કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે.

ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’

શાહમૃગો – મનોજ ખંડેરિયા

શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક
શાહમૃગોને પકડીને વાડામાં રાખ્યાં
શાહમૃગોની ફરતો દીવાલ કેરો પ્હેરો
શાહમૃગોને જીવ માફક જાળવતાં શહેરો
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો
શાહમૃગોને જોવા આવે નગર
શાહમૃગોને જોવા આવે ગામ
ગામની સીમ
સીમમાં ધૂધરિયાળી વેલ
“વેલમાં બેઠો વાણિયો કંઈ કાગળ લખતો
કાગળમાં બે પૂતળિયું કંઈ હસતી રમતી”
વાતો કરતી
વાતોમાં એ શાહમૃગોનાં સપનાં જોતી
શાહમૃગોને રૂપે મ્હોતી
શાહમૃગોને કહેતી
શાહમૃગો ઓ શાહમૃગો, અમને વરવા આવો
અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો
પૂતળીઓએ
બાળપણામાં હોળી-ખાડે વ્હેલી સવારે
કંકુ છાંટી – દીવો મૂકી – કરી નાગલા – કર જોડીને
ઘર માગ્યું’નું શાહમૃગોનું
વર માગ્યા’તા શાહમૃગોના.
શાહમૃગો તો બાળકનાં સપનાંમાં આવે
પરીઓ સાથે આવે
શાહમૃગો તો
હવે વૃધ્દ્રની બધી બોખલી વાતવાતમાં આવે
શાહમૃગો પર
મૂછનો બોરો ફૂટ્યો એવા જુવાન ખુશખુશ
શાહમૃગો પર
સોળ વરસની કન્યા ખુશખુશ
શાહમૃગોની પાંખે મોહ્યો તડકો
રોજ સવારે શાહમૃગોનાં પટપટ પીછાં ગણતો
શાહમૃગોની ઋજુ રેશમી પતલી ડોકે
હવા ચૂમતી જાય.
વાડે રાખ્યાં શાહમૃગો તો
લળકત લળકત ડોકે
જુએ દીવાલો
જુએ ઝાંપલો
કદી કદી આકાશે માંડે આંખ
પ્રસારે પાંખ
છતાંયે કેમે ના ઉડાય
શરીર બાપડું ભારે એવું
પાંખ એટલો ભાર ઝીલી શકે ના ભાર.
એક સવારે
આવી નીરખવા આંખો થઈ ગઈ વ્યાકુળ
સાવ ઝાંપલો ખુલ્લો
શાહમૃગો વિણ વાડો ખાલી ખાલી
બુમરાણ મચાવી આંખોએ કે
શાહમૃગો તો ભાગ્યાં.
બૂમ પડીને ઘર કંઈ વ્યાકુળ
બૂમ પડીને ઘર શેરી વ્યાકુળ
આકુળવ્યાકુળ ગામ પકડવા શાહમૃગોને દોડ્યું
ગામે વાત કરી નગરોને
નગર નગરની ભીંતો દોડી
શેરી દોડી
રસ્તા દોડ્યા
મકાન દોડ્યાં
બારી દોડી
ઊંબર દોડ્યા
બાર-ટોડલા દોડ્યા
દુકાન દોડી
દુકાન-ખૂણે પડ્યાં ત્રાજવાં દોડ્યાં
શાહમૃગોનાં રૂપના પાગલ સહુ રે દોડ્યા.
શાહમૃગો તો સહુને પાછળ આમ આવતા જોઈ
બમણી તીર-વછૂટી ગતિએ નાઠા
ક્યાંક ભડકતા ભાગ્યા હફરક….હફરક….
આખા પંથે ધૂળ ઉડાડી હફરક….હફરક….
ધૂળના ઊંચા પ્હાડ ઉડાડી હફરક….હફરક….
ધૂળથી આખું આભ ઢાંકતાં જાય
દોડતા જાય
ક્ષિતિજની પાર નીસરી જાય
દૂર દૂર તે ક્યાંય ઊતરી જાય
ક્યાંય….
શાહમૃગોના પગની ધૂળે
હજીય કંઈ વરસોથી આજે
ગામ ગામ અટવાય
ભીંત ભીંત આટવાય.
શાહમૃગોનાં રૂપની પાગલ આંખે
ધૂળ ભરાતાં થઈ આંધળી-ભીંત
આંખ ચોળતા લોક દોડતા પૂછે :
શાહમૃગો પકડાયાં ?
શાહમૃગોને ઝાંપા કેરી તરડ મહીંથી રોજ હજારો
જોઈ જાતી આંખો પૂછે :
શાહમૃગો એ ક્યાં છે ? ક્યાં છે ?
શાહમૃગોની વાટ નીરખતી પૂછે પૂતળીઓ :
શાહમૃગોને લાવ્યા ?
ઘડી વિસામો લેવા બેઠો
વડની છાંયે વૃધ્દ્ર બબડતો :
આ ચિરકાળથી દોડી રહેલા શાહમૃગો તો
હવે અટકશે ક્યારે, ક્યારે, રામ ?
શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.

– મનોજ ખંડેરિયા

 

આ કવિ સ્વભાવે ઋજુ છે. કોમળ શબ્દોના પ્રેમી છે. અહીં વાત અત્યંત વેધક કરી છે પણ તે પણ જુઓ કેવા કોમળ શબ્દોમાં !!! માનવસહજ શાહમૃગવૃત્તિને પોતાની આગવી નમણાશ સાથે આલેખી છે……

3 Comments »

  1. Shivani Shah said,

    August 7, 2017 @ 8:01 AM

    ખૂબ સુંદર કાવ્ય !

    ‘આ ચિરકાળથી દોડી રહેલા શાહમૃગો તો
    હવે અટકશે ક્યારે, ક્યારે, રામ ?
    શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ.’

    ટાઇમ મેગેઝીનમાં વર્ષો પહેલાં જોયેલો એક સુંદર અફઘાની ગાલીચાનો ફોટો યાદ આવી ગયો. નજીકથી જોયું તો એ રંગીન, આકર્ષક ડીઝાઇનો અને patterns બંદુકો અને તોપ હતી. કદાચ આ દૃષ્ટાંત અહીં યોગ્ય નથી પણ સૌંદર્ય હંમેશાં સુખદાઇ હોય છે ખરું કે પછી સૌંદર્યની શોધ ખોટી જગ્યાએ થતી હોય છે ?

  2. bharat trivedi said,

    August 7, 2017 @ 8:49 AM

    આ ગીત શીકાગોમાં મારી ફરમાઈશ પર કવિના સ્વમુખે સાંભળવાની મજા આજે પણ એવી જ તાજી છે. તે કાર્યક્રમમાં કાવ્ય વાંચનાર ત્રણ કવિઓમાં ચિનુભાઈ, મનોજ્ભાઈ તો ગયા . બાકી રહી ગયેલા આ કવિને યાદ કરતા રહેવાનું છે !

    -ભરત ત્રિવેદી

  3. ketan yajnik said,

    August 8, 2017 @ 12:26 AM

    શાહમૃગો તો.. શેના ઓર્તા શેનિ આશ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment