વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.
હનીફ સાહિલ

જીવન મારું મરણ મારું – ‘શૂન્ય’ પાલનપુરી

જગતનાં અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું
હવે શું જોઈએ મારે ? જીવન મારું મરણ મારું

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા
કવિરૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું

કહી દો સાફ ઈશ્વરને છંછેડે નહીં મુજને
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું

કહો ધર્મીને સંભળાવે નહિ માયાની રામાયણ
નથી એ રામ કોઈમાં કરી જાયે હરણ મારું

રડું છું કેમ ફૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર
ચમન-ઘેલાં નહિ સમજે કદાપિ આચરણ મારું

હું નામે શૂન્ય છું ને શૂન્ય રહેવાનો પરિણામે
ખસેડી તો જુઓ દ્દષ્ટિ ઉપરથી આવરણ મારું

-‘શૂન્ય’ પાલનપુરી

4 Comments »

 1. Girish Parikh said,

  January 24, 2017 @ 12:45 pm

  ‘શૂન્ય’ નથી — અનંત છે!

 2. Rakesh Thakkar, Vapi said,

  January 25, 2017 @ 12:46 am

  nice gazal
  અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા
  કવિરૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું

 3. KETAN YAJNIK said,

  January 25, 2017 @ 6:17 am

  ” શૂન્ય ” ની વાત ન્યારી છે જ્યાથી શરુ થયું ત્યાંજ વિરામયુ।

 4. dinesh k modi said,

  January 29, 2017 @ 5:53 pm

  બે સુન્ય જો સાથે સાથે મુકાય તો અનન્ત થાય. ૦૦

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment