પાંખડીઓ ઉપર તુષાર નથી,
રોજના જેવી આ સવાર નથી.
વિવેક મનહર ટેલર

એક કાવ્ય – બાબુ સુથાર

હું કવિતા નથી લખતો.
હું તો મારી ઇન્દ્રિયો પર લાગેલા લૂણને માત્ર સાફ કરતો હોઉં છું.
હું મારી ભાષાના કેટલાક શબ્દોનું
આયુષ્ય વધારવાનું કામ કરતો હોઉં છું.
મને સામાજીક વાસ્તવિક્તા શું છે
એની ખબર નથી.
મને રૂપાન્તર નામની બલાની પણ ખબર નથી.
મને ‘પદાવલી’, ‘કલ્પન’ જેવા શબ્દો
‘ખમીસ’ અને ‘ચડ્ડી’ કરતાં ઉપયોગી નથી લાગતા.
હું છંદમાં કવિતા નથી કરતો.
પણ હું છંદશાસ્ત્ર જાણું છું.
એ શાસ્ત્રના જ્ઞાનના આધારે
હું એટલું કહી શકું કે
છંદને ધૂપેલની જેમ માથામાં નાખી શકાય નહીં.
એનો કાંસકાની જેમ માથું ઓળવા માટે પણ ઉપયોગ કરી શકાય નહીં.
સાચું પૂછો તો મને છંદ કરતાં ઊલિયું વધારે મહત્વનું લાગે છે.
કેમ કે એનાથી હું આખી રાત દરમિયાન
મારી જીભ પર ભેગો થયેલો કચરો
દૂર કરી શકતો હોઉં છું.

– બાબુ સુથાર

પાંડિત્યપૂર્ણ અલંકૃત ભાષાના બદલે ઘણીવાર કવિતા “મૈં જિસે ઓઢતા બિછાતા હૂં”ના ન્યાયે ઘરેલુ બોલચાલની ભાષામાં વધુ અસરદાર અનુભવાય છે. કવિતામાં નકાર પણ ઘણીવાર બળવત્તર હકારની ભાષા બની રહે છે. અહીં કવિ ઘરેલુ ભાષા અને નકાર -બંને હાથમાં લઈને ચાલે છે. રચનાનું શીર્ષક ‘એક કાવ્ય’ છે પણ રચના શરૂ થાય છે, ‘હું કવિતા નથી લખતો’ના નકારથી. કવિતાના કર્તવ્યથી કવિ પરિચિત છે. કવિતા ઇન્દ્રિયોની સફાઈ કરે છે. એરિસ્ટોટલની પરિભાષામાં કવિતા catharsisનું- અર્થાત્ લાગણીઓના વિરેચન અને શુદ્ધિકરણનું કામ કરે છે, ભાષાને જીવાડવાનું કામ કરે છે અને સામાજીક નિસ્બત પણ રાખે છે. કવિ શરૂમાં કહે છે કે હું કવિતા નથી લખતો પણ પછી કહે છે કે હું છંદમાં કવિતા નથી કરતો. ના ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે! કવિતાના અગત્યના અંગો જેવા કે રૂપાન્તર, પદાવલી, કલ્પન વગેરેનો માત્ર નામોલ્લેખ કરીને છોડી દીધા પછીની અડધોઅડધ કવિતા છંદશાસ્ત્ર વિશે છે. કવિ ભલે છંદમાં કવિતા નથી કરતા પણ ‘એક કાવ્ય’માં અડધાથી વધુ ભાગ છંદને ચરણે સોંપીને હકીકતમાં છંદનો જ મહિમા કરાયો છે. છંદશાસ્ત્રના અભ્યાસુ હોવા છતાં કવિ છંદમાં કવિતા નથી કરતા એ બાબત છંદ શીખ્યા વિના જ અછાંદસનો મહિમા કરનારાઓ માટે સ્પૉટલાઇટ જેવી છે. કવિતાની સાથોસાથ રોજિંદી જિંદગીને સતત જક્સ્ટાપૉઝ કરીને, કવિતાને સતત ઉતારી પાડવાનો કીમિયો કરીને પણ સરવાળે તો કવિને ‘એક કાવ્ય’ જ સિદ્ધ કરવું છે…

8 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    March 3, 2017 @ 4:10 AM

    સુંદર અછાંદસ સુંદર સમજૂતી.
    આભાર વિવેકભાઇ !

  2. Naresh solanki said,

    March 3, 2017 @ 7:38 AM

    વાહ

  3. mahesh dalal said,

    March 3, 2017 @ 10:11 AM

    સરસ સમ્જુતિ .. આભાર્.

  4. Bharat Trivedi said,

    March 3, 2017 @ 11:05 PM

    He writes best acchandas gujarati poetry. It ironical and sad that very few people know about his work. He has been my fav a long long time.

  5. Bharat S. Thakkar said,

    March 4, 2017 @ 1:24 AM

    આ કવિતા છે કે લવરી?

  6. vajesinh pargi said,

    March 4, 2017 @ 2:04 AM

    સરસ કવિતા. કવિએ છંદને નકાર્યા નથી પણ એના ઔચિત્ય અંગે માર્મિક ટકોર કરી છે. ભાવ સાચો હોય, કોઈ સંવેદન બળકટ હોય તો પછી કાવ્યનાં ઉપાદાનો ગૌણ બની જાય છે. મને તો આટલી વાત સમજાય છે. પાણી હોય તો જ ઝરણ, નદી, કૂવાવાવનો મતલબ છે.

  7. બાબુ સુથાર said,

    March 4, 2017 @ 6:55 AM

    આભાર વિવેક. જે લોકો કવિતામાં આ જોઈએ, તે જોઈએ એવી વાતો કરતા હોય છે એમને માટે, ખાસ કરીને નવ્ય વિવેચનને વરેલા વિવેચકો માટે, આ કવિતા. ટોપીવાળાએ એમ કહેલું કે જે છંદમાં ન લખે એને અછાંદસ લખવાનો કોઈ અધિકાર નથી. એ વાંચ્યા પછી, એની સામેની પ્રતિક્રિયાના એક ભાગ રૂપે લખાયેલી આ કવિતા બીજું ઘણું બધું કહી જાય છે. તમે એના કેટલાક મર્મ પકડ્યા એ ગમ્યું. બાકી આપણો વિવેચક તો કૃતિ પાસે જાય ત્યારે પોલીસ બનીને જાય. પહેલાં કૃતિની અટકાયત કરે. પછી એના પર સરકારી કામમાં દખલગીરી કે એવી કોઈક કલમ લગાડી દે. પછી, એની પૂછપરછ કરે. અને છેલ્લે જાહેર કરે: આ કૃતિ કૃતિ બનતી નથી. પરિણામે કવિતા કરે, વિવેચક હરે, ફરે ને બાકીનું કશું ન કરે (સંદર્ભ: સિતાંશુ: હરે, ફરે, રતિક્રિડા કરે…)

  8. Maheshchandra Naik said,

    March 4, 2017 @ 6:54 PM

    સરસ્,સરસ,સરસ………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment