સ્થળની ચોરી થઈ છે રાતોરાત
ક્યાં ગયાં ખેતરો ને પાક બધું ?
-હર્ષ બ્રહ્મભટ્ટ

ખુમારી‌ છે – આસિફખાન આસિર

શબ્દ કેવળ નથી,ખુમારી‌ છે
જાત કાગળ ઉપર ઉતારી છે

વેદનાને મે માત્ર ધારી છે
રાત તારા વગર વિચારી છે

જે હતી શંકા એ નિવારી છે
આંખ પહેલાં નજર સુધારી છે

તૃપ્તિ મનમાં કદી કદી ઝબકી,
ઝંખના દિલમાં એકધારી છે

પોતપોતાની રીતે સૌ માંગે
જાત માણસની તો ભિખારી છે

હોય હિમ્મત તો બળવો કર ‘આસિર’
બાકી સંજોગે સૌ પૂજારી છે

– આસિફખાન આસિર

જીવનમાં એક શેર એવો લખાય જે તમારો સિગ્નેચર શેર બની રહે, એવી ઇચ્છા કોની ન હોય? આ ગઝલનો મત્લા એવો જ સિગ્નેચર શેર બનીને આવ્યો છે. પોતાની જાત અને ખુમારી કાગળ પર ઢાળવાની વાત કવિ જે અંદાજે-બયાઁ સાથે લઈ આવ્યા છે એ અદભુત છે. અને મજબૂત શેરનો આ સિલસિલો આખી ગઝલમાં પછી તો બરકરાર રહ્યો છે. પ્રિયતમા વગર રાત પસાર કરવાનું વિચારતી વખતે શી વેદના થશે એ માત્ર ધારણાની જ વાત હોઈ શકે કેમકે ખરેખર રાત એના વિના પસાર કરવાની થશે તો જે વેદના થશે એ ધારણાની તમામ સરહદોનીય પેલે પારની હશે. રામબાણ તો વાગ્યા હોય એ જ જાણે. આંખ પહેલાં નજર સુધારવાની વાત, કદી ન ખૂટતી ઇચ્છાઓ અને ભાગ્યે જ થતા સંતોષની વાત, માણસજાતનું ભિખારીપણું અને પૂજારીપણું – આ બધું જ ટૂંકી બહેરમાં લાંબી વાત કરી જાય છે.

4 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    February 19, 2017 @ 7:02 AM

    ટૂંકી બહેરમાં ધારદાર ગઝલ!
    વેદનાને મે માત્ર ધારી છે
    રાત તારા વગર વિચારી છે

  2. Girish Parikh said,

    February 19, 2017 @ 5:26 PM

    શબ્દ કેવળ નથી,ખુમારી‌ છે
    જાત કાગળ ઉપર ઉતારી છે

    Word is not merely word!
    Spirit of the Self on paper it is.

    (Above is a draft. Please suggest improvements.)

    NOTE:The word “screen” can be used In place of the word “paper”.

    પછીના શેરોને અંગ્રેજીમાં અવતાર આપું?

    –ગિરીશ પરીખ

  3. લલિત ત્રિવેદી said,

    February 21, 2017 @ 5:16 AM

    સરસ

  4. yogesh shukla said,

    May 9, 2017 @ 10:10 PM

    વાહ કવિ શ્રી ,

    શબ્દ કેવળ નથી,ખુમારી‌ છે
    જાત કાગળ ઉપર ઉતારી છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment