જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.
’શૂન્ય’ પાલનપુરી

(કવિતા થતી રહી) – રઈશ મનીઆર

અજવાળું પણ થયું અને પીડા થતી રહી
છાતીના એક ખૂણે કવિતા થતી રહી

રસ્તા ઉપર ..મકાનોમાં.. હત્યા થતી રહી
મંદિરમાં, દેવળોમાં તપસ્યા થતી રહી

માણસ ઉલેચતો જ રહ્યો અંધકારને
દીવાસળીની સાવ ઉપેક્ષા થતી રહી

સત્કાર ન મળ્યો તો જવાનું કર્યું મેં બંધ
કહે છે ત્યાં મારી રોજ પ્રતીક્ષા થતી રહી

જૂની સમસ્યા લોકો ઉકેલ્યા વિના ભૂલ્યા,
વરસોવરસ નવી જ સમસ્યા થતી રહી

ભૂલી ગયો એ મારી કટુતા સમય જતાં,
ને એ પછી મને ઘણી પીડા થતી રહી

સળગી રહેલા ઘરમાં હવાની અવરજવર..
શ્વાસોની રોજ અગ્નિપરીક્ષા થતી રહી

– રઈશ મનીઆર

કવિતાની વ્યાખ્યા કરવું કયા કવિને નથી ગમ્યું? રઈશ મનીઆર પણ એમની વ્યાખ્યા લઈ આવ્યા છે. કવિતા લાગણીની ભાષા છે એટલે જ કવિતાનું ઉદભવસ્થાન મગજ નહીં પણ છાતી-હૃદય નિર્ધારાયું છે. કવિતા અસ્તિત્વને અજવાળે ખરી પણ કવિતા અસ્તિત્વ સમગ્ર નથી એટલે “કવિ એક ખૂણા”ની વાત કરે છે. આ સાથે જ કવિતા સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલી પીડા અને પીડામાંથી રેલાતા પ્રકાશના સાયુજ્યનો નિર્દેશ કરી કવિ કવિતાને વ્યાખ્યાયિત કરે છે… બાકીના શેરોમાંથી પણ કયા પર હાથ મૂકવો અને કયા પર નહીં એ વિમાસણ બની રહે છે.

8 Comments »

 1. Suresh Shah said,

  May 12, 2017 @ 4:41 am

  સત્કાર ન મળ્યો તો જવાનું કર્યું મેં બંધ
  કહે છે ત્યાં મારી રોજ પ્રતીક્ષા થતી રહી
  કવિતા અસ્તિત્વને અજવાળે ખરી પણ કવિતા અસ્તિત્વ સમગ્ર નથી એટલે “કવિ એક ખૂણા”ની વાત કરે છે.
  આસ્વાદ કરાવવા માટે આભાર.

  – સુરેશ શાહ, સિંગાપોર

 2. chandresh said,

  May 12, 2017 @ 5:52 am

  જૂની સમસ્યા લોકો ઉકેલ્યા વિના ભૂલ્યા,
  વરસોવરસ નવી જ સમસ્યા થતી રહી
  સરસ

 3. chenam shukla said,

  May 12, 2017 @ 6:28 am

  દીવાસળીની સાવ ઉપેક્ષા થતી રહી……કેટલી કડવી વાત સીધી જુબાન કહી દીધી છે …..વાહ

 4. સૌરભભાઈ ભટ્ટ said,

  May 12, 2017 @ 2:24 pm

  ભૂલી ગયો એ મારી કટુતા સમય જતાં….
  વાહ ખૂબજ સરસ વાત કહી છે…

 5. ratnesh algotar said,

  May 13, 2017 @ 2:47 am

  wahhhh

 6. Maheshchandra Naik said,

  May 14, 2017 @ 12:17 am

  સરસ,સરસ્,સરસ…..શ્રી રઈશભાઈને સલામ…….

 7. Rakesh Thakkar, Vapi said,

  May 17, 2017 @ 11:34 pm

  સુંદર ગઝલ.
  જૂની સમસ્યા લોકો ઉકેલ્યા વિના ભૂલ્યા,
  વરસોવરસ નવી જ સમસ્યા થતી રહી

 8. ATUL MEHTA said,

  April 11, 2018 @ 7:01 am

  WAH, WAH,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment