બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,
એની કને ખુદાની કોઈ બાતમી હતી.
સૈફ પાલનપુરી

બોલો, કંઈક તો બોલો… – અનિલ ચાવડા

અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના એ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…

એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠનું ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…

કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…

જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…

– અનિલ ચાવડા

સંબંધોમાં મૌન સૌથી ઘાતક શસ્ત્ર પૂરવાર થાય છે. વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે… મગફળી જેવું મૌન થોડું ફોલીએ તો ભીતરથી સિંગદાણા હાથ આવે, હોઠની છીપ ન ખુલે ત્યાં લગ સમાધાનનું મોતી કંઈ હાથ લાગે? બીજા અંતરામાં કાનના ફળિયું થવાનું અને મૂક પ્રેયસીના શબ્દોનું ચંપો થઈ કોળવાનું કલ્પન સર્વશ્રેષ્ઠ છે. વાંસળી જેવી વાંસલી પણ બે હોઠ ફૂંક ન મારે તો પોલા વાંસથી વિશેષ શું છે? રિસાઈ ગયેલા પ્રિયજનો માટેનું રાષ્ટ્રગીત થઈ શકે એવું ઉત્તમ ગીતકાવ્ય…

16 Comments »

 1. suresh shah said,

  January 13, 2017 @ 12:51 am

  Bahu Saras .
  Go on and on.

 2. મીના છેડા said,

  January 13, 2017 @ 1:24 am

  કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
  નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
  હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
  બોલો, કંઈક તો બોલો…

  વાહ!

 3. Rakesh Thakkar, Vapi said,

  January 13, 2017 @ 2:59 am

  વાહ! વાહ! અને વાહ!
  એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
  છીપ હોઠનું ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?

 4. CHENAM SHUKLA said,

  January 13, 2017 @ 3:51 am

  રિસાઈ ગયેલા પ્રિયજનો માટેનું રાષ્ટ્રગીત થઈ શકે એવું ઉત્તમ ગીતકાવ્ય…

 5. Nehal said,

  January 13, 2017 @ 4:21 am

  વાહ! ખૂબ સરસ!

 6. KETAN YAJNIK said,

  January 13, 2017 @ 11:08 am

  હાર્દ અનુભવ્યું ,હચમચાવી નાખ્યા
  મકરન્દ દવેની ” હૈયાની વાતનું”
  રાજેન્દ્ર શાહની “બોલીએના કઈ”
  સાહીરનું “આપણી તો યે આદત હૈ ”
  ગુલઝાર નું ” બસ એક ચુપસી લાગી હૈ

 7. lata hirani said,

  January 13, 2017 @ 4:29 pm

  વાહ રે વાહ કહેતા માથુ અને હૈયુ ડોલેી જાય એવુ ગેીત…
  રિસાવાનુ મન થૈ જાય….

 8. ઢીંમર દિવેન said,

  January 13, 2017 @ 9:54 pm

  સાચે જ બોલો…🙏🏾

 9. urvashi parekh. said,

  January 14, 2017 @ 6:07 am

  સરસ્.

 10. Sudhir Patel said,

  January 14, 2017 @ 2:19 pm

  વાહ! ખૂબ જ સુંદર તાજગીસભર ગીત!

 11. અનિલ ચાવડા said,

  January 15, 2017 @ 6:29 am

  લયસ્તરોની સમગ્ર ટીમ, વિવેકભાઈ અને પ્રતિભાવ આપનાર તમામ મિત્રોનો દિલથી આભારી છું…

 12. pushpakant Talati said,

  January 15, 2017 @ 10:37 pm

  સરસ રચના, પોસ્ટ કરી વિવેકભાઈએ
  – વાહ્ – અનિલભાઈ – વાહ
  ખુબજ સુન્દર રચના.
  …….. છીપ હોઠનું ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને ? ….
  ….. મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો, ….
  ……… હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો ? …..
  તેમજ
  જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
  નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
  ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો, …. બોલો, કંઈક તો બોલો…

  ખરેખર આવી એક “ચુપકી” નું દિલ પર શું દર્દ થાય છે – તે દરેકે દરેક વ્યક્તિએ એક વખત તો અનુભવ્યું જ હશે જ હશે. – અને તે અનુભએલ ક્ષણની યાદ સાથે આ રચનાને મમળવશો તો મજા આવશે. – એકદમ વખાણવા લાયક રચના માટે અનિલ ચાવડાભાઈ ને અભિનન્દન
  – પુષ્પકાન્ત તલાટી તરફ થી

 13. RAKESH said,

  January 18, 2017 @ 6:18 am

  વાહ!

 14. chandresh said,

  January 19, 2017 @ 5:48 am

  સરસ

 15. Urmi said,

  January 25, 2017 @ 10:15 pm

  વાહ…. ખૂબ સુંદર ગીત.. ઘણા વખતે એકદમ મસ્ત નવલુ ગીત માણવા મળ્યું.

 16. Shivani Shah said,

  January 12, 2018 @ 6:39 am

  ‘ વાણીના ભરપૂર ચોમાસે, વેણના દુકાળ
  વસમા લાગ્યા !
  કોઈએ રોતા ઝરણાં માંગ્યાં, કોઈએ કોરા
  મોરલા માંગ્યા !…..’
  – શ્રી માધવ રામાનુજ, ‘અંતરનું એકાંત’
  માંથી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment