હાંસિયામાં મૂકવા છે ઘાવને;
ચાલ, તું પાનું બીજું ઉથલાવ ને!
હર્ષા દવે

(તમને ગમે તો પહેરો) – હરીશ મીનાશ્રુ

ઝાકળ ન તાણે તંબુ, સાધુ ન ડારે ડેરો
સુરભિ સદા અજન્મા, વાયુ ફરે ન ફેરો

સપડાઈ ગયા છે સૌ સગપણ અને સમજણમાં
ઘર ઘર મટીને સહસા થઈ જાય સખત ઘેરો

પડછાયો પગ તળેથી છટકીને ક્યાં જવાનો ?
ધોળે દહાડે શાને સૂરજનો ચોકીપહેરો ?

દરિયા કનેથી ઈંડાં માગે છે જ્યાં ટિટોડી
મોતી બધાંય મીંડાં, લજ્જિત બધીય લહેરો

નગરી ઉજેણી, એમાં આ શબ્દનું સિંહાસન
હું બેસવા જઉં ત્યાં પૂતળી પુકારે ઠહેરો

શંકાનું એક ટીપું, મનની મટોડી કાળી
ભાષાનો ભેદ તસ્કર કરતાં ગુપત ને ઘેરો

હું બરતરફ કરું છું શાહીનો ચન્દ્ર નભમાં
આ વાત પર અમાસે મારી દીધો છે શેરો

ખખડ્યા કરે છે અંદર ઈશ્વરની એ ઈમારત
નકશામાં કોણ કરતું, ખંડેરનો ઉમેરો ?

કંપે છે એકસરખાં ધડ ને અરીસા સૌના
ડરને અને ઈચ્છાને છે એકસરખો ચહેરો

કાચી કબરના માપે મેરાઈએ સીવ્યો છે
માટીનો એક ડગલો, તમને ગમે તો પહેરો

– હરીશ મીનાશ્રુ

કેટલાક છંદદોષને નજરઅંદાજ કરીએ તો મજાની દ્વિખંડી ગઝલ. પ્રાચીન ગુજરાતીના દોહા કે સુભાષિતો સાંભળતા હોઈએ એવી ગેરુઆ બાનીની ગઝલ. બધા જ શેર મનનીય થયા છે.

9 Comments »

 1. poonam said,

  April 22, 2017 @ 4:46 am

  કંપે છે એકસરખાં ધડ ને અરીસા સૌના
  ડરને અને ઈચ્છાને છે એકસરખો ચહેરો..
  – હરીશ મીનાશ્રુ – WAAH !

 2. નિનાદ અધ્યારુ said,

  April 22, 2017 @ 4:46 am

  હું બરતરફ કરું છું શાહીનો ચન્દ્ર નભમાં,
  આ વાત પર અમાસે મારી દીધો છે શેરો.

  દાદુ …!

 3. ઢીંમર દિવેન said,

  April 22, 2017 @ 5:00 am

  મત્લા બઉં જ ધારદાર

 4. Gaurang Thaket said,

  April 22, 2017 @ 5:20 am

  વાહ વાહ ખૂબ સરસ…

 5. Maheshchandra Naik said,

  April 22, 2017 @ 10:52 pm

  સરસ…….બધા જ શેર મનભાવન…………

 6. Rakesh Thakkar, Vapi said,

  April 23, 2017 @ 1:37 am

  વાહ!
  કંપે છે એકસરખાં ધડ ને અરીસા સૌના
  ડરને અને ઈચ્છાને છે એકસરખો ચહેરો

 7. Pravin Shah said,

  April 23, 2017 @ 6:09 am

  માટીનો એક ડગલો, તમને ગમે તો પહેરો… એ તો જે આપે તે જ પહેરવો પડે છે.

  સુન્દર બાનીમાં લખાએલ ગઝલ

 8. હેમંત જોષી said,

  April 24, 2017 @ 10:22 pm

  ઝાકળ ન તાણે તંબુ, સાધુ ન ડારે ડેરો
  સુરભિ સદા અજન્મા, વાયુ ફરે ન ફેરો

  અદભૂત સવાર સુધરી ગઈ.

 9. લલિત ત્રિવેદી said,

  May 15, 2017 @ 2:31 pm

  અદભુત

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment