ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
ભગવતીકુમાર શર્મા

નરાતાળ વા’-ના – સંજુ વાળા

કહ્યું કોઈનું એ નથી માનવાના
ચણે જેઓ કિલ્લા નરાતાળ વા’ -ના

પ્રગટવું હશે તેઓ પ્રગટી જવાના
ભલે સામે છેડે મથે લાખ વાના

ઊડી ગઈ જો કોયલ તો છોને ઊડી ગઈ
ઘણા અન્ય મિત્રો હશે ઝાડવાના

સપાટી ઉપર જેનું અંજળ હો આવ્યું
ઝરણમાં ડૂબી એ તરણ ઝાલવાના

હજુ કાં વીતકને કચકડે મઢે છે ?
હજુ યત્ન બાકી છે ઉગારવાના ?

ભવોભવનું ભાથું સ્મરણ એક-બે છે
અને એક – બે રંગ ઉમેરવાના

કર્યા સ્હેજ કવિતા સમજવાના યત્નો
દિવસ એટલા બસ મળ્યા જીવવાના

– સંજુ વાળા

હવામાં કિલ્લા ચણનાર શેખચલ્લીઓની પોતાની જ દુનિયા હોય છે. એને કશું કહી શકાય નહીં. અખો યાદ આવે:

સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં;
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.

આમ તો આખી જ ગઝલ મનનીય થઈ છે પણ આખરી શેર એક કવિની સાચી આત્મકથા છે.

3 Comments »

  1. સંજુ વાળા said,

    September 30, 2017 @ 2:52 AM

    ખૂબ ખૂબ આભાર

  2. Mehul A. Bhatt said,

    September 30, 2017 @ 5:17 AM

    વાહ…જોરદાર

  3. સુરેશ જાની said,

    September 30, 2017 @ 9:35 AM

    સરસ રચના. વિચારતા કરી દે તેવા શેર.
    આને ‘શેખચલ્લી – આખ્યાન’ કહીશું કે પછી દરેક લેખકના મનમાં ઘટતી ઘટનાનું બયાન?
    ખેર…. અર્થઘટનોને કોઈ અંત નથી હોતા! પણ દરેક નવતર સર્જનને માણવાની મઝા આપણી. અને એ મઝા પીરસનાર સર્જક અને પીરસણિયાઓનો આભાર.
    ———-
    ચણે જેઓ કિલ્લા નરાતાળ વા’ -ના…….ને બદલે……..ચણે જેઓ કિલ્લા ખરેખર હવાના.

    રિમિકસ કરી જોયું .

    કવિશ્રી માફ કરે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment