ચાલ્યા છો તમે હાથમાં છત્રી લઈ આદમ,
વર્ષામાં કર્યો છે તમે વર્ષાનો અનાદર.
શેખાદમ આબુવાલા

નથી – લક્ષ્મી ડોબરિયા

સરવાળા, બાદબાકી ની જ્યાં શક્યતા નથી.
એ વાતને વધારવામાં પણ મજા નથી.

ડૂમાને જ્યારથી અહીં વાંચી ગયું છે કોઈ,
આંસુના ત્યારથી મેં ખુલાસા કર્યા નથી.

હું આંખ આડા કાન ભલે ને કરી લઉં,
કેવી રીતે કહું કે ગમા-અણગમા નથી.

જાહોજલાલી ખુદને મળો એવી ના રહી,
વૈભવની વચ્ચે ખાલી ખૂણાની મતા નથી.

કોઈના થઈ ગયા પછી આ વાત માની કે,
દાવા, દલીલ માટે હૃદયમાં જગા નથી.

હું તો ગઝલ છું, કોઈ ઝીણી ક્ષણમાં અવતરું,
વાંચી, લખી શકો તમે એ વારતા નથી.

આવે ને જાય એમાં ઘડે ઘાટ અવનવા,
સપના હો કે વિચાર હો એળે જતા નથી.

– લક્ષ્મી ડોબરિયા

આગળ ન વધી શકાય કે પાછળ ખસી ને શકાય, જ્યાં કોઈપણ પ્રકારની શક્યતાનો શૂન્યાવકાશ જ હોય એ વાતને વધારીને શો ફાયદો? આપણા સમગ્ર અસ્તિત્વને એવી રીતે ભરી દે કે આપણી પોતાની જાતને મળવા માટે એક ખૂણો પણ ન બચે એ જાહોજલાલી, એ વૈભવનો અર્થ શો? દાવા-દલીલ વિના કહી શકાય કે સરવાળે ઝીણી ક્ષણે અવતરેલી આ ગઝલમાં એકય શેર એળે જાય એવો નથી.

9 Comments »

 1. નિનાદ અધ્યારુ said,

  March 4, 2017 @ 1:48 am

  ડૂમાને જ્યારથી અહીં વાંચી ગયું છે કોઈ,
  આંસુના ત્યારથી મેં ખુલાસા કર્યા નથી.

  અદભૂત શેર ..

 2. લક્ષ્મી ડોબરિયા said,

  March 4, 2017 @ 3:25 am

  ખૂબ ખૂબ આનંદ સાથે આભાર
  વિવેકભાઈ.. લયસ્તરોના માધ્યમે મારી ગઝલને સુજ્ઞ ભાવકો સુધી પહોંચાડવા બદલ હ્રદયપૂર્વક આભાર .

 3. Jigna shah said,

  March 4, 2017 @ 10:28 am

  Khub j sundar
  Arthsabhar gazal…
  Matla jordaar

 4. Maheshchandra Naik said,

  March 4, 2017 @ 7:00 pm

  સરવાળા,બાદબાકી ની જ્યાં શક્યતા નથી
  એ વાતને વધારવામાં પણ મજા નથી
  બધા જ શેર મનભાવન અદ્ભુત્……..સરસ,સરસ……

 5. Rakesh Thakkar, Vapi said,

  March 5, 2017 @ 9:43 pm

  અદભૂત ગઝલ!
  જાહોજલાલી ખુદને મળો એવી ના રહી,
  વૈભવની વચ્ચે ખાલી ખૂણાની મતા નથી.

 6. Harshad Dave said,

  March 6, 2017 @ 1:35 am

  સરસ રચના

 7. poonam said,

  March 6, 2017 @ 5:04 am

  આવે ને જાય એમાં ઘડે ઘાટ અવનવા,
  સપના હો કે વિચાર હો એળે જતા નથી.
  – લક્ષ્મી ડોબરિયા – Tru

 8. Ketan Yajnik said,

  March 6, 2017 @ 6:10 am

  ભુલય એવિ નથેી

 9. લક્ષ્મી ડોબરિયા said,

  March 9, 2017 @ 12:53 pm

  પ્રતિભાવ આપીને પ્રોત્સાહિત કરવા બદલ સૌ નો આનંદ સાથે આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment