આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
રમેશ પારેખ

ઈર્શાદગઢ : ચિનુ મોદી અને ‘ખારાં ઝરણ” વિષે…

આજે શ્રી ચિનુ મોદી આપણી વચ્ચે નથી રહ્યા… પંદરમી ઑગસ્ટ, ૨૦૧૬ના રોજ ચિનુકાકા વિશે અને એમના સંગ્રહ “ખારાં ઝરણ”વિશે લખેલો એક સમીક્ષાત્મક લેખ આજે પ્રસ્તુત છે:

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઇચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

– આમાંથી કોઈ પણ શેર કવિના હસ્તાક્ષરનો મહોતાજ નથી. ગુજરાતી ગઝલ પરંપરાના આ અમર શેર કોઈ આપણી સામે વાંચે કે તરત જ આપણી નજર સમક્ષ ગુજરાતી ગઝલનો એક મજબૂત અને અડીખમ યુગસ્તંભ આવી ઊભો રહી જાય.

જી હા. ચિનુ ચંદુલાલ મોદી. ઈર્શાદ. મહેસાણામાં વિજાપુર ગામમાં ૩૦-૦૯-૧૯૩૯ના રોજ જન્મેલા ચિનુ મોદી વિજાપુર, ધોળકા અને અમદાવાદ ખાતે ભણ્યા. બી.એ., એમ.એ, એલ.એલ.બી., અને પી.એચ.ડી. ચિનુ મોદીના સ્વભાવમાં બળવાખોરી પહેલેથી જ આમેજ હતી. પિતાજી ઇચ્છતા કે એ આઇ.એ.એસ. બને, પણ સાહેબ બન્યા ગુજરાતી શિક્ષક. પહેલા લગ્ન ૧૯૫૮માં જ્ઞાતિ બહાર. બીજા લગ્ન ૧૯૭૭માં હિંદુ છોકરી સાથે. ગુજરાતી કવિતાને સાવ શીર્ષાસન સમો કાયાકલ્પ કરાવનાર ‘રે’ મઠના પાયામાંના એક.

‘રે’મઠના અન્ય સાહસિકોની જેમ જ ચિનુ મોદી ‘ઈર્શાદ’ નો ગુજરાતી ગઝલના નવોન્મેષમાં અમૂલ્ય ફાળો છે. ગઝલને બીબાઢાળ બનતી અટકાવનાર સજાગ પ્રહરીઓમાં એ મોખરે આવે. ગઝલો ઉર્દૂમાં પણ લખે પરંતુ બે ભાષા પરની હથોટી કદી સીમા વળોટતી ન ભાસે એ એમની સિદ્ધહસ્તતા. ચીલાચાલુ રદીફ-કાફિયાથી દૂર રહી, આડંબરી ભાષાથી હટીને, લપસણા વિશેષણોમાં લપસ્યા વિના, પુનરાવર્તન અને પુનરોક્તિના ભયસ્થાનોથી અળગા ચાલતા ચિનુ મોદીની ગઝલો એ ગુજરાતી ભાષાની સવારની ચા સમી તાજગી છે. ગઝલમાં તસ્બી અને ક્ષણિકા જેવા કાવ્યપ્રકારોના એ સર્જક છે.

સિદ્ધ સર્જક કદી જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચાલુ રચનાની વચ્ચે જ ચિનુ મોદી આપણી ધારણાને જમીનદોસ્ત કરતી ગુંલાટી મારી શકે છે… શોભિત દેસાઈ કહે છે, ‘રદીફ-કાફિયા અથવા શે’રની ગૂંથણી કે અન્ય નક્કર છાપ ઊભી કરવાના સજાગ પ્રયાસને લીધે ગઝલ પર નજર પડતાંની સાથે કવિની ‘બ્રાંડ’ પકડાઈ જતી હોય ત્યારે ચિનુ મોદી ‘ઈર્શાદ’ કોઈની પણ અસર; અરે ! ખુદ પોતાની પણ અગાઉની ગઝલોની અસર ન ઝીલતા હોવાને કારણે કાયમ નવી જ બાની લઈ આવે છે. સતત આશ્ચર્ય આપવા એ ઈર્શાદની ગઝલનો સ્વભાવ રહ્યો છે.’ પ્રયોગ અને પરંપરાનું એ મજાનું ફ્યુઝન કરી જાણે છે… જાણીતા અભ્યાસુ-વિવેચક-સંપાદક શકીલ કાદરી ચિનુ મોદી વિશે કહે છે, ‘પ્રયોગશીલ કવિઓમાં ચિનુ મોદીનું પ્રદાન નોંધપાત્ર ગણાવી શકાય એમ છે. એમણે ગઝલોમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પરંપરાગત ઉર્દૂ-ફારસી છાપવાળી ગઝલોથી મુક્ત એવી ભાષા દ્વારા એમણે કાફિયા-રદીફના ચુસ્ત બંધન અને સચોટ ધારદાર અભિવ્યક્તિથી ગઝલનો મિજાજ જાળવ્યો છે.’

જોકે ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવાં બળકટ ગીતો પણ કવિએ આપ્યાં છે. ઉદયન ઠક્કરનો જાણીતો શેર ‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ ચિનુ મોદી જેવા વિરાટ કવિને સ્પર્શી શકે એમ નથી. કવિતાના સ્વરૂપોના ખેડાણની બાબતમાં ચિનુ મોદીની સમકક્ષ એમની સમકાલીન ગઈકાલ કે આજની પેઢીના કોઈ પણ કવિ ઊભા રહેવાનું વિચારી પણ નહીં શકે. ગઝલ, સૉનેટ, છંદોબદ્ધ, અછાંદસ, ગીત, દીર્ઘ કાવ્ય, ખંડ કાવ્ય, પારંપારિક આખ્યાન, આધુનિક આખ્યાન, પદ્ય નાટકો, પદ્યસભર વાર્તાઓ – કવિએ જે સફળતા અને સાહજિકતાથી નાનાવિધ કાવ્યસ્વરૂપોમાં હૃદયંગમ સ્વૈરવિહાર કર્યો છે એ ન ભૂતો, ન ભવિષ્યતિ છે.

લબ્ધપ્રતિષ્ઠ કવિ-વિવેચક ચન્દ્રકાન્ત શેઠ લખે છે, ‘ચિનુભાઈની કવિતા એટલે ચાંચલ્યની કવિતા, પણ એમાં ગાંભીર્ય ને ગહરાઈ પ્રચ્છન્ન રીતે રહેલાં સહૃદયને તુરત જ પકડાય –પરખાય !’

એક વિહંગાવલોકન કરીએ કવિના સર્જન પર :

કાવ્યસંગ્રહ: વાતાયન, ઊર્ણનાભ, શાપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ, બાહુક, વિ-નાયક, કાલાખ્યાન, અફવા , ઈનાયત, એ, સૈયર, શ્વેત સમુદ્રો, નકશાનાં નગર, પર્વતને નામે પથ્થર, હથેળી

નાટક – ડાયલનાં પંખી, કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ

નવલકથા– શૈલા મજમુદાર (આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ, પહેલા વરસાદનો છાંટો

વાર્તાસંગ્રહ – ડાબી મૂઠી, જમણી મૂઠી

વિવેચન – મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ

ચરિત્ર – કૃષ્ણલાલ શ્રીધરાણી

સંપાદન – ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ

અનુવાદ– વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ)

ચિનુ મોદી કેવી બહુમુખી પ્રતિભા છે એ આ યાદી પર નજર નાંખતાવેંત સમજી શકાય છે.

‘બાહુક’ આધુનિક ખંડકાવ્ય છે તો ‘વિ-નાયક’ શિખરિણી છંદમાં પચાસ ષટકસ્વરૂપે લખાયેલું ત્રણસોપંક્તિનું દીર્ઘ કાવ્ય છે. ‘કાલાખ્યાન’ પ્રેમાનંદની આખ્યાનશૈલીનો સાદ્યંત સફળતાથી કરવામાં આવેલો સાક્ષાત્કાર છે. ‘ડાયલનાં પંખી’ પદ્યમાં લખેલા એબ્સર્ડ એકાંકી નાટકોનો સંગ્રહ છે. ‘ડાબી મૂઠી, જમણી મૂઠી’ પદ્ય-સભર વાર્તાઓ છે.

ગઝલની સાથે કવિનો ઘરોબો કંઈક આકસ્મિક રીતે થયો છે. પ્રારંભિક કવિજીવનમાં છંદોબદ્ધ સૉનેટ્સ અને ક્યારેક ગીતો એ જ એમનું લક્ષ્ય હતું. ચિનુ મોદી કહે છે, ‘ગઝલ સાથે નિકટવર્તી સંબંધ બંધાવાનાં બે નિમિત્ત કારણ: મનહર અને આદિલ. મનહર મોદીએ કોલેજમાં મુશાયરો રાખ્યો હતો ત્યારે સહજભાવે કવિને કહ્યું હતું: ‘તું પણ ગઝલ લખ ને.’ અને એમ ચિનુ મોદી ગઝલ સાથે મનમાં પણ નહોતું ને અવિનાભાવી સંબંધાયા.

ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે. ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની આત્મકથાના પાનાં જેવા લાગે છે. એમના જ શબ્દોમાં કહીએ તો, ” ગઝલ એ હું આત્મકથાની અવેજીમાં લખું છું એટલું જ નહીં, ગઝલના રદીફ-કાફિયા મારે માટે શ્વાસ અને ઉચ્છવાસ જેટલા જ સહજ અને અ-નિવાર્ય બન્યા છે. હજી પણ પ્રત્યેક ગઝલ શરૂ થાય ત્યારે કાબો લૂંટી જશે એવો ડર લાગે છે. ગઝલથી વધારે છેતરામણું સ્વરૂપ ન સોનેટ છે, ન ખંડકાવ્ય છે. અ-છાંદસ, ગીત અને ગઝલ મને સૌથી છેતરામણાં કાવ્ય સ્વરૂપ લાગ્યાં છે.”

રમેશ પુરોહિત કહે છે, “ગઝલના આંતર-બાહ્ય તત્ત્વને સમજીને, ગઝલના રંગના ખુમારને જાણીને, ગઝલના મુલાયમ મિજાજને પિછાનીને, ગઝલના બયાનને પચાવીને, શબ્દોની છટકબારીઓ વાસીને, ચમત્કૃતિઓના શણગારોને નવાં રૂપ આપીને સભાનતાપૂર્વક નવી ગઝલોથી ગુર્જરીગિરાના અસબાબને અભિવ્યક્તિના નવોન્મેષોથી ચાર ચાંદ લગાવી દેનારા શાયરોમાં મોખરાનું નામ છે ચિનુ મોદી.”

એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે.

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

પોતાની ગઝલો વિશે ચિનુ મોદી પોતે કહે છે, ‘શ્રી ચિનુ મોદીની ગઝલો બે ભાગમાં વહેંચાય છે : ‘ઈર્શાદ’ થયા પહેલાં અને પછી.’ જાણીતા કવિ-વિવેચક હેમંત ધોરડા એમના બહુચર્ચિત પુસ્તક ‘તાણાવાણા’માં ઈર્શાદ થયા પહેલાંના અને પછીના કવિને તાણા અને વાણા અલગ કરીને રસસ્પદરીતે રજૂ કરે છે.

આટલી પૂર્વભૂમિકા પછી ચિનુ મોદીના ઇનામી ગઝલસંગ્રહ “ખારાં ઝરણ’ તરફ વળીએ. સંગ્રહ વિશે વાત કરતાં પહેલાં આટલી પ્રસ્તાવના એ માટે જરૂરી લાગી કે આ સંગ્રહ ચિનુ મોદીની ખરી ઓળખ નથી. ઈર્શાદ થયા પહેલાંની અને પછીની ગઝલોના બે તબક્કા પૂરા થાય છે એ પછીનો આ ત્રીજો નવતર તબક્કો છે. આ ગઝલો નથી ચિનુ મોદીની, નથી ઈર્શાદની, આ ગઝલો છે ચિનુ મોદી ઈર્શાદની. એકંદરે ડાબા હાથે લખવામાં આવી હોવાનો ભાસ કરાવતી આ રચનાઓની મજબૂતી બહુધા કવિના બહોળા અનુભવ અને કસબને આધારિત છે.

“ખારાં ઝરણ” ગઝલસંગ્રહમાં સિત્તેર ગઝલો સામેલ છે. ગાલગાગાના વત્તા ઓછા આવર્તનોને રમલ છંદ તરીકે ગણીએ તો સિત્તેરમાંથી 52 ગઝલો માત્ર રમલ છંદમાં છે. રમલ સિવાયના છંદો પર નજર કરીએ તો બાકીની રચનાઓમાં કવિએ લગભગ આઠ જેટલા જ છંદોમાં નહિવત્ ખેડાણ કર્યું છે. કવિના અગાઉના સંગ્રહોનું પણ પૃથક્કરણ કરીએ તો માલુમ પડે છે કે બે તૃત્યાંશથી પણ વધુ ગઝલોમાં કવિને રમલ જ માફક આવ્યો છે, જે રીતે સંસ્કૃત વૃત્તોમાં શિખરિણી ફાવ્યો ને ફળ્યો હતો એ જ રીતે. કવિની સિદ્ધિ અને શક્તિ જોતાં એ કદાચ ગુજરાતી ગઝલનું કમનસીબ લાગે છે.

છંદબાહુલ્ય કે એક જ છંદ પ્રત્યેની પ્રીતિને બે રીતે જોઈ શકાય. એક, કે કવિને અલગ અલગ છંદોની ચેલેન્જ બહુ માફક આવતી નથી. બીજું, કવિની જે-તે છંદમાં માસ્ટરી છે. ચિનુ મોદીના કેસમાં કદાચ બંને વાત સાચી છે. પણ જો માત્ર ખારાં ઝરણની વાત કરીએ તો કદાચ પહેલી પૂર્વધારણા જ વધુ સાચી જણાય છે. કેમકે આખા સંગ્રહમાં અમર થવા સર્જાયેલા શેર નહિવત જ હાથ ચડે છે. એક જ છંદમાં કવિ પક્ષપાતપૂર્વક ખેડાણ કરતા હોય ત્યારે એ છંદની તમામ શક્યતાઓ એ ચકાસી જુએ, છંદની બંને હાથે પરીક્ષા લે અને અગાઉ જોવા મળ્યાં ન હોય એવા કાફિયા કે એવી અનૂઠી રદીફો સાથે કામ લઈ વાંચતાવેંત કે વિચારતાવેંત આફરીન પોકારી જવાય એવી રચનાઓ કવિ આપે એ સહજે અપેક્ષિત છે પણ ખારાં ઝરણમાં આ અપેક્ષા સાંગોપાંગ પાર પડતી જણાતી નથી.

“ખારાં ઝરણ”માંથી પસાર થતી વખતે મકરન્દ દવેએ ગઝલ માટે જરૂરી જે ચાર પરિબળ – આગવી અભિવ્યક્તિ (અંદાજે-બયાઁ), સૌન્દર્યબોધ (હુસ્ને-ખયાલ), સંગીતમયતા (મૌસિકી) તથા આધ્યાત્મિકતા (મારિફત) – ગણાવ્યા હતા એ ડગલે ને પગલે વેરાયેલાં નજરે ચડે છે.

એકાક્ષરી કે વાતચીતના કાકુ ધરાવતી રદીફો આ સંગ્રહમાં ધ્યાનાર્હ છે. કેટલાક ઉદાહરણ જોઈએ:

યાદ આવે તું જ વારંવાર, હોં,
છે બધું મારી સમજની બ્હાર, હોં.
વય વધે છે એમ વધતી જાય છે,
તન અને મનની જૂની તકરાર, હોં.

આ જ રદીફ પર, આજ મીટરમાં એક બીજી ગઝલના શેર પણ જોઈએ:

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.
કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

બીજી એક એકાક્ષરી રદીફ:

રોજ મારામાં રહીને,
દિનબદિન મોટા થતા ભૈ.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ?
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.

જેમ ટૂંકીટચરક અને બોલકી રદીફ કવિને માફક આવી છે એમ જ ટૂંકી બહેરની સાંકડી ગલીમાં પણ કવિનો વિહાર અદભુત રહ્યો છે:

અંગને સંકોચ, વહાલા,
આ ગલી તો સાંકડી છે.

થોડા બીજા ઉદાહરણ જોઈએ:

આભની અદૃશ્ય સીડી,
પંખીની નજરે ચડી છે.
– બહેર ટૂંકી પણ કવિની દૃષ્ટિ કેવી વિશાળ !

છેદ કરી હોડીમાં આવ્યું,
એ પાણી, પાણીમાં નાખું ?

કોણ હલેસે હોડીને ?
વાયુ કૈં ઓછો દેખાય ?

ઓછા શબ્દોમાં મોટી વાત કરવાના ખરા કિમિયાગર છે કવિ. જુઓ:

શહેરની શેરી હતી,
સ્તબ્ધતા પહેરી હતી.
બંધ ઘરની બારીઓ,
દૃશ્યની વેરી હતી.

અને આ એક કલ્પન તો ખાસ ધ્યાન આપીને જોવા જેવું છે. એકદમ ઝીણું કાશ્મીરી પશ્મીના જેવું પોત – વીંટીમાંથી આખી સાડી પસાર થઈ જાય એવું અદભુત ! સાંભળો :

કેવળ રહી છે યાદો,
તકદીરનો તકાદો.

આંખનાં પાણી તું પા,
આ ધરા પડતર નથી.
બે ઘડી તો રાજી થા,
છો કશો અવસર નથી.

જોઈ તપાસી શ્વાસો લો,
એ ખોટા સિક્કા પધરાવે.

ચિનુ મોદીની કલમની વાત કરતાં હોઈએ અને મૃત્યુ નજર સામે ન આવે એ બને ? એમના અન્ય તમામ સંગ્રહની જેમ પ્રસ્તુત સંગ્રહમાં પણ મૃત્યુ પાને-પાને જીવતું નજરે ચડે છે. પત્ની હંસાબેનની મૃત્યુતિથિ પર લખાયેલી ગઝલ પરથી જ “ખારાં ઝરણ” નામકરણ કરવામાં આવ્યું છે.

રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?
આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?

તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell.” પણ મૃત્યુનો સાક્ષાત્કાર થયા બાદ કોઈ પરત ફરતું નથી એ કહેવા માટે કે એ પોએટિક છે કે હેલ. એટલે જીવતેજીવ અફર અટળ અને અકળ મૃત્યુને શા માટે રળિયામણું ન કરી રાખીએ? આપણે ત્યાં બરકત વિરાણી ‘બેફામ’ મક્તાના ઉત્તમોત્તમ શેરોમાં મૃત્યુને સતત જીવતાં જોવા મળે છે. મૃત્યુ ચિનુ મોદીનો પણ સર્જન વિશેષ રહ્યું છે. સંગ્રહની પ્રસ્તાવનામાં કવિ કહે છે, “મારી ગઝલોમાં વિચ્છેદની વ્યથા છે, તો, આવનાર નિર્ણિત મૃત્યુ સાથેની બાથ ભીડવાની અનેકવિધ સંવેદનકથા છે.” સંગ્રહમાંની આવી કેટલીક મૃત્યુ વિષયક સંવેદનકથાઓનું આચમન કરીએ:

જાય છે, એ જાય છે, ક્યાં જાય છે ?
આ બધું જાણ્યા વગર મરવું નથી.

કવિ કહે છે કે મને મૃત્યુએ જીવતેજીવત ઓછું દુઃખ નથી દીધું.

શ્વાસને ‘ઇર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે ?

માંગ તે બધું જ છે, પણ, વ્યર્થ છે,
દેહ શણગારું શું ધબકારા વગર ?

અને આ એક કમાલનું કલ્પન તો માણો, સાહેબ:

રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે ?
અટકાવી દે શ્વાસનો સંચો.

મૃત્યુને છેટું રાખે, ‘ઇર્શાદ’ છે ને દાદો ?!

વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,
તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.

અને આ એક શેર પર તો કુરબાન કુરબાન પોકારી ઊઠાય એમ છે :
જીવ માટે દેહ એ,
પારકી પંચાત છે.

એમને છટકી જવું છે,
શ્વાસ શોધે લાગ, બાળક.
– મૃત્યુની કેવી સરળ પરિભાષા ! બાળકને સંબોધન કરીને કેવી બાળસાહજિકતાથી કવિ જીવનની સૌથી મોટી ફિલસૂફી સાત જ શબ્દોમાં આપી દે છે. આ છે ખરા ચિનુ મોદી ઈર્શાદ…

બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ,
મરણના દેવ ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે ? – નિકટવર્તી સગો જેવો શબ્દપ્રયોગ આટલી સ્વાભાવિક્તાથી ફક્ત ઈર્શાદ જ પ્રયોજી શકે.

ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને,
ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.

અને છેલ્લે આ શ્વાસના પૂરમાં તણાઈ જતા શરીરની દાસ્તાન તો સાંભળો :
પછી શ્વાસનું પૂર એવું ચઢ્યું,
અમે સાચવેલી મઢૂલી ગઈ.

સિદ્ધહસ્ત કવિ ક્યારેક પોતાને મનગમતા પોતાના જ શેરનું પણ અનુકરણ કરી બેસતા હોય છે. ચિનુ મોદી પણ આમાં અપવાદ નથી. એક શેર જોઈએ:

કોઈ પણ ઇચ્છા હજી બાકી ખરી ?
હોય તો પહેલાં પ્રથમ બાકાત કર.

– કહો તો, કયો શેર યાદ આવ્યો ?
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ ય ઇચ્છા છે, હવે એ પણ ન હો.

ઇચ્છા વિશેનો જ એક બીજો લાક્ષણિક શેર માણીએ:

અંગ આખું ઝેરથી ‘ઇર્શાદ’ લીલું થાય છે,
સર્વ ઇચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી.

ચિનુ મોદી મિજાજના કવિ છે. ખુમારી એમની બિમારી નથી, સ્વભાવ છે, સહજ ભાવ છે. જો કે એમની દાદાગીરી વહાલી લાગે એવી છે. કડક નારિયેળની અંદર રહેલી મલાઈ જેવી એ નરમ, ભીની અને મીઠી છે. એની એક મજા છે ને એટલે જ આટઆટલા દાયકાઓથી લખતા હોવા છતાં અને આટઆટલી પેઢીઓ સાથે કાર્યરત રહ્યા હોવા છતાં ચિનુ મોદી દરેક દાયકાના લોકપ્રિય અને નોંધનીય કવિ રહ્યા છે. કોઈ પણ પૂર્વભૂમિકા વિના કેટલાક શેરોનું આચમન કરીએ:

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ,
જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.

સાવ ખાલીખમ થયો ‘ઇર્શાદ’ તું,
ખાલીને એકાંતથી ભરવું નથી.

તું યાદ આવે એ ક્ષણો,
નમણી છે, ભીનેવાન છે.

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત ! હું ભૂસાઉં છું.
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

મેં લુછેલાં આંસુ સાચકલાં હશે, હાથ જો ને ગંગા ગંગા થૈ ગયાં.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે ?
સ્વર્ગ ના જડશે તો ક્યાં ફરશો પરત ?

રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલી, પાંદડાં,
કૈંક ખૂટે છે કે બુલબુલ તે છતાં ગાતું નથી.
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી,
મન છતાં ચાલાક કે ‘ઇર્શાદ’ પકડાતું નથી.

એક તરફ કવિ મનની ચાલાકી અને હાથચાલાકીથી અવગત કરે છે તો બીજી તરફ પવનના સંદર્ભમાં પોતાનું પારાપણું પણ અભિવ્યક્ત કરે છે:

તું પવનની જાત છે ‘ઇર્શાદ’ કે,
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો ?

ચિનુ મોદી સંભાવનાઓ અને શક્યતાના કવિ છે. ગમે એવી વિપરિત પરિસ્થિતિમાં પણ એ હામ નથી હારતા, નથી હારવા દેતા. જુઓ, થીજીને બરફ થઈ ગયેલી નદીને એ કેવી ઉશ્કેરે-પ્રેરે છે ? –

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

અને નદીના જ રૂપકથી સંભાવનાઓની પોઝિટિવિટિને એ આ રીતે હાકલ કરે છે:

પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે ?
તું નથી પથ્થર, નદીનો નાદ છે.

આદિલની નદીની રેતમાં રમતું નગર યાદ આવી જાય એવો અને એવો જ ઉત્તમ શેર ચિનુ મોદી પણ આપણને આપે છે:

માત્ર સરનામું નથી ‘ઇર્શાદ’નું, ‘ શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે.

આ એક શેર જુઓ. વક્રોક્તિ અને કટાક્ષ અહીં ચરમસીમા પર છે. શેર પર ધ્યાન આપજો. પહેલી નજરે ખુલે છે એના કરતાં એ અનેકગણો વધુ ગહનગંભીર છે:

કૈંક વરસોથી ચલણમાં ના રહ્યું,
સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે ?

સમસામયિકતા પણ કવિને હાથવગી છે. સમયની સાથે એ તાલમાં તાલ મિલાવી જાણે છે. અંગ્રેજી ભાષા આજે આપણા રોજિંદા વ્યવહારમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે. ભાષાની આ વેલકમ પ્રવાહિતાને ચિનુ મોદી પણ ખુલ્લા હાથે અને મોકળા મને આવકારે છે. બે’ક ઉદાહરણ જોઈએ:

હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.

લાખ સ્ક્રિનિંગ બાદ પત્તો ક્યાં મળે ?
ભલભલાને છેતરે છે, જીવ છે.

અંતે થોડા બીજા ચોટદાર શેરોનો આસ્વાદ લઈએ:

સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે. સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી,
છો થવાનું થાય, પણ અશ્રુ વધારો જોઈશે.

– આ અશ્રુવધારો પ્રયોગ જે રીતે કવિએ કોઇન કર્યો છે એ આફરીન પોકારાવી દે છે. પગારવધારો એ સાંપ્રત સમયની સાર્વત્રિક માંગ રહી છે. એને બદલે અશ્રુવધારો સંયોજીને કવિએ જે સંવેદનાની કમાલ કરી છે એ તો બસ, વાહ વાહ ને વાહને જ કાબિલ છે.

થોડા બીજા શેર જોઈએ:

શહેર, શેરી, ઘર તો ઓળંગી ગયા,
પણ, મને આ એક પડછાયો નડ્યો.
સ્વસ્થ મનથી તું વિચારી જો ફરી,
છેક છેલ્લીવાર તું કયારે રડ્યો ?

એમ તો જીવાય છે તારા વગર,
તું હશે ને ક્યાંક તો મારા વગર ?
શ્વાસ ચાલે છે અને છોલાય છે,
પોઠ ચાલી જાય વણઝારા વગર.

અને છેલ્લે બે મક્તા માણીએ:

ઝીણી ઝીણી છાંટ છે વરસાદની,
વહાલની આ રીત છે ‘ઇર્શાદ’ની.

મ્યાન કર ‘ઇર્શાદ’ તું તલવારને,
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.

કવિના ભાથામાંનુ ભલે આ બાણ સર્વશ્રેષ્ઠ નથી, પણ નિઃશંક ઉત્તમ તો છે જ. કવિનો કસબ કળા સાથે હાથમાં હાથ મેળવીને નિશાન તો ઊંચુ જ તાકે છે અને આ સંગ્રહ એ વાતની પ્રતીતિ છે કે જીવનની આથમતી સંધ્યાએ પણ કવિ નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપે છે. ભલે ક્યારના શિર વાઢીને બેઠા હોવાની વાત કેમ ન કરતા હોય, કવિએ કલમ હજી મ્યાન કરી નથી. સંગ્રહમાં કવિ કહે છે કે, “મને જાણ છે, મારો હાથ સમય ઓગાળી નાંખશે અને એટલે નાસ્તિ મૂલો, કૃત શાખા? પણ, એથી હું હાથ નહીં ઓગળે ત્યાં સુધી તલવાર મ્યાન કરવાનો નથી.” કવિની અનવરત અનવરુદ્ધ કલમને ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’ કહેવાની સાથે આપણે એ જ પ્રાર્થના કરી શકીએ: अल्लाह करे जोरे कलम और ज्यादा|

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૧૬)

7 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    March 27, 2017 @ 2:37 AM

    વિશદ અને સુંદર આલેખન.
    આભાર વિવેકભાઇ!
    સાવ ખાલીખમ થયો ‘ઇર્શાદ’ તું,
    ખાલીને એકાંતથી ભરવું નથી.

  2. Bharat A Trivedi said,

    March 27, 2017 @ 8:45 AM

    વાહ ! વિવેક્ભાઈ, જલસા થઈ ગયા.

  3. Girish Parikh said,

    March 27, 2017 @ 3:13 PM

    શ્રી ચિનુ મોદીના અવસાનના સમાચારે મને બેચેન બનાવી દીધો! પણ વધુ બેચેન હું થઈ ગયો નોબેલ પ્રાઈઝ જીતી શકે એવા આ આપણા પોતાના જ આ મહાન સર્જક વિશેના આ પોસ્ટને હજુ સુધી માત્ર બે જ પ્રતિભાવ મળ્યા છે! વિશ્વભરમાં કેટલા ગુજરાતીઓ વસે છે?
    http://www.GirishParikh.com બ્લોગ પર વધુ લખવા પ્રયત્ન કરીશ.
    –ગિરીશ પરીખ

  4. Girish Parikh said,

    March 27, 2017 @ 3:30 PM

    બ્લોગ http://lwww.girishparikh.wordpress.com/ છે.

  5. ddhruva1948@yahoo.com said,

    March 27, 2017 @ 4:35 PM

    વિવેકભાઈ, ખૂબ ખૂબ સુંદર અને સાહિત્યિક
    મૂલ્યાંકન.
    Very thoroughly. Enjoyed.

  6. Shivani Shah said,

    March 30, 2017 @ 1:38 AM

    Appreciation અને આભારની અભિવ્યક્તિ માટે યોગ્ય શબ્દો નહોતા મળતા આથી response આપવામાં વાર લાગી..’મુઠ્ઠીભર’ ,
    ‘ખોબો ભરીને’, ‘ખોળો ભરીને’ વિ. શબ્દો અહીં ફીક્કા લાગે છે…

  7. TARUN SHAH said,

    March 30, 2017 @ 8:02 AM

    આ ખરેખર કોઈ ટિપ્પણી નથી. પરંતુ તમ સરિખા સાહિત્યકારો અને ભાવકો સુધી પહોંચવાનો બીજો કોઈ મારગડો ના મળતા કોચવતા મને પણ હિમ્મત કરીને સમાચાર પારેવડાને આંયા ઉડાડયા છે, બાપલા…ખમ્મા કરજો ને કાંય ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખજો મારા વાલા…….!
    ઠીક ત્યારે….. લ્યો રામ રામ…….. !
    પણ આ મારા હેત નોતરાને જાળવી લેજો હોં ને….. !

    આનંદ સાથે આપને જણાવવાનું કે “સાહિત્યસેતુ ડોટ કોમ” વેબસાઇટ કાર્યરત થઈ ગઈ છે.
    http://sahityasetu.com/ સાહિત્યકારો માટેની એક વિશેષ વેબસાઈટને નિહાળવા આપને મારું અંતરનું આમંત્રણ છે.
    જે જે સાહિત્યકાર મિત્રોએ વિગતો મોકલી છે તે મૂકી છે, બીજા જે મિત્રોની વિગતો મળતી જાય છે તે તૈયાર થઈ રહી છે. તમે પણ તમારી તમામ વિગતો તાત્કાલિક મોકલી આપશો જેથી અમો તેને પણ આ વેબસાઇટમાં સમાવી શકીએ.
    અપ્રકાશિત રચનાઓને રજૂ કરી લોકો સુધી પહોંચાડવાનું તથા પ્રકાશિત પુસ્તકોને વધુ લોકો સુધી પ્રસારિત કરવાનું એક સરળ માધ્યમ છે “સાહિત્યસેતુ ડોટ કોમ”. સાહિત્ય સાથે સાહિત્યકારોને દીર્ઘ-સ્મરણીય બનાવતો આ એક પરિવારિક પ્રયત્ન જ નહીં પણ એક યજ્ઞ છે; જેમાં તમારાં સહકારની ખૂબ જ અપેક્ષા છે.
    http://sahityasetu.com/
    અહીં રજીસ્ટ્રેશન કરાવનાર સાહિત્યકારોને જાતે પોતાનું પેઇઝ અપડેટ કરવાની વ્યવસ્થા આપવામાં આવશે; જેમાં તેઓ પોતાની રચનાઓને વિવિધ કેટેગરીમાં મૂકી શકશે, પોતાના પ્રકાશીત પુસ્તકોની વિગતો મૂકી શકશે.
    http://sahityasetu.com/ દ્વારા પુસ્તકોને વિશેષ વાચકવર્ગ અને તે થકી વિશાળ બઝાર મળે તે માટેનાં પ્રયત્નો થશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment