હવે જગાડ ન સૂતો છું હું હકીકતમાં,
જરાક વાર કરી તેં સવાર કરવામાં.
અશોક ચાવડા 'બેદિલ'

શ્વાસ નામે પાંદડાં – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ નામે પાંદડાં ખરતાં રહ્યાં
હા, ક્ષણેક્ષણ આપણે મરતા રહ્યા

જીવવા જેવું કશુયે ક્યાં હતું
જિંદગી લાદી ખભે ફરતા રહ્યા

આંખમાં અવઢવ રહ્યો આઠે પ્રહર
પાંપણોમાં પ્રેત તરવરતાં રહ્યાં

આયખાના સાવ કાણા પાત્રમાં
આંધળું હોવાપણું ભરતા રહ્યા

ક્યાં હતી ઠંડી… હવા પણ ક્યાં હતી..?
એ છતાં ‘નારાજ’ થરથરતા રહ્યા….

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

કવિતાની ખરી મજા જ એ છે કે જે વાત આપણે વર્ષોથી જાણતાં જ હોઈએ એ જ વાત અલગ રીતે રજૂ કરવામાં આવે તો મોં અને દિલમાંથી એકીસાથે આહ અને વાહ – બંને નીકળી આવે… સફરજન તો વૃક્ષનો જન્મ થયો ત્યારથી જ નીચે પડતા હતા પણ ન્યૂટને એની પાછળનો નિયમ રજૂ કર્યો અને દુનિયાની શિકલ બદલાઈ ગઈ. આપણે બધા જ જાણીએ છીએ કે દરેક શ્વાસ આપણને અફર મૃત્યુ તરફ લઈ જાય છે પણ આ જ વાત જ્યારે ચંદ્રેશ મકવાણા આ ગઝલના મત્લામાં લઈને આવે છે ત્યારે મરવું પણ મીઠું લાગી આવે, નહીં?! મત્લાના શેરનું સહજ સૌંદર્ય એટલું બધું અદભુત છે કે વિવેચનાનો નાનો અમથો સ્પર્શ પણ પતંગિયાની પાંખ હાથમાં લઈએ ને રંગ ઊતરી જાય એમ આ સૌંદર્યમાં ડાઘ લગાડવા બરાબર છે એટલે એને એમ જ માણીએ.

આખી ગઝલ મૃત્યુનો સંસ્પર્શ લઈને આવી છે અને બધા જ શેર નિતાંત આસ્વાદ્ય થયા છે.

8 Comments »

 1. Pravin Shah said,

  April 13, 2017 @ 1:11 am

  નારાજ,

  જિન્દ્ગી સા થે આટ્લા બધા નારાજ્
  કેમ ચ્હો ?

 2. Rakesh Thakkar, Vapi said,

  April 13, 2017 @ 2:22 am

  આખી ગઝલ માણવા જેવી.
  બહોત ખૂબ!
  જીવવા જેવું કશુયે ક્યાં હતું
  જિંદગી લાદી ખભે ફરતા રહ્યા

 3. joshi naiya said,

  April 13, 2017 @ 3:19 am

  waaaaaaaah nyc kavi naraaj

 4. Gaurang Thaket said,

  April 13, 2017 @ 3:45 am

  સરસ ગઝલનો સુંદર આસ્વાદ…

 5. જગદીશ કરંગીયા 'સમય' said,

  April 13, 2017 @ 5:01 am

  ખબર ક્યાં હતી કે જાતે ઊંચકવું પડશે,
  ઠાંસી ઠાંસીને પાપનું પોટલું ભરતા રહ્યા.

  ભાગ્યમાં જ નહોતી આપની રેખા,
  તો પણ ખુદા પાસે કરગરતા રહ્યા.

 6. Pravin Shah said,

  April 13, 2017 @ 11:32 pm

  શ્વાસ નામે પાંદડાં ખરતાં રહ્યાં… very nice chandreshbhai….

 7. lata hirani said,

  April 21, 2017 @ 1:55 pm

  આયખાના સાવ કાણા પાત્રમાં
  આંધળું હોવાપણું ભરતા રહ્યા

  આ વધુ ગમ્યો….

 8. Maheshchandra Naik said,

  May 20, 2017 @ 11:26 pm

  સરસ,કવિશ્રી ને અભિનંદન અને આપનો આભાર……

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment