જિંદગી ! આ કેવી ક્ષણ છે !
સાંજનું વાતાવરણ છે,
તું નથી, તારાં સ્મરણ છે…
વિવેક મનહર ટેલર

વૃદ્ધત્વ – ચિનુ મોદી

(શિખરિણી)

શરીરી સામ્રાજ્યે હલચલ વધી ગુપ્ત; બળવો
થવાની તૈયારી, સમય હમણાં મંથર થયો.
હવે ખોડંગાતો પરિચિત પથે, કારણ વિના
હતું સારું રોજુ ભ્રમણ કરતું એકસરખું
શરીરે જે લોહી, વધઘટ કરે, ચાલ બદલે
હવે એ સ્વેચ્છાયે
મને હંફાવી દે ત્વરિતગતિના શ્વાસ, ગધના.
ધ્રૂજે હાથે પ્યાલો, બધિર બનતો કાન, હમણાં
દીસે ઝાંખું ઝાંખું જગ, પળિયા શ્વેત બનતા.
ત્વચામાંથી પેલું તસતસપણું ગાયબ થયું.
હતોત્સાહી છે બે ચરણ, હરણાં એક સમયે.
સદાયે લાગી જે ચપલ ચપલા જીભ, લથડે.
હવે બોખા મોંએ ક્ષણ કઠણને કેમ ચગળું?
જઉં ફોટાફ્રેમે, વધઘટ નથી ઉમર થતી.

– ચિનુ મોદી

જીવનના આખરી મુકામ પર આવી ઊભેલા વૃદ્ધની સંવેદનાનું આવું સ-રસ સૉનેટ કાવ્ય આપણી ભાષામાં ભાગ્યે જ જોવા મળશે. શરીરના રાજ્યમાં ગુપ્ત હિલચાલ શરૂ થઈ ગઈ છે. અલગ અલગ અંગો બળવો પોકારવાની ફિરાકમાં ટાંપીને બેઠાં છે. પહેલાં જે સડસડાટ વહી જતો હતો ને દિવસ ટૂંકો પડતો હતો એ સમય હવે ધીમી ગતિએ ને વળી ખોડંગાતો ખોડંગાતો પસાર થવા માંડ્યો છે. વૃદ્ધ માણસનો દિવસ કેમે કરીને પૂરો થતો નથી ને વળી નિદ્રાવિહોણી રાત તો એથીય લાંબી અને દુષ્કર. ચડતું લોહી પણ હવે રંગ બદલે છે. વિકારો જન્મવા શરૂ થઈ ગયા છે. બિમારી એની મનમરજીથી આવે છે. છઠ્ઠી પંક્તિ ખંડ શિખરિણીમાં લખી અડધી મૂકી દઈ કવિ વધતી જતી અશક્તિનું તાદૃશ આલેખન કરે છે. વાતે વાતે ને ડગલે પગલે શ્વાસ એવો ચડી આવે છે કે કંઠમાંથી સહજ ગાળ નીકળી આવે છે. હાથ ધ્રુજે છે, કાને ઓછું સંભળાઈ રહ્યું છે, આંખોનું નૂર ઓસરતું જાય છે, વાળ વધુ ને વધુ સફેદ બનતા જાય છે, ચામડી લબડવા માંડી છે, એકસમયના હરણ જેવા ચરણમાંથી ઉત્સાહ ઓસરી ગયો છે અને જેના બોલ પર આખી જિંદગી મુસ્તાક રહ્યા એ જીભ પણ લથડવા માંડી છે. પસાર કરવો અઘરો બની ગયેલા સમયની કપરી કઠણ ક્ષણોને ચાવવા માટેના દાંત હવે બચ્યા નથી. હવે તો મૃત્યુ આવે તો સારું… ફોટો બનીને દીવાલ પર લટકી જવાય તો વધતી જતી ઉંમર અને એની સાથે વણાઈ ચૂકેલી હાડમારીમાંથી કાયમી છૂટકારો થાય… છેલ્લી બે પંક્તિ સાચા અર્થમાં ધારી ચોટ નિપજાવીને સૉનેટને ઉત્તમ કવિતાની કક્ષાએ લઈ જાય છે.. શિખરિણી છંદ ચિનુ મોદીનો પ્રિય છંદ રહ્યો છે અને આ છંદમાં કવિનો સહજ વિહાર ધાર્યું પરિણામ આપે છે.

11 Comments »

  1. Neha said,

    February 11, 2017 @ 2:26 AM

    Uttam kavita

  2. CHENAM SHUKLA said,

    February 11, 2017 @ 3:26 AM

    વાહ્…..વાહ્……કેટલું ઉમદા સંવેદન

  3. Vineshchandra Chhotai said,

    February 11, 2017 @ 4:23 AM

    A great performance by poet , wonderful discription of situation ,nothing more n nothing less ,beyond control 😂😵😵😵😵😵😵😵😵😵😈poor old men ,uncomprareable poem ,my all best wishes ,with prem n om , HARIAUM n NAMASKAR too 😈 vineshchandra Chhotai ,Mumbai , BHARART

  4. KETAN YAJNIK said,

    February 11, 2017 @ 4:58 AM

    વર્ણવતાં પહેલા જ સ્પષ્ટતા કરી દીધી “શરીરી સામ્રાજ્યે” સમયના તકાજાની વાત છે માનસિકતા એક એક ક્રિયા નું હાર્દ ઉઘાડું થાય છે. સૉનેટના ચૌદ ભુવનના બંધારણમાં રહીને ,છઁદમાઁ માણ્યું, માણું છું અને માણીશ ની ક્ષણોને વાગોળવાનીવાત, અનિવાર્ય ની સહજતાથી સાહજિક વાટલાચારીને પણ ગરીમાંથે વ્યક્ત કરી
    અને ફ્રેમમાંથી નિસ્પૃહભાવે ” મુજ વીતી તું વીતશે ” જોયા કરવાનું ,સુંદર આલેખન

  5. Suresh Shah said,

    February 11, 2017 @ 5:05 AM

    ખુબ જ સુંદર. આભાર.
    દિવસ કેમે કરીને પૂરો થતો નથી ને વળી નિદ્રાવિહોણી રાત તો એથીય લાંબી અને દુષ્કર.
    હાથ ધ્રુજે છે, કાને ઓછું સંભળાઈ રહ્યું છે, આંખોનું નૂર ઓસરતું જાય છે, વાળ વધુ ને વધુ સફેદ બનતા જાય છે.
    જઉં ફોટાફ્રેમે, વધઘટ નથી ઉમર થતી.

    વાહ!

    સુરેશ શાહ, સિંગાપોર

  6. LoveGuj said,

    February 11, 2017 @ 6:37 AM

    આવો કાવ્યનો રસાસ્વાદ ગમે. નવા યુવાનો માટે આવેી સમજુતિ જરુરિ…

    અમારા માટે માર્ગ દર્શક્ . મારા નવા બ્લોગનેી મુલાકાત લેવા વિનઁતિ.
    “વાચન, વિચાર અને વિશેષ વાતો”

  7. Bharat Trivedi said,

    February 11, 2017 @ 11:31 AM

    Chinu Modi at his best.

  8. Devika Dhruva said,

    February 11, 2017 @ 3:15 PM

    જીવનના સનાતન સત્યની હ્ર્દયસ્પર્શી કવિતા.જગત સામે ઉઘાડે છોગ અનુભૂતિનો સ્વીકાર છે.હતોત્સાહી ચરણ થયા છે એમ કહે છે.પણ હાથમાંની કલમનો ઉત્સાહ નથી ઓસર્યો એ શુભ અને આશાસ્પદ નિશાનીનો અનાયાસે સાચો બોધ મળી રહે છે.
    શિખરિણી મારો પણ માનીતો છંદ..

  9. Rakesh Thakkar, Vapi said,

    February 12, 2017 @ 12:32 PM

    વૃદ્ધની સંવેદનાનું સ-રસ સૉનેટ કાવ્ય

  10. poonam said,

    February 13, 2017 @ 5:25 AM

    હવે બોખા મોંએ ક્ષણ કઠણને કેમ ચગળું?
    જઉં ફોટાફ્રેમે, વધઘટ નથી ઉમર થતી.

    – ચિનુ મોદી Kyaa Baat.

  11. Vyatheet said,

    February 13, 2017 @ 2:16 PM

    Hello,

    Can I post my poems in this blog.?

    If yes, then how?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment