગતિ કરવા લાગે ત્યારે મનની જે સ્થિતિ થાય એને આવો પ્રવાહ કહી શકાય? આપણે આમ વિચાર કરવા લાગીએ, એ દિશામાં મન પરોવીએ તો કદાચ મનના પ્રવાહો શાંત થવા લાગે અને ધીમે ધીમે એમ બને કે, જીવનના પ્રવાહને આઝાદીની દિશામાં વાળી શકાય.

      જો અને જ્યારે આમ બને, તો અને ત્યારે આપણે પહાડ જેવી માની લીધેલી વ્યથાઓમાં ધરતીકંપો સર્જાય, પ્રભંજનો ફૂંકાવા લાગે અને આકાશને અડતા હોય, તેવા પર્વતો સાવ કાંકરી જેવા ભાસવા માંડે.

       કદાચ…

  બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે.
  સમય જેવો સમય આધીન થઈને ચાલ બદલે છે.

  – રજની પાલનપુરી 

 8. નદી એક પાછી ચડી છે પહાડે – ગઝલાવલોકન | સૂરસાધના said,

  September 22, 2017 @ 4:11 pm

  […] [ આખી ગઝલ આ રહી… ] […]

 9. સુનીલ શાહ said,

  September 23, 2017 @ 5:15 am

  નદી એક પાછી ચડી છે પહાડે,
  પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા!
  વાહ કવિ…!

 10. Shivani Shah said,

  September 23, 2017 @ 8:29 am

  મારા ભોળા શબ્દોને મેં કર્યું મેશનું ટીલું રે
  છતાંય એ નજરાઈ ગયા કૈં એવું સૂકુંલીલું રે

  દાદા ઉમાશંકર દોડો, હણહણતાં જળ લાવો રે
  શબ્દોનાં ફાટેલાં સૂકાં સૂકાં મ્હોં ભીંજાવો રે

  કહો, નિરંજનકાકા, આ તે કપટ થયાં છે કેવાં રે
  તરફડતા શબ્દોને વળતા અરથોના પરસેવા રે

  રઘુવીર, તમ જેવા મૂછડ ભાઈ છતાં આ થાતું રે
  શબ્દો સાથે છનકછિનાળાં કરે સકળ ભાયાતું રે

  સુરેશ નામે જોષી, જુઓ જોષ કુંડલી દોરી રે
  શા માટે આ શબ્દોમાંથી વાસ આવતી ખોરી રે

  કરો વૈદ્યશ્રી ઉર્ફે લાભશંકર ઠાકર ચિકિત્સા રે
  શબ્દોને શા વ્યાધિ છે કે થાતા ચપટાલિસ્સા રે

  મણિલાલ, પ્રિયકાંત, રાવજી, જગદીશે જે માંજ્યા રે
  છતાં શબ્દનાં કાળાંભઠ્ઠ પોલાણ હજી ના ભાંજ્યાં રે

  રસ્તે ક્યાં હે મનહર, ચિનુ, સરૂપ, કિસન સોસા રે
  શબ્દો મારા ટ્રાફિકમાં અડવાઈ ગયેલા ડોસા રે

  રમેશ જેવો રાબડબૂસો કરતો કૈં કૈં ખેલો રે
  અને/એટલે/અથવા મારો પાલવ થાતો મેલો રે

  નયન, નિરંકુશ, પ્રફુલ્લ, પન્ના, વિપિન, શેખડીવાળા રે
  શબ્દોના અંધારગર્ભમાં કરશોને અજવાળાં રે ?

  *-રમેશ પારેખ*

 11. Shah Pravin said,

  September 26, 2017 @ 5:42 am

  નદી એક પાછી ચડી છે પહાડે,
  પહાડોમાં જાગ્યું છે તોફાન… આહા!…

  લગ્ન પછી દીકરી પહેલી વાર પિયર આવે તો ઘર આખું
  તોફાને ચડે… વાહ કવિ…

 12. Shivani Shah said,

  September 26, 2017 @ 1:59 pm

  ‘લગ્ન પછી દીકરી પહેલી વાર પિયર આવે તો ઘર આખું
  તોફાને ચડે… વાહ કવિ’

  ‘બેઠી ખાટે ફરી વળી બધે મેડીઓ ઓરડામાં,
  દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઉકલ્યાં આપ રુડાં;
  માડી મીઠી, સ્મિત-મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,
  દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠીથી બાળ રાજી.
  …………….
  બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઇ સારી,
  ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મારા તમારી. ‘
  – શ્રી બળવંતરાય ક. ઠાકોર લેખિત ‘જૂનું પિયેરઘર’ માંથી –

 13. સુરેશ જાની said,

  September 26, 2017 @ 4:02 pm

  શિવાની બહેન
  તમે બહુ જ સરસ ગોતી લાવો છો. બકઠા અને રપાની આ કવિતાઓ માણી.

 14. pragnaju said,

  September 26, 2017 @ 4:20 pm

  સ રસ સુંદર ગઝલ આહની વધુ યાદ
  ગુજરાતી યુગલગીતોમાં એક અલગ જ તરી આવતું ગીત.
  સ્વર : હરીશ ઉમરાવ, નયના ભટ્ટ
  aaha etale aaha-આહા એટલે આહા…હમને તુમકો ચાહા- Harish …
  Video for આહા!▶ 4:53
  https://www.youtube.com/watch?v=2nFcp8g5iB0.

  આહા એટલે આહા એટલે આહા…
  हमनें तुमको चाहा…. આહા.

  ચોમાસાની જળ નિતરતી આગ એટલે આહા
  છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ એટલે આહા
  ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ….સ્વાહા…

  આહા એટલે આહા એટલે આહા…
  हमनें तुमको चाहा…. આહા.

  સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
  પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા
  રાતની એકલતામાં ગાયા કરવા ગીતો…. મન-ચાહા…

  આહા એટલે આહા એટલે આહા…
  हमनें तुमको चाहा…. આહા…

  – મુકુલ ચોક્સી

 15. Shivani Shah said,

  September 26, 2017 @ 5:03 pm

  સુરેશભાઈ, Thanks for those words of appreciation ! તમે તથા અન્ય વાચકમિત્રો જે comments અને કાવ્યો અને ગઝલો લયસ્તરો પર share કરો છો તે વાંચવાની મઝા આવે છે..નવા દૃષ્ટિકોણ સમજવાની તક મળે છે. લયસ્તરોનો અને બધા વાચકમિત્રોનો આભાર અને અભિનંદન! જ્ઞાાન-ગમ્મતનો એક ongoing સુંદર મેળાવડો રચાયો છે અંહી ! અને પાછી ઘેર બેઠા ગંગા વહે છે..માત્ર ડૂબકીઓ જ મારવાની હોય છે..

 16. pragnaju said,

  September 26, 2017 @ 5:32 pm

  સ રસ સુંદર ગઝલ આહની વધુ યાદ
  ગુજરાતી યુગલગીતોમાં એક અલગ જ તરી આવતું ગીત.
  સ્વર : હરીશ ઉમરાવ, નયના ભટ્ટ
  aaha etale aaha-આહા એટલે આહા…હમને તુમકો ચાહા- Harish …
  Video for આહા!▶ 4:53
  https://www.youtube.com/watch?v=2nFcp8g5iB0.

  આહા એટલે આહા એટલે આહા…
  हमनें तुमको चाहा…. આહા.

  ચોમાસાની જળ નિતરતી આગ એટલે આહા
  છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ એટલે આહા
  ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ….સ્વાહા…

  આહા એટલે આહા એટલે આહા…
  हमनें तुमको चाहा…. આહા.

  સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
  પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા
  રાતની એકલતામાં ગાયા કરવા ગીતો…. મન-ચાહા…

  આહા એટલે આહા એટલે આહા…
  हमनें तुमको चाहा…. આહા…

  – મુકુલ ચોક્સી

  Attachments area
  Preview YouTube video aaha etale aaha-આહા એટલે આહા…હમને તુમકો ચાહા- Harish Umrao & Naina Bhatt

 17. Shivani Shah said,

  September 26, 2017 @ 6:31 pm

  મૂળ મુદ્દો ઊમેરવાનો રહી ગયો :
  ર.પા.નું કાવ્ય એક સર્જક અને ભાષા તથા કળાપ્રેમી મિત્રે forward કરેલું. ( એમનું મોસાળ એક પ્રખ્યાત publishing house સાથે સંકળાયેલું છે.) જ્યારે પહેલી વાર એ કાવ્ય વાંચ્યું ત્યારે ધ્યાન નહીં આપેલું.. mindset change થવા માંડ્યું પછી એને માણી શકી. Vincent Van goghની biograpgy ‘Lust for Life’ નો ખૂબ imoressive ભાવાનુવાદ’ સળગતા સૂરજમુખી ‘ – આ પુસ્તક પણ પહેલવહેલું એમને ઘરે જોયેલું. થોડા વખત પછી ભાવનગર જવાનું થયું અને લોકમિલાપ ટ્રસ્ટ ના book storeમાંથી ઘણા ગુજરાતી પુસ્તકો ખરીદ્યા. વર્ષો પછી ફરી ગૂજરાતી વાંચવાની શરુવાત થઈ. બ.ક.ઠાકોરનું કાવ્ય
  લોકમિલાપે publish કરેલા એક નાનકડા કાવ્યસંગ્રહમાંથી છે. અમુક મિત્રોને મળવાનું ઓછું થતું હોય પણ જીવનને સમૃદ્ધ બનાવવામાં એમની influence significantly કામ કરી જાય..લયસ્તરોનું પગેરુ પણ ટહુકો. કૉમમાં થી મળેલું. અને computer શીખવાનું પ્રોત્સાહન મારા husband પાસેથી મળેલું. આ બધા મારા ધન્યભાગ્ય !

 18. વિવેક said,

  September 27, 2017 @ 8:44 am

  પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોને નમ્ર અનુરોધ છે કે આપના પ્રતિભાવ રજૂ કરેલી પોસ્ટને સુસંગત હોય એ ઇચ્છનિય છે. રજૂ થયેલી કૃતિની ખૂબીઓ અને ખામીઓની ચર્ચાનું મોકળા મને સ્વાગત છે પણ પ્રતિભાવમાં રજૂ કરેલ કૃતિ સાથે લાગતું વળગતું ન હોય એવી રચનાઓ અને એ સંબંધી ચર્ચાઓ ન કરશો તો સાઇટની ગરિમા જળવાશે…

  પ્રજ્ઞાજુએ મૂકેલું મુકુલ ચોક્સીનું “આહા” ગીત અને કિરણસિંહ ચૌહાણની “અહાહાહા” ગઝલ અવશ્ય જિગર જોશીની રચના સંદર્ભે પ્રસ્તુત ગણી શકાય…

 19. Shivani Shah said,

  September 28, 2017 @ 7:12 pm

  Point noted Vivekbhai. Thanks.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment