વૃક્ષ તો અફળાય સ્વાભાવિક રીતે,
આગ પેલા વાયરા પેટાવતા.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

(ઇત્તેફાક છે) – રઈશ મનીઆર

પીડા વિના બધું જ મહજ ઇત્તેફાક છે,
આ નિત નવી ગઝલની ઉપજ ઇત્તેફાક છે.

હોવું તમારું એ જ સનાતન ગઝલ, પ્રિયે!
યોગાનુયોગ શબ્દ… તરજ ઇત્તેફાક છે.

કેવળ છે ભ્રમ આ રાત દિ’ના ક્રમ વિશે અહીં…
અંધકાર છે અનાદિ… સૂરજ ઇત્તેફાક છે.

તારા પ્રકાશનું જ રૂપાંતર કર્યું છે મેં;
ના દૃષ્ટિ વ્યર્થ છે, ન સમજ ઇત્તેફાક છે.

ત્યારેય ઊંઘતા હતા, આજેય ઊંઘીએ…
આઝાદી ઉન્નતિ અને ધ્વજ ઇત્તેફાક છે.

હું, તું મળ્યાં એ શહેર, સમાજો ને સભ્યતા…
હા, દર્દનાક તોય સહજ ઇત્તેફાક છે.

– રઈશ મનીઆર

કવિશ્રી રઈશ મનીઆરને જન્મદિવસ પર ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…

કવિના પ્રથમ સંગ્રહ ‘કાફિયા નગર’માંથી એક ગઝલ આજે આપ સહુ માટે… ઇત્તેફાક જેવી રદીફ પણ કવિએ કેવી સાંગોપાંગ નિભાવી જાણી છે! બધા જ શેર ઉત્તમ… સરળ ભાસતા શબ્દોના તાણા-વાણાથી કવિએ બારીકીનું પોત કેવું બખૂબી વણ્યું છે!

અંધકાર અનાદિ છે અને સૂરજ ઇત્તેફાક છે એ શેર વાંચતા જ તાઓ વિશેના પ્રવચનમાં ઓશોએ કહેલું વાક્ય યાદ આવી જાય: ‘Darkness is eternal, Light is a disturbance’

4 Comments »

 1. સુનીલ શાહ said,

  August 19, 2017 @ 4:39 am

  બહુ સુંદર ગઝલ.
  રઈશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

 2. ketan yajnik said,

  August 19, 2017 @ 9:19 am

  હુ સુંદર ગઝલ.
  રઈશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
  ભૈ સલામ્

 3. ysshukla said,

  August 21, 2017 @ 5:49 pm

  ખુબજ સુંદર રચના ,,,

  ત્યારેય ઊંઘતા હતા, આજેય ઊંઘીએ…
  આઝાદી ઉન્નતિ અને ધ્વજ ઇત્તેફાક છે.

 4. Maheshchandra Naik said,

  August 29, 2017 @ 1:08 am

  સરસ,સરસ,
  કવિશ્રી રઈશભાઈને જન્મદિવસની શુભકામનાઓ……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment