નામ મારુંય છે છ અક્ષરનું,
પણ શું સોનલ વસે છે મારામાં?
વિવેક મનહર ટેલર

હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા) (અનુ. વિવેક મનહર ટેલર)

જ્યારે મારો સમય આવશે
મારે કોઈનેય રડતાં સાંભળવા નથી
તને પણ નહીં

રડવું બિલકુલ જરૂરી નથી!

આ છું હું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ મારી ચામડી છેદી નાંખશે
પણ હું વધતો જ રહીશ

આગળ મારા ઘા અને મારા દર્દને ઊંચકીને હુમલો કરતો,
હુમલો કરતો,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા નથી કરવાનો

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ચૈરિલ અનવર. ઇન્ડોનેશિયાનો યુવા કવિ. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. એના હોઠ વચ્ચેની સિગારેટ સળગીને રાખ થાય એ ઝડપે સત્તાવીસથીય અલ્પાયુમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ અને ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો આજદિનપર્યંતનો સૌથી નોંધનીય કવિ બની ગયો. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો અને લઘરવઘર નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એનો જન્મ કળાકાર થવા માટે થયો છે. ૧૮ વર્ષની ઊંમરે શાળા છોડી દીધી. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ભાષામાં એની શોધખોળ-પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિઓના લીરેલીરા ઊડાવી દીધા. એનો નિર્વાણદિન આજેપણ ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

આખી રચના ‘હું’ની ફરતે વીંટળાયેલી છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂઈ જવાનો કે કોઈપણ સમય જ્યારે આવશે ત્યારે કવિ નથી ઇચ્છતા કે કોઈપણ રૂદન કરે, શોક મનાવે. કેમ? કેમકે નાયક એના દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય પણ એની ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગળ ધપશે જ ધપશે. બધી યાતનાઓ તન-મનને વીંધી-વીંધીને હથિયાર ફેંકી દે, જ્યાં જઈને દુઃખ-દર્દની સરહદ જ ખતમ થઈ જાય એ સ્થળે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની નેમ ધરાવે છે. मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं | અને કવિને કોઈ વાતની પડી પણ નથી. મૃત્યુને રડ્યા વિના, રડવા દીધા વિના, ખુશી ખુશી ગળે લગાડવાનું આહ્વાન આપતી આ રચના હકીકતમાં તો આઝાદી અને જીવન માટેનું બુલંદ આક્રંદ છે. એટલે જ અંતને ગળે લગાડતી આ કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

*
I

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain Attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Eng. Trans: Burton Raffel)

3 Comments »

 1. Rajnikant Vyas said,

  July 22, 2017 @ 5:55 am

  ગમ્યું. આભારા.
  મૂળ ઈન્ડોનેશિયન ભાષામાં લખાયેલ ક્રુતિ મળે તો વધુ આનંદ થાય.
  અમારા લાંબા વસવાટ ને લીધે ભાવાર્થ માણી શકાય.
  એ દેશ એક અજાયબી છે. વૈવિધ્યમા એકતા.
  હિદુ ધર્મ અને સંસ્ક્રુતિ ની ઉંડી છાપ (શ્રેીવિજયા નુ રાજ)
  વિશાળ દેશ, મોટી વસતિ, ખૂબ ફળદ્રુપ લાવા ના કાંપની જમીન, ખનિજ સંપત્તિ, ક્રુડ ઓઈલ,
  ચોખા, વનરાજી (લાકડું), રોડ અને જલમાર્ગો.
  કુદરતે છપ્પર ફાડકે દિયા હૈ.

 2. વિવેક said,

  July 22, 2017 @ 6:47 am

  @ રજનીકાંત વ્યાસ :

  Aku

  Kalau sampai waktuku
  Ku mau tak seorang kan merayu
  Tidak juga kau

  Tak perlu sedu sedan itu

  Aku ini binatang jalang
  Dari kumpulannya terbuang

  Biar peluru menembus kulitku
  Aku tetap meradang menerjang

  Luka dan bisa kubawa berlari
  Berlari
  Hingga hilang pedih peri

  Dan aku akan lebih tidak perduli

  Aku mau hidup seribu tahun lagi

  – Chairil Anwar

 3. Shivani Shah said,

  July 22, 2017 @ 11:00 pm

  I think I get carried away by some poems and write things that may be uninteresting to all.
  અહીં એક શ્રી લાભશંકર ઠાકરની એક કવિતા યાદ આવી ગઈ. . શિર્ષક છે-
  ‘બંદૂક નથી પણ થુંકી શકું છું’.
  તોછડું લાગે છે પણ કાવ્ય વાંચવા જેવું છે.
  કદાચ લયસ્તરો પર મૂકાઇ પણ ગયું હોય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment