આંખ બેઠી છે દૃશ્યના ટેકે
દૃશ્યને આંખનો લગાવ કહું ?
– સંજુ વાળા

(જોયો જ નહિ) – સુનીલ શાહ

કેટલો સુંદર, સરળ મોકો હતો, જોયો જ નહિ,
દોસ્ત! તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહિ !

ટોળું બોલ્યું: ‘ધર્મ ભયમાં છે’…અને દોડ્યા બધા,
કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહિ !

લઈ હથોડો હાથમાં, દોડયા તમે તો તોડવા,
ભીંતને બદલે અહીં પરદો હતો, જોયો જ નહિ ?

રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહિ !

દામ જ્યાં ઊંચા મળ્યા, ઘર એમણે વેચી દીધું,
ઘરના ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહિ !

– સુનીલ શાહ

આપણા, ના, કદાચ બધા જ કાળના બધા જ સમાજના કપાળ પર ચપોચપ ચોંટી જાય એવી ગઝલ. ઈસુથી લઈને ગૌતમ સુધી ને મહંમદથી લઈ ગાંધી સુધી – મસીહાઓ, ભગવાનો આવ્યા અને ગયા પણ સમાજની ‘અંધ’ માનસિકતા એની એ જ રહી. આંખ એના ગોખલામાં યથાસ્થાને જ રહી પણ દૃષ્ટિ કદી કોઈને લાંધી જ નહીં… જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે, એમ પણ બને (મ.ખ.)– એના જેવી આ વાત છે. મીઠામાં બોળેલા ચાબખા ભરબપોરે ઊઘાડી પીઠ પર વિંઝાતા હોય એ રીતે આ ગઝલ આપણા અહેસાસની બુઠ્ઠી થઈ ગયેલી ચામડી ઊતરડી નાંખે છે….

10 Comments »

  1. Lata hirani said,

    June 2, 2017 @ 5:35 AM

    આરપાર ઉતરી જાય એવી ગઝલ..

  2. Shivani Shah said,

    June 2, 2017 @ 6:14 AM

    ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું
    તે સમે તેહને તે જ પહોંચે !’

    વારે વારે ભક્ત નરસિંહના પદો યાદ આવ્યા કરે છે.

  3. Vineshchandra Chhotai said,

    June 2, 2017 @ 7:29 AM

    Dil no andar bahar ,thi ,halavi nakheche

  4. Rakesh Thakkar, Vapi said,

    June 2, 2017 @ 9:25 AM

    ખૂબ સરસ
    રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
    કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહિ !

  5. Aasifkhan said,

    June 2, 2017 @ 2:24 PM

    વાહ
    સરસ રચના
    વાહ

  6. Devang Naik said,

    June 2, 2017 @ 10:04 PM

    Wah…Chotdaar Gazal..

  7. jigar joshi said,

    June 3, 2017 @ 7:54 AM

    સ-રસ

  8. Nilesh Rana said,

    June 3, 2017 @ 2:59 PM

    ઊત્તમ વિચરો અને અભિવ્યક્તિ

  9. સુનીલ શાહ said,

    June 4, 2017 @ 3:27 AM

    પ્રોત્સાહક પ્રતિભાવો બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
    વિશેષત: વિવેકભાઈનો આભાર

  10. yogesh shukla said,

    June 10, 2017 @ 9:54 PM

    વાહ કવિ શ્રી વાહ ,
    એક એક શેર દમદાર ,

    ટોળું બોલ્યું: ‘ધર્મ ભયમાં છે’…અને દોડ્યા બધા,
    કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહિ !
    સચોટ ઘા કર્યો ,,,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment