લીમડાની ડાળ પર ઝૂલ્યા પછી,
આગળા ઉંમરના સૌ ખૂલ્યા પછી;
બાષ્પ શબ્દો, શ્વાસ ધુમ્મસ થ્યા પછી,
હું તને પામું મને ભૂલ્યા પછી !
વિવેક મનહર ટેલર

પાછાં પધારો પણ – ‘જટિલ’ વ્યાસ

હવે નૌકા તો શું, આગળ નથી વધતા વિચારો પણ,
હતી મઝધાર તું મારી અને સામો કિનારો પણ.

હતા એવાય દિવસો, ઘા કરી જાતો ઈશારો પણ,
હવે ક્યાં ભાન છે, ભોંકાય છે લાખ્ખો કટારો પણ ?

કરું શું રાતની વાતો હવે તારા વિરહમાં હું ?
કે મારા દિલને અજવાળી નથી શકતી સવારો પણ.

હતાં ત્યારે તો રણની રેત પણ ગુલશન બની જાતી,
નથી ત્યારે આ ગુલશનમાં બળી ગઈ છે બહારો પણ.

હતી ત્યારે જીવનની હર ગલીમાં પણ હતી વસ્તી,
હવે લાગે છે ખાલીખમ જગતભરનાં બજારો પણ.

જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?

મિલન માટે તો મહેરામણ તરી જાતો ઘડીભરમાં,
હવે પામી નથી શકતો આ આંસુઓનો આરો પણ !

તમે જોયું હશે – કળીઓ મને ખેંચી જતી પાસે,
હવે જોતાં હશો – મોં ફેરવી લે છે મજારો પણ.

મને છોડ્યો તમે છો ને, તમારું દિલ તજી જાશે,
ભલેને લાખ પોકારો, નહીં પામો હુંકારો પણ.

મને આપ્યું તમે, એ તમને પણ મળશે તો શું થાશે ?
વિરહની શૂન્યતા – લાંબા જીવન સાથે પનારો પણ.

‘જટિલ’, મુજ ખાખમાં આજેય થોડી હૂંફ બાકી છે,
હજી એને છે આશા કે તમે પાછાં પધારો પણ.

– જટિલરાય કેશવલાલ વ્યાસ

લગભગ સો વર્ષ પહેલાં રાજકોટના કોટડા સાંગાણીમાં 11-5-1917ના રોજ જન્મેલા, બીએ ભણેલા અને પશ્ચિમ રેલવેમાં ઑડિટર તરીકે સેવા આપનાર આ કવિની ગઝલસ્વરૂપ વિશેની નિસ્બત અહીં સાફ નજરે ચડે છે. લગભગ પચાસ વર્ષ પહેલાં 1967ની સાલમાં ‘નવનીત’માં છપાયેલ આ ગઝલ છંદની ચોકસાઈ, કાફિયા-રદીફની ચુસ્તતા, વિચારોની સફાઈ અને વાંચતા જ યાદ રહી જાય એવી સાફબયાનીવાળા શેરોના કારણે ધ્યાનાર્હ બની રહે છે. વિયોગ અને વિષાદનો ગુણાકાર એ આ ગઝલનો સાચો સરવાળો છે.

4 Comments »

 1. Rakesh Thakkar, Vapi said,

  December 30, 2016 @ 1:06 am

  વાહ! સરસ રચના !
  મને છોડ્યો તમે છો ને, તમારું દિલ તજી જાશે,
  ભલેને લાખ પોકારો, નહીં પામો હુંકારો પણ.

 2. Jigar said,

  December 30, 2016 @ 11:38 am

  વાહ વાહ અને વાહ…..બેમિસાલ રચના
  વાહ કવિ…

 3. Nitin Vyas said,

  December 30, 2016 @ 2:00 pm

  એક ખુબ સરસ ગઝલ ગોતી ને આપની વેબસાઈટ પાર પ્રસિધ્ધ કરવા બદલ આભાર અને ધન્યવાદ,
  શ્રી જટિલભાઈ પોતાની ગઝલો માં છંદની ચોકસાઈ, કાફિયા-રદીફની ચુસ્તતા, વિચારોની સફાઈ બાબતમાજ નહિ પણ અંગત જીવન અને વ્યવહાર માં ઘણા જ ચોક્કસ હતા, ખુબજ સરળ અને આનંદી સ્વભાવ જટિલભાઈ ભાવનગર રેલવેઃ માં લાંબા સમય માટે કાર્ય રાત રહયા. આપણા જાણીતા લેખક અને કવિ શ્રી ધ્રુવકુમારઃ ભટ્ટના સસરા થાય.

 4. Girish Parikh said,

  December 30, 2016 @ 8:26 pm

  આપણા (હા આપણા જ!) સાહિત્યની આ બેનમૂન ગઝલ માટે હજુ સુધી માત્ર ત્રણ જ પ્રતિભાવ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment