ઝાંઝવાઓની શીખી બારાખડી,
એક તરસ્યાએ નદી વાંચી હતી.
– રાહુલ શ્રીમાળી

ભીંત ઉપર – રાધિકા પટેલ

મને ભીંત જરા પણ પસંદ નથી;
કારણ કે મને આકાશ ગમે છે..!!
હું કઈ કીડી નથી કે ચાલ્યા કરું – હારબંધ.
હું ગરોળી પણ નથી કે રાહ જોયા કરું.
હું ફેંકી દઉં મારા કપાળનો સૂરજ આ ભીંત પર તો-
ક્ષણમાં રાખ
બધુંય.
મારે ભીંત પર ટકોરા પાડવાની જરૂર નથી;
હું મારા અવાજથી ખેરવી શકું છું-
ફક્ત પોપડી જ નહિ-રંગ, રેતી, ઈંટ અને સિમેન્ટ સુધ્ધાં..!!
હું મારા નખથી ખોતરી શકું છું – એમાં બારી અને દરવાજો.
પાણી બતાવું એને તો તરવા લાગે-એ.
કે પછી કેશ વડે ઝાટકી નાખું-આખું ચોમાસું એના પર…!!
હું એક દરિયો ચીતરી શકું છું એના પર – નજર ફેરવીને.
મારી આંગળીના ટેરવેથી હું ઉગાડી શકું છું, બગીચો-ભીંત પર.
મને ફૂંક મારી એમાંથી પંખી ઉડાડતા આવડે છે..!!
જો હું એના પર હથેળી ફેરવું…
પ્રેમથી….
તો, છૂટી જાય એનું-
ભીંતપણું..!
સારું છે કે મેં હજુ સુધી એને ચૂમી નથી-
નહીંતર….!!
હું બીજું ઘણુંય કરી શકું છું.
મારામાં હજુય મોજુદ છે-
મારુ પીપળાપણું…!!

– રાધિકા પટેલ

કલ્પનોની તાજગી અને નાવીન્યસભર રજૂઆત એ નવા સર્જકો તરફથી મળતું મોટામાં મોટું સુખ છે. ફેસબુક જેવા સોશ્યલ મિડિયા પરથી સારા સર્જકો સતત મળતા રહે છે. રાધિકા પટેલનું નામ કદાચ આવી યાદીમાં ઊમેરી શકાય.

ભીંત સ્થિરતાનું, વિભાજનનું, જડતાનું પ્રતીક છે એટલે જ કાવ્યનાયિકાને ભીંત જરા પણ પસંદ નથી. ‘જરા પણ’ વચ્ચે ઊમેરીને નાપસંદગીને જે રીતે દૃઢતાપૂર્વક કવયિત્રી પ્રગટ કરે છે એની પણ મજા છે. આકાશ એને પસંદ છે કેમકે આકાશ ગતિશીલતા, ખુલ્લાપણા અને સજીવતાનું પ્રતીક છે. આકાશમાં અવકાશ છે. આરપાર જઈ-જોઈ શકાય છે. ભીંત પર કતારબંધ કે રાહબંધ જીવન વ્યતિત કરતાં કીડી-ગરોળી હોવાનો પણ નાયિકાને સાફ ઈન્કાર છે. હનુમાનને પોતાની તાકાત યાદ કરાવવા માટે જાંબુવાનની જરૂર હતી પણ નાયિકા જાત વિશે સ્પષ્ટ છે. ગુસ્સાથી, અવાજથી, નખથી, વાળ ઝાટકતાં ઊડતાં પાણીથી નાયિકા ભીંતને હતી-ન હતી કરી દેવા સક્ષમ છે. ભીંત પર બગીચો ઊગાડી, પંખી વસાવી એ નિર્જીવમાં પણ પ્રાણ પૂરી શકે છે. અને સુપેરે માહિતગાર છે પોતાના પ્રેમની તાકાતથી પણ કે પ્રેમભર્યા એક સ્પર્શ માત્રથી ભીંતનું ભીંતત્ત્વ જ ખતમ થઈ જશે અને કશું જ કારગત ન નીવડે તો પીપળાની જેમ પોતાને ભીંત ફાડીને ઊગી નીકળતાય આવડે છે…

સરવાળે કોઈપણ પરિસ્થિતિમાં હાર ન માનવાનો, ગુસ્સાથી લઈને પ્રેમ સુધી અને અવાજથી લઈને સ્પર્શ સુધી, ચુંબનથી માંડીને મૂળિયાં નાંખીને ચીરી નાખવા સુધી – યેનકેન પ્રકારે ભીંત જેવા જડ સંબંધોમાં પણ પ્રાણ પૂરી શકવાનો સ્ત્રીગત જુસ્સો અને આત્મવિશ્વાસ આ કવિતાનો સાચો પ્રાણ છે… ભીંત તો માત્ર પ્રતીક છે.

11 Comments »

  1. Shivani Shah said,

    April 7, 2017 @ 1:27 AM

    જડને ચેતનવંતુ કરવા માટેના ઉપાયોની જુસ્સેદાર અભિવ્યક્તિ…મનપર એક ઊંડી છાપ મૂકી જાય એવું કાવ્ય!
    એક એકથી ચઢે એવા કાવ્યો , ગઝલો અને ગીતો અને દરેકનું રસદર્શન -અમારે વાંચકોને માટે તો જાણે શબરીના બોર જેવાં છે!

  2. વિવેક said,

    April 7, 2017 @ 2:11 AM

    @ શિવાની શાહ:

    ખૂબ ખૂબ આભાર…

  3. Rakesh Thakkar, Vapi said,

    April 7, 2017 @ 5:01 AM

    વાહ ! સરસ.

  4. Radhika patel said,

    April 7, 2017 @ 7:53 AM

    વિવેકભાઇ….ખૂબ સુન્દર આસ્વાદ..આભાર.

  5. Maheshchandra Naik said,

    April 7, 2017 @ 4:43 PM

    આસ્વાદ મનોભાવન બની રહે છે,કવિના મનને વાચા આપવાનો સરસ ઉપક્રમ,ડૉ. વિવેકભાઈને અભિનદન…….

  6. Sadashiv Shrotriya said,

    April 8, 2017 @ 1:11 AM

    The images of an inanimate wall and a man not responding to the love of a young girl for him keep on coming simultaneously as one reads this poem .The beauty lies in the confidence that the persona of this poem shows in her ability to draw response from this unresponsive lover . The power of fertility is what this persona claims to be the ultimate weapon in her hand .

  7. દેવાંગ ય said,

    April 8, 2017 @ 7:13 AM

    વાહ..સશક્ત અભિવ્યક્તિ

  8. Shivani Shah said,

    April 8, 2017 @ 11:45 PM

    ‘મારામાં હજુય મોજુદ છે
    મારું પીપળાપણુ ‘

    એમ નથી લાગતું કે ‘હજુય’ શબ્દ કવિયત્રીની ઉંમરનું સૂચક હોય અને
    ‘પીપળાપણું’ જાણે નક્કર અવરોધોને
    પણ વટાવીને પ્રકાશ તરફ ગતિ કરવાના
    Mindset નું સૂચક હોય ?
    Age doesn’t seem to be a bar for the poetess. In spite of her age, she says, she still has the strength to overcome toughest barriers so that she can proceed towards light…

  9. Bharat A Trivedi said,

    April 9, 2017 @ 9:27 AM

    ફેસબુક અને અનેક સામયિક થકી રાધિકા રચનાઓનો મને સુપેરે પરિચય છે. ગીત અને ગઝલ તો તો ઉત્તમ લખે જ છે પરંતુ મને તેનાં અછાંદસ કાવ્યો વિશેષ સ્પર્શે છે. સ્ત્રી સહજ ભાવો, કરુણા અને રોષ તેમની અછાંદસ કવિતામાં એવો તો ઉભરે છે કે આપણે તેમને જાણે અંગત રીતે ઓળખતાં હોઈયે તેવું થઈ આવી ! રોજિંદા જીવનની ઘટનાઓ તેમને જાણે એવી તો સ્પર્શી જતી હોય છે કે તે વિશેની કવિતા આવશે જ આવશે તેની સહ્રુદય આહાહી પન કરી શકે. અમે ફેસબુક પર એવી આગાહી કરી શકતા હોઈયે છીયે. આ કાવ્યનો આસ્વાદ ડોક્ટર સાહેબે એવો તો સરસ કરાવ્યો છે કે કવિતા વિષે કશી ટિપ્પણી અકારણ જ લાગે. રાધિકાએ અનેક સુંદર કાવ્યો આપ્યાં છે. મને આ કાવ્ય સૌથી વિષેશ નોંધપાત્ર લાગ્યું છે.

  10. Bhumi said,

    April 11, 2017 @ 2:12 AM

    વાહ્..!
    @radhika your poem is just beautiful 🙂

  11. lata hirani said,

    April 21, 2017 @ 2:05 PM

    ખૂ….બ સરસ્… કવિતા અને આસ્વાદ્..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment