બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
નયન દેસાઈ

(ખુદની તરફ વળાશે) – લક્ષ્મી ડોબરિયા

એની તરફ નહીં તો ખુદની તરફ વળાશે.
સંભાવના ઘણી છે પગલું ભર્યું છે ત્યારે.

આથી વધુ ખુલાસો, શું હોય લાગણીનો ?
મેં મૌન જાળવ્યું છે સંવાદ સાધવાને.

કંઈ પણ નથીનો મહિમા આ વાતથી વધ્યો કે..
ખાલીપો છે જરૂરી એક વાંસળીના માટે.

દાવા-દલીલ વિના સાબિત કરે છે હોવું,
ફૂલો ને પાંદડાંઓ નોખો મિજાજ રાખે.

આ નામ ને આ સુરખી, પીછાંની જેમ ખરશે,
ઓળખ જો આપવી હો, ટહુકા જ કામ આવે.

ગમતી બધી કથાનો આ સાર સાંપડ્યો છે,
દૂરી છે એટલે તો રહેવાયું પાસપાસે.

નોખી અદાથી અહિંયા રંગોએ રંગ રાખ્યા,
ચૈતર છે લાલ-પીળો, આષાઢ ભીનેવાને.

– લક્ષ્મી ડોબરિયા

પગલું ભરવું જ જરૂરી છે. બધા જ સિગ્નલ લીલા થઈ જવાની રાહમાં ઘરે બેસી રહેનાર ક્યાંય પહોંચી શકતો નથી. પહેલું પગલું ભરવું જ અઘરું છે. ચારેતરફથી વીંટળાઈ વળેલા સામાજિક-પારિવારિક બંધનોને ત્યજીને તમે આગળ વધો છો એની ખાતરી ન હોય તો એ પગલું જ ભરી શકાતું નથી. પણ એ પગલું એકવાર ભરી લીધું એટલે એટલું નક્કી છે કે મંઝિલ મળ્યા વિના નહીં રહે. આ ‘એ’ એ પ્રિયજન પણ હોઈ શકે અને ઈશ્વર પણ હોઈ શકે. આ ‘એ’ અગર નહીં મળે તો કમ સે કમ પોતાની જાત તો હાંસિલ થશે જ થશે, જેને આપણે દુન્યવી મથામણો અને પળોજણોમાં વરસોથી સાવ ભૂલી બેઠા છીએ. અને આખરે ‘એ’ અને ‘આ’ – બંને પણ એક જ છે ને! પ્રિયજન/ઈશ્વર મળી જાય એ ઘડી ‘સ્વ’ પણ મળી જ જશે ને…

આખી ગઝલ જ ઉત્તમ થઈ છે…

8 Comments »

 1. shreyas said,

  July 21, 2017 @ 2:15 am

  ગમતી બધી કથાનો આ સાર સાંપડ્યો છે,
  દૂરી છે એટલે તો રહેવાયું પાસપાસે.

  વાહ

 2. Rina said,

  July 21, 2017 @ 4:08 am

  Waaaaahhh

 3. લક્ષ્મી ડોબરિયા said,

  July 21, 2017 @ 4:10 am

  લયસ્તરો પર કોઈપણ રચના આવે એનો વિશેષ આનંદ.
  ગઝલ સાથેની ટીપ્પણી માટે વિવેકભાઈનો ખૂબ ખૂબ આનંદ સાથે આભાર.

 4. Jaffer Kassam said,

  July 21, 2017 @ 4:15 am

  બાહુજ સરસ્

 5. લક્ષ્મી ડોબરિયા said,

  July 21, 2017 @ 4:22 am

  લયસ્તરો પર કોઈપણ રચનાને સ્થાન મળે એનો વિશેષ આનંદ હોય જ.
  ગઝલ સાથેની ટીપ્પણી માટે વિવેકભાઈનો આનંદ સાથે આભાર.
  લક્ષ્મી ડોબરિયા.

 6. Bhadreshkumar Joshi said,

  July 21, 2017 @ 8:12 am

  બાહુજ સરસ્

 7. Bhadreshkumar Joshi said,

  July 21, 2017 @ 8:12 am

  સરસ્

 8. સુનીલ શાહ said,

  July 22, 2017 @ 12:28 am

  વાહ…ખૂબ સુંદર અભિવ્યક્તિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment