પક્ષી હો કે માણસ, ‘પાગલ’;
પાંખો આવી? વીંધો વીંધો!
– વિરલ દેસાઈ

અપરંપાર બન – રાજેન્દ્ર શુક્લ

પૂર્ણ રૂપે વ્યક્ત થા, સાકાર બન;
એ રીતે અવ્યક્તનો અણસાર બન.

વૃક્ષ જેમ જ ઊભવાનું છે નિયત,
કોઈ કુમળી વેલનો આધાર બન.

પિંડ પાર્થિવ પણ પછી પુષ્પિત થશે,
તું અલૌકિક સુરભિનું આગાર બન.

ચિત્તને જો ક્યાં ય સંચરવું નથી-
સ્થિર રહીને સર્વનો સંચાર બન.

કૈં ન બનવું એ ય તે બંધન બને,
તો બધું બન, એ ય વારંવાર બન.

આદ્ય જેવું જો નથી તો અંત ક્યાં,
એના જેવું તું ય અપરંપાર બન.

-રાજેન્દ્ર શુક્લ

” કૈં ન બનવું એ ય તે બંધન બને ” – બહુ જ મહત્વની વાત !!!!

5 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    February 8, 2017 @ 2:55 AM

    સરસ રચના !
    વૃક્ષ જેમ જ ઊભવાનું છે નિયત,
    કોઈ કુમળી વેલનો આધાર બન.

  2. Nehal said,

    February 8, 2017 @ 4:44 AM

    વાહ! ધન્ય થઈ જવાય એવી રચના!

    કૈં ન બનવું એ ય તે બંધન બને,
    તો બધું બન, એ ય વારંવાર બન.
    આદ્ય જેવું જો નથી તો અંત ક્યાં,
    એના જેવું તું ય અપરંપાર બન.

  3. KETAN YAJNIK said,

    February 8, 2017 @ 8:18 AM

    ખીલી ઉઠયા

  4. Dhaval Shah said,

    February 8, 2017 @ 7:56 PM

    કૈં ન બનવું એ ય તે બંધન બને,
    તો બધું બન, એ ય વારંવાર બન.
    આદ્ય જેવું જો નથી તો અંત ક્યાં,
    એના જેવું તું ય અપરંપાર બન.

    – વાહ !

  5. La Kant Thakkar said,

    February 11, 2017 @ 10:31 AM

    “પૂર્ણ રૂપે વ્યક્ત થા, સાકાર બન;
    એ રીતે અવ્યક્તનો અણસાર બન.”
    અલપ-ઝલપ…ઝાંખો-પાંખો …. અધ્ધર-પધ્ધર દેખા દે… એ મંજૂર નથી કવિને ,સાકારતાની ચાહ, ચોખ્ખો ચટ્ટ સ્પષ્ટ “દર્શન” દે! એવી ઈચ્છા કવિની ….
    રા.શુ.એજ લખ્યું છે ,“આ આટલે અહીં પહોચ્યા પછી એટલું સમજાય છે-“આ તો બધું થાય છે !“
    અને આપણી ભીતરનો ખરો લાગણી ભાવ જ અનુભવ-અનુભૂતિ કરાવે તે, આપણું જણ-જણ નું અને ક્ષણ-ક્ષણનું સત્ય !
    ***

    “પંખી તો બે ઘડી આવી ચહેકી ગૂંજ્યા કરે
    પંખી તો માત્ર ઊડે છે પાંખોને વશ ,મન
    આકાર- રંગ ગતિ રચે છે માત્ર મન !
    જોનાર માણીને જાણનાર માત્ર મન !
    છે સર્વસ્વ-સર્વત્ર આપણું આ મન !”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment