માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.
મનહરલાલ ચોક્સી

વાખ્યાની : લાલ દીદ (કાશ્મીરી) (અનુ. વિવેક મનહર ટેલર)

દેવ છે પથ્થર,મંદિર પથ્થર,
શિરથી પગ લગ એક જ પથ્થર,
પૂજ્ય પૂજારી! તું શું પૂજે છે?
મન પવન એક ક્યારે કરશે?

સૂર્ય ગયો ત્યાં પ્રકાશ્યો ચંદ્ર,
ચંદ્ર ગયો તો બસ, બચ્યું ચિત્ત;
જો ચિત્ત ગયું તો ક્યાંય કશું નહીં,
આભ, ધરા, અવકાશ ગયા ક્યાં?

જે જે કરું એ મારે જ માથે,
ફળ એનું કોઈ બીજાના હાથે?
આશ વિના અર્પું સૌ એને,
જ્યાં જઉં ત્યાં સહુ શ્રેષ્ઠ છે મારે.

– લાલ દીદ
અનુ. વિવેક મનહર ટેલર

*

સાતસો વર્ષ પહેલાં કાશ્મીરના હિંદુ-મુસ્લિમ મિશ્ર સમાજ વચ્ચે કપડાં વગર નિર્વસ્ત્ર નાચતી-ફરતી લલ્લા, અથવા લાલ દીદ કે લલ્લેશ્વરી નામની સ્ત્રી એ વાતની પ્રતીતિ છે કે આડંબરના વસ્ત્રો ઠેઠ ભીતરથી ફગાવી દઈ તમે સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ, પ્રકાશપ્રાપ્તિ તરફ પ્રયાણ કરો તો પુરુષ જેવો પુરુષ પણ જન્મજાત મેલી મથરાવટી ફગાવીને ચામડીના દેહને મંદિરસ્વરૂપે જોઈ ભીતરના ઈશ્વરને વંદન કરશે. લલ્લાની આસપાસ સેંકડો કથાઓ વણાયેલી છે પણ એમાંની ભાગ્યે કોઈ સાચી લાગે છે.

આગળ એક વાખ આપણે માણી હતી. કશ્મીરની વાદીઓમાં ગવાતી આપણા મુક્તક જેવી ચાર લીટીની રચનાઓને વાખ તરીકે ઓળખવામાં આવે છે. वाख़ (ઉચ્ચારણ) શબ્દમાં સંસ્કૃત वाक् (વાણી) અને वाक्य (વાક્ય) –બંનેના અર્થ સંમિલિત છે. ૨૫૦થી વધુ વાખ લલ્લાના નામે આજે ફરી રહ્યાં છે. લલ્લાની વાખ્યાનીનું મહત્ત્વ એ રીતે પણ ખૂબ છે કે એ કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન નમૂનો છે. જેમ આપણે ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે. ત્યાંના લોકો કહે છે કે ઉપર અલ્લા, નીચે લલ્લા.

લલ્લાની કવિતાઓ એકતરફ સંશયપ્રચુર છે તો બીજી તરફ ખાતરીથી ભરપૂર છે. એકતરફ એને અસ્તિત્વ અને ઈશ્વર વિશે શંકા છે તો બીજી તરફ સમર્પણ, સાધના અને સ્વ જ સર્વ હોવાનો- अहम ब्रह्मास्मिના અનાહત નાદમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. લલ્લાની કવિતાઓ સંશયથી શ્રદ્ધા તરફની અનવરત યાત્રા છે. મીરાંનું સમર્પણ, કબીરનું તત્ત્વચિંતન, અખાના ચાબખા અને ભર્તૃહરિનો શૃંગાર – આ બધુંજ રસાઈને ટૂંકી બહેરની ચાર જ પંક્તિમાં ગંગાસતીની પેઠે વીજળીના ચમકારે મોતીડાં પરોવી લે છે. ફરક એટલો જ કે લલ્લાની વીજળી એકવાર પ્રકાશે પછી સનાતન બની રહે છે, અચાનક અંધાર થાતો નથી.

*

देव् वट्टा देवरो वट्टा
पिट्ठ बुन् छोय् एक वाट् ॥
पूज् कस् करिक् होट्टा बट्टा
कर् मनस् त पवनस् संगाट् ॥

भान गलो सुप्रकाशा जोनि
चन्द्र् गलो ता मुतो चित्त् ॥
चित्त् गलो ता किंह् ना कोनि
गय् भवा विसर्जन कित् ॥

यो यो कम्म् करि सो पानस् ॥
मि जानो जि बियीस् कीवूस्॥
अन्ते अन्त हारीयि प्राणस्
यौळी गच्छ् ता तौळी छ्योस्॥

– लाल दीद

(મૂળ કાશ્મીરીમાંથી ગુજરાતી અનુવાદ કરવા માટે George Grierson અને Lionel Barnettના ‘લલ્લા વાક્યાની’ પુસ્તકમાંના શબ્દકોશ અને સંસ્કૃત-અંગ્રેજી ભાષાંતરનો સહારો લીધો છે.)

6 Comments »

  1. Suresh Shah said,

    July 8, 2017 @ 5:49 AM

    આભાર.
    આ વાંચન બીજે કયાંય ન મળે.
    – સુરેશ શાહ, સિંગાપોર

  2. Neetin Vyas said,

    July 8, 2017 @ 6:11 PM

    Thank you very much for posting on some rare literary person – a Kashmiri Poetess and translation of her works in Gujarati.

  3. Aasifkhan said,

    July 9, 2017 @ 4:00 AM

    सरस

  4. Nehal said,

    July 9, 2017 @ 9:55 AM

    Waah khub saras. Thanks for sharing such unique piece of literature!

  5. સંજય પરમાર said,

    July 16, 2017 @ 4:20 AM

    એક અવલોકન: “અખા” ના છપ્પા હોય છે.. ચાબખા “ભોજા ભગત” ના..
    *ક્ષતિ કાઢવાનો કોઈ ઈરાદો નહોતો..!

  6. વિવેક said,

    July 17, 2017 @ 1:21 AM

    @ સંજયભાઈ પરમાર:

    અવલોકન બદલ આભાર…. ક્ષતિ હોય તો અવશ્ય અંગૂલિનિર્દેશ કરવો કેમકે માણસ માત્ર ભૂલને પાત્ર…

    અખાના છપ્પા અને ભોજા ભગતના ચાબખા – આપની વાત બિલકુલ સાચી છે પણ મેં અહીં મહાન કવિઓના કાવ્યપ્રકારનો નહીં, પણ કાવ્યતત્ત્વનો ઉલ્લેખ કર્યો છે.

    મીરાંનું સમર્પણ (પદ), કબીરનું તત્ત્વચિંતન (દોહા), અખાના ચાબખા (છપ્પા) અને ભર્તૃહરિનો શૃંગાર (શ્લોક) ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment