‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું !
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

વાદળજી વાયડાઈ મેલો – નેહા પુરોહિત

હવે વાદળજી વાયડાઈ મેલો,
ધરતીની સાથ વીજ-વારિનો ખેલકૂંભ પૂરી તાકાત લઈ ખેલો….
હવે વાદળજી વાયડાઈ મેલો.

સૂરજનું માનસિક સંતુલન ખોરવાયું એવું કંઈ આભે ચર્ચાય છે?
પાગલના કોપથી નમણી રૂપાળી મા ધરતી ઉઝરડાતી જાય છે.
વાયરો શું ઠારે ધરાને, જ્યાં રોમરોમ તાપથી એ ય દાઝેલો…
હવે વાદળજી વાયડાઈ મેલો !

રૂડાં એંધાણ છે આભમાં ગાભ સોળ આનીનો અહિંથી વરતાય,
મોરલાને વીનવું કે મેલી મલ્હાર, સૂર કેદારી આજે થૈ જાય !
એવી તે તાન છેડ સાંબેલાધારે એય વરસી પડવાને થાય ઘેલો !
હવે વાદળજી વાયડાઈ મેલો !

ઝૂકો વાદળજી, કે ચૂમો ધરાને એને લીલવણી ચૂંદડીના કોડ ,
સોળે શણગાર સજી લેવા આતુર એણે હાથવગો રાખ્યો છે મોડ !
આવી નઠારાઈ શોભે ? જ્યાં કહેવાતું મેઘ તો છે સાગરનો ચેલો !
હવે વાદળજી વાયડાઈ મેલો !

– નેહા પુરોહિત

ચોમાસું વહેલું આવશે… ૯૮% જેટલો વરસાદ વરસશે. – હવામાન ખાતાએ આગાહી કરી અને કાળાંડિબાંગ વાદળો લઈ લઈ રોજ ડોકાતો મેઘ છેહ આપીને પાછો ફરી જવા માંડ્યો. ગરમી સહન થતી નથી અને વાદળ ખાલી થતાં નથી એવામાં આવું મજાનું ગીત ન સ્ફૂરે તો જ નવાઈ… આ ગીત હિમગિરી પર ઊભો રહી યક્ષ લલકારે તો મેઘરાજે આવવું જ પડે એવું તાકાતવર ગીત!

(મોડ= લગ્ન વખતે સ્ત્રીઓ માથે રાખે છે તે મોડીઓ : લગ્ન વખતે વરની માને કપાળે બાંધવાનો સુથાડિયા નામના ઘાસની સળીનો બનાવેલો એક ઘાટ: તેની ઉપર કપડું મઢી મોતી જડી બનાવાય છે. મુકુટ એટલે મુગટ. તેમાંથી અર્થ ફેર થઈ કન્યાને કપાળ ઉપર પરણતી વખતે બાંધવામાં આવે છે તે મોડ કહેવાય છે.)

6 Comments »

 1. Chitralekha Majmudar said,

  June 22, 2017 @ 1:28 am

  ..

 2. ચેતન shukl said,

  June 22, 2017 @ 5:03 am

  વાહ ..કેવી સરસ રીતે વાદળ જોડે સંવાદ રચ્યો છે

 3. Pravin Shah said,

  June 22, 2017 @ 6:26 am

  વાહ, વાહ્,
  ખૂબ સુન્દર !
  દુબારા દુબારા.
  નેહાબહેનને અભિનન્દન.

 4. rohit kapadia said,

  June 22, 2017 @ 10:49 am

  રિસાયેલા પ્રિયતમને કંઇક ગુસ્સાથી તો કંઇક પ્રેમથી મનાવતી પ્રિયતમા જેવું વાદળથી વહાલ અને રોષ બંને ઠાલવતું મીઠું,મધુરું ગીત.ધન્યવાદ.

 5. લક્ષ્મી ડોબરિયા. said,

  June 22, 2017 @ 11:15 am

  ખૂબ ખૂબ સરસ.

 6. બીના said,

  June 23, 2017 @ 1:38 am

  સરસ કાવ્ય.
  મને આ વાઈડાઈ મેલો એવો અધિકાર યુક્ત આદેશ ખૂબ જ ગમ્યો.
  આ અધિકારથી વાત કરો તો સાગરના ચેલા એ માનવું જ પડેને?
  ગુડ .નેહાબેન
  બીના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment