ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.
ગિરીશ પરમાર ‘રઢુકિયા’

પૂજારી પાછો જા – કૃષ્ણલાલ શ્રીધરાણી

ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય
ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા

મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મને
ઓ રે,પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમે
ન પ્રેમ નું ચિન્હ આ, પૂજારી પાછો જા

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર
દિન કે રાત ન નીંદર લેતો, નૈવેદ્ય તું ધરનાર
ખરી તો એની પૂજા, પૂજારી તું પાછો જા

દ્વાર આ સાંકડા કોણ પ્રવેશે, બહાર ખડી જનતા
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં, પથરા
ઓ તું જો ને જરા, પૂજારી પાછો જા

માળી કરે ફૂલ મહેકતી વાડી, ફૂલને તું અડ કાં
ફૂલને ધરે તું, સહવા એણે, ટાઢ અને તડકા
આ તે પાપ કે પૂજા, પૂજારી પાછો જા

ઓ રે પૂજારી આ મંદિર કાજે, મજૂર વહે પથરા
લોહીનું પાણી તો થાય એનું ને નામ ખાટે નવરા
અરે તું કાં ના શરમા, પૂજારી પાછો જા

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ધ્ય ભર્યો નખમાં
ધૂપ ધર્યો પરસેવો ઉતારી, ઘંટ બજે ઘણમાં
પૂજારી સાચો આ, પૂજારી પાછો જા

– કૃષ્ણલાલ શ્રીધરાણી

 

કેટલી સીધી ને સટ વાત !! અને કેટલી સચોટ !

10 Comments »

 1. vasant sheth said,

  September 18, 2017 @ 7:56 am

  પુજારીયો રજકારણીયો બની ગયા છે.

 2. સુરેશ જાની said,

  September 18, 2017 @ 8:26 am

  અમારે ભણવામાં આવતી આ કવિતા વાંચી કિશોરકાળ તાજો બની ગયો.
  આવી જ રચના ગુરૂદેવ રવીન્દ્રનાથની …

  LEAVE this chanting and singing and telling of beads! Whom dost thou worship in this lonely dark corner of a temple with doors all shut? Open thine eyes and see thy God is not before thee! 1
  He is there where the tiller is tilling the hard ground and where the pathmaker is breaking stones. He is with them in sun and in shower, and his garment is covered with dust. Put off thy holy mantle and even like him come down on the dusty soil! 2
  Deliverance? Where is this deliverance to be found? Our master himself has joyfully taken upon him the bonds of creation; he is bound with us all for ever. 3
  Come out of thy meditations and leave aside thy flowers and incense! What harm is there if thy clothes become tattered and stained? Meet him and stand by him in toil and in sweat of thy brow.

 3. સુરેશ જાની said,

  September 18, 2017 @ 8:38 am

  મુક્તપ્રાણ ! મુક્તપ્રાણ ! બંદીવાન હું નહિ :
  મુક્તધ્યાન ! જંજીરો ન બાંધવા ધરા મહીં.
  બાંધજો દીવાલ પર્વતો સમી ઊંચી ઊંચી :
  તારલા હસે – વદે, નભે : હસંત આંખડી.

  મુક્તપ્રાણ ! મુક્તપ્રાણ ! એકલો કદી નહિ :
  માંડવો રચી લિયો અનંત આભ છાવરી;
  આભ એથી એ વિશાળ અંતરે રહ્યું હસી :
  સૂર્ય, ચંદ્ર – પ્રાણ, ઊર્મિ – તારલા રહ્યા લસી.

  એકલો નથી ભલે ન હોય પ્રમીઓ સખા :
  અનંત હું અબંધ પ્રાણ ! સાથી આત્મ સર્વદા !

  -કૃષ્ણલાલ શ્રીધરાણી(

 4. સુરેશ જાની said,

  September 18, 2017 @ 8:45 am

  અમે તો સૂરજના છડીદાર
  અમે તો પ્રભાતના પોકાર ! … અમે

  સૂરજ આવશે સાત ઘોડલે
  અરુણ રથ વ્હાનાર !
  આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! … અમે

  નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !
  ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! … અમે

  પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !
  ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! … અમે

  જાગો, ઉઠો ભોર થઇ છે, શૂરા બનો તૈયાર !
  સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! … અમે

  –વિશ્વવિજેતા એક ઊભો હું,
  હો ના કો ઊભવા સામે !
  તાપ તપે નેત્રો મ્હારાં જ્યાં,
  રહો ના એ જે કો વામે !
  એક વિરાટ હું, વિશ્વવિજેતા,
  અવનિ સર્વ ખલાસ !
  બીજો સ્નેહનારો ન્હો જગમાં,
  મ્હારો પ્રખર પ્રકાશ !

  એક અમર હું, સર્વ મરેલા :
  નવચેતન હું માત્ર !
  કો ન્હો મુજને જોતા જેનાં
  ગલિત થતાં ના ગાત્ર !
  એક અપાર હું શક્તિસાગર, અવનિ સર્વ હતાશ
  સર્જન હું, શાશ્વત હું, બીજા સઘળા હોય વિનાશ
  “ ભાંગો ભોગળ ! ભાંગો ભોગળ !
  ખોલો બારીબારણાં !
  સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
  સાદ દે મ્હેરામણા !

  આભ ચંદરવો,
  ઝણે સંગીત સાગરતાર :
  પાનખરનાં ઓઢણાં,
  ઝંઝાનિલે નિજ નૃત્ય માંડ્યું
  પૃથ્વીને પગથાર :
  વન-વચન ગાય હુલામણાં !
  “ સૃષ્ટિના તાંડવ મહીં તમ સાથ પૂરો !”
  સાદ દે મ્હેરામણા !

  મયૂર નાચે મત્ત હૈયે,
  આભ પંખે પાથરી;
  કપોત કૂજે કુંજકુંજે
  પાંખમાં પાંખો વણી;
  આમલીની ડાળ વીંઝે વીંઝણા !
  “ સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
  સાદ દે મ્હેરામણા !

  શિરિષતરુના શુષ્ક ઘૂઘરે,
  અનિલ બાજે ખંજરી;
  સહકાર સુંદરીઓ હસી હસી,
  દાંત વેરે મંજરી.

  શાલવનનાં પર્ણ ગાય વધામણાં !
  “ સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ !”
  સાદ દે મ્હેરામણા !

  શુષ્ક, ક્ષીણ, વિદીર્ણ,
  જીર્ણ નીચે ખરે-
  વિશ્વસંગીતમાં બસૂર જે,
  સૃષ્ટિનૃત્યે તાલ જેના ના પડે !
  નવ વિભવ ને નવ સૃજનમાં અળખામણા !
  “ સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
  સાદ દે મ્હેરામણા !

  નિસર્ગ નાચ્યો,
  શુષ્ક પર્ણ સરી પડ્યાં ;
  પૃથ્વી નાચી,
  માચીના થર ઊતર્યા;
  વ્યોમ નાચ્યું,
  હ્રદય ડૂમા આંસુડાં થઈ ઓગળ્યા :
  એક માનવ ના ઊઠ્યો, એને મીઠી આત્મપ્રતારણા !
  “ સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
  સાદ દે મ્હેરામણા !

  “ભાંગો ભોગળ, ખોલો બારીબારણાં ! ”
  સાગર પુકારે સાદ :
  સાંકળ સહુ ખખડાવી જાય સમીરણા.
  ઝાડ જાગે, શુષ્ક ત્યાગે,
  પંખી પ્રાણી નાચતાં;
  પણ માનવી ધડ ધડ કરી
  નિજ દ્વારબારી વાસતાં.
  એને રૂઢ વ્હાલું : મૃત્યુનૃત્ય બિહામણાં !
  “ સૃષ્ટિના તાંડવ મહીં તમ તાલ પૂરો !”
  સાદ દે મ્હેરામણા !

 5. pragnaju said,

  September 18, 2017 @ 9:01 am

  સીધી ને સટ સચોટ વાત …
  યોગેશ્વરજી કહે તે પ્રમાણે સાચો પૂજારી
  ફકત અમે પ્રેમના પૂજારી,.
  શાંતિ આનંદની અમારી પ્રસાદી,
  એકરૂપ બનવું એ મિલકત અમારી,
  ધન્યતાની વાત ક્યાં ગાવી ….

 6. Pravin Shah said,

  September 18, 2017 @ 1:13 pm

  શાળાના દિવસો યાદ આવી ગયા. (જાને કહા ગયે વોહ દિન ?)

  Thank you Vivekbhai-Sureshbhai

 7. વિવેક said,

  September 19, 2017 @ 1:53 am

  શ્રીધરાણીની મને ગમતી રચનાઓમાંની એક….

 8. ysshukla said,

  September 19, 2017 @ 6:27 pm

  આ કવિતા અમો વિદ્યાર્થી હતા ત્યારે ધોરણ છ કે સાત માં ભણ્યા હતા ,,,
  સુંદર રચના છે ,

 9. Girish Parikh said,

  September 20, 2017 @ 12:54 am

  અપવાદરૂપ પૂજારીઓ હોય છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ કોલકતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી મંદિરના પૂજારી હતા જેમને મા કાલીનાં પ્રત્યક્ષ દર્શન થતાં.

 10. સુરેશ જાની said,

  September 20, 2017 @ 7:08 am

  ગીરીશ ભાઈ
  તમારી વાત સાચી છે. પુજારી હોવું ખરાબ નથી. પણ માત્ર દેખાવ અને મહોરાંની પૂજા કરવી યોગ્ય નથી. ગુરૂદેવ પુજારીને એ ઈશ્વરને જાણવા કહે છે – જે બધે વ્યાપ્ત છે.
  આપણે સૌએ પણ પુજારી થવું ના જોઈએ? બહારના દેખાવને પૂજવાને બદલે મૂળ તત્વને ઓળખતાં થઈએ તો?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment