ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?
રમેશ પારેખ

નરસૈયાનું નામ જ લેતાં – લતા હિરાણી

આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો
તું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો.

હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતો
શામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો !

નીરખે આભમાં કાનને હરઘડી બાથમાં હરપળે એ જ ભાસે
સળવળે રોમમાં, નેણમાં ઝળહળે, પંડમાં હે પ્રગટ પરમ હાસે.

શ્હેર જૂનાગઢે શ્રી હરિને સ્મરી, કુંડ દામોદરે કેલિ કરતો
નાગરી નાતનો વંશવેલો રૂડો, કૃષ્ણના ગાનમાં લીન થાતો.

એ જ ગિરનારની વ્હાલની વાંસળી ને તળેટી તણો તાલ વાજે
નરસીના નાથને જોડી કર વીનવું, ઝૂલણા છંદથી આભ ગાજે.

– લતા હિરાણી

રાજસ્થાનમાં એક મીરાં થઈ ગઈ ને ગુજરાતમાં એક નરસિંહ. આ બે ભક્ત વિના તો કૃષ્ણનેય કદાચ અધૂરું લાગે. કૃષ્ણપ્રેમની કવિતા તો ઘણા લખી ગયા, ઘણા લખશે પણ લતા હિરાણી જરા અલગ ફ્લેવરની નરસિંહસ્તુતિની રચના લઈ આવ્યા છે. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. જેનો શ્વાસ પૂર્ણને પામી જાય છે એ अहं ब्रह्मास्मि છે, એ જ આદિ, એ જ મધ્ય ને એ જ અંત પણ. કણ-કણમાં પછી એ જ. અને એકવાર જે મોરના પિચ્છધર પાસે પ્રેમરસ પી લે એનું ઉર છલકાઈને સમસ્તિ સાથે એકરસ થઈ જાય છે. ખુદ નરસિંહને ફરી આવવાનું મન થાય એવી મજાની ગીતરચના…

*

કેવી મોટી ભૂલ! અમેરિકાથી મિત્ર દેવિકાબેન ધ્રુવે ધ્યાન ન દોર્યું હોત તો આખું કોળું જ શાકમાં ચાલ્યું ગયું હતું. ગીતરચનાનો પરિચય ભૂલથી ગઝલ તરીકે અપાઈ ગયો. વાચકમિત્રોની અને લતાબેનની ક્ષમા સાથે ફેરફાર કરી લઉં છું…

16 Comments »

 1. Rajnikant Vyas said,

  May 11, 2017 @ 3:54 am

  નરસિંહ મહેતાને બિરદાવતું ખૂબ સુંદર કાવ્ય.

 2. Pravin Shah said,

  May 11, 2017 @ 6:05 am

  ખુબ સરસ !

 3. Chitralekha Majmudar said,

  May 11, 2017 @ 7:56 am

  Sweet ‘bhajan’ about Krushna Bhagwan and devotion of Narasinh Mehta.

 4. Lata hirani said,

  May 11, 2017 @ 9:03 am

  Thank you Vivek bhai. Thank you Layastaro team. Thank you all who like this.

 5. Jayshree said,

  May 11, 2017 @ 9:21 am

  વાહ…

 6. Jayshree said,

  May 11, 2017 @ 9:22 am

  આને તો કોઇકે સ્વરબધ્ધ કરવુ જોઇએ….

 7. Rakesh Thakkar, Vapi said,

  May 11, 2017 @ 9:51 am

  સાચી વાત. ખુદ નરસિંહને ફરી આવવાનું મન થાય એવી મજાની ગઝલ…
  શામળા સંગ જે પ્રેમરસ પામતો, ઉર મહીં કેમનો એ સમાતો !

 8. Devika Dhruva said,

  May 11, 2017 @ 12:02 pm

  નખશીખ સુંદર કવિતા..

 9. Shivani Shah said,

  May 11, 2017 @ 12:59 pm

  સુંદર રચના ! વાંચતા વાંચતા કૃષ્ણભક્તિમાં લીન થયેલા નરસિંહ મહેતા જાણે આંખ સામે તરવરવા માંડે છે અને ગાય છે કે
  ” પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર
  તત્વનું ટૂંપણું તુચ્છ લાગે “

 10. Shivani Shah said,

  May 11, 2017 @ 1:34 pm

  એક પ્રશ્ન મનમાં ઊભો થાય છે કે ભક્તિમાર્ગને વરી ચુકેલા મહેતાજી શું જ્ઞાનના માર્ગને તુચ્છ ગણે ? સપાટીપર રહીને થોડી ગ્રંથ ગરબડ કરી છે પણ ખરી વાત હજુ સમજવાની બાકી રહી છે..કોઇ વાર વિવેકભાઇ નરસિંહ મહેતાના પદ દ્વારા તત્વના ટૂંપણા વિષે થોડું સમજાવે એવી વિનંતી. ..

 11. Maheshchandra Naik said,

  May 11, 2017 @ 9:10 pm

  સરસ, ભજનના સ્વરુપમાં ગઝલ……..નરસિહ મહેતાને વંદના…….

 12. Pushpakant Talati said,

  May 12, 2017 @ 1:43 am

  @ શિવાનિ શાહ ;
  આપનો પ્રશ્ન કે – શું ભક્તિમાર્ગ ને વરી ચુકેલો જુનાગઢનો નરસૈયો શું ગ્નાનમાર્ગ ને તુચ્છ ગણે ?
  પણ મારા મન્તવ્ય મુજબ તે એવું નથી પણ પ્રેમલક્ષણા ભક્તિ નું સર્વોપરિત્વપણું દર્શાવવા આમ જણાવાયેલું હોય તેમ લાગે છે. – ક્રુષ્ણ જેીવન ક્રુષ્ણ ભક્તિ માં પ્રેમ પદારથ ને ઘણી જ ઊચ્ચ સતહ સુધી લઈ જઈ ત્યાં મુકેલ છે – એટલે કે પ્રેમને જ સુપ્રિમ માનવામાં આવેલ હોવાની વાતને આમાં ઉલ્લેખાયેલ હોવાનું મારું માનવું છે. વધુ સમજવા શ્રીમદ ભાગવતમાં જે ગોપીગીત છે તેનો અભ્યાસ અને ચિન્તન કરશો તો આપ કદાચ મારી વાત સાથે સહમત થશો. – અને એટલે જ ઉધ્ધવજી એ પણ ગોપીઓ ને ગુરુપદે સ્થાપી છે. શ્રી ભાગવત માં ઉધ્ધવ અને ગોપીઓ નો સંવાદ પણ વાંચવા લાયક છે.
  જો કે આ બાબત શ્રી વિવેકભાઈ તરફથી વધુ “બોનસ” ની અપેક્ષા તો રાખવી જ જોઇએ અને તે યથા સ્થાને જ છે. – તો વિવેકભાઈ “તત્વ નાં ટુંપણા” બાબત આપના તરફથી “બોનસ” થઈ જાય.
  પુષ્પકાન્ત તલાટી નાં જય શ્રી ક્રુષ્ણ તથા જય ગિરનારિ.

 13. વિવેક said,

  May 12, 2017 @ 2:41 am

  @ શિવાની શાહ & પુષ્પકાંત તલાટી:

  મારી ક્ષમતાથી વધુ બહુમાન થઈ ગયું… હું તો બસ કવિતાનું પૃથક્કરણ કરી શકું. ધર્મ વિશે વાત કરવાની મારી કોઈ લાયકાત નથી. એટલું જ કહી શકીશ કે ભક્તિ એટલે પ્રેમ અને સમર્પણ. અને મારી સમજ મુજબ એ હંમેશા બુદ્ધિથી બે કદમ આગળ જ રહેવાની… પુષ્પકાંતભાઈની વાત સાથે સહમત છું…

 14. સૌરભભાઈ ભટ્ટ said,

  May 12, 2017 @ 2:34 pm

  ખૂબ સરસ કાવ્ય …

 15. poonam said,

  May 15, 2017 @ 6:10 am

  આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો
  તું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો.
  – લતા હિરાણી – mast

  અલગ ફ્લેવરની નરસિંહસ્તુતિની ગઝલ લઈ આવ્યા છે. tru…

 16. Vineshchandra Chhotai said,

  May 25, 2017 @ 7:43 am

  Lataben ,nathi narsayo to kasuj nathi , Krishna to check narasyo sathe,
  Che jem Lata Ben gujrati sahittya madye😀😁😂jay Shree Krishna

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment