પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?
કિરણ ચૌહાણ

(સવાયો છું) – અમૃત ‘ઘાયલ’

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું!

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું!

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હુંય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?
આપમેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

– અમૃત ‘ઘાયલ’

અધધધ અગિયાર શેરની ગઝલ… બહર ટૂંકી પણ કમાલ તો જુઓ… એક્કેક શેર ઘાયલના મિજાજ જેવા જ અદ્દલોદ્દલ જાનદાર.. બધા જ શેર વિચારવિસ્તાર કરી શકાય એવા બિંદુમાં સિંધુ સમા…

7 Comments »

 1. ketan yajnik said,

  May 27, 2017 @ 8:31 am

  મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
  શૂન્ય કરતાં તો હું સવાયો છું.
  रेख्त के तुम्ही उस्ताद नहीं हो “ग़ालिब”l
  कहते है अगले ज़माने में कोई “मीर” भी था ll
  बहोत खूब! સલામ્

 2. Pravin Shah said,

  May 27, 2017 @ 10:47 am

  ‘ઘાયલ’ નેી ગઝલ ઘાયલ કરી ગઈ

 3. Jayendra Thakar said,

  May 27, 2017 @ 2:53 pm

  મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
  શૂન્ય કરતાં તો હું સવાયો છું.
  ઘાયલની ખુમારી કોઈ ઓર છે. સુન્ય હોવુ અને સિન્ધુને ગળી જવાની તાકત રાખવી બધાને ન પોસાય.

 4. Vineshchandra Chhotai said,

  May 27, 2017 @ 3:06 pm

  Great amrut Bhai ,one sparkling star of gujrati poetery, always with own mood to say something unusual ,once again salute to him by few words which are not at enough to describe his achievements, with prem n om vineshchandra Chhotai

 5. chandresh said,

  May 30, 2017 @ 5:35 am

  સાચું પૂછો તો સત્યના પંથે,
  ખોટી વાતોથી દોરવાયો છું!
  સરસ

 6. Rakesh Thakkar, Vapi said,

  May 30, 2017 @ 11:18 pm

  જાનદાર ગઝલ…..

 7. Shivani Shah said,

  June 1, 2017 @ 1:09 am

  ‘ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?
  આપમેળે જ ઊંચકાયો છું.’

  વાહ ! જબરજસ્ત પંક્તિ / શેર.
  એ જ મિજાજનો પડઘો નીચેની પંક્તિઓમાં
  પડતો હોય એમ લાગે છે –
  આ મોજ ચલી જે દરિયાની
  તે મારગની મુહતાજ નથી….
  ઓ દેખ નમાઝી ! નેન ભરી,
  જ્યાં લગની છે ત્યાં લાજ નથી.
  – શ્રી મકરંદ દવે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment