રોજ મારી બેડીઓને તાકું છું;
રોજ એવું લાગતું કે તૂટશે!
‘અગન’ રાજ્યગુરુ

તો કહેજો… – દલપત પઢિયાર

એક દિવસ
સોસાયટીના સૌએ ભેગા થઈ
વીજળીના તારને નડતો લીમડો
કાપી નાખ્યો.
તે રાતે
વગડાનાં બધાં ઝાડ
મારી પથારીમાં આવ્યાં હતાં!
મારું એકે મૂળ રાતું થયેલું ન જોતાં
એ બિચારાં પાછાં વળી ગયાં…
હું ઘણી વાર
ઊંઘમાંથી ઝબકી જાઉં છું,
બારણામાં ઝાડનાં પગલાં સંભળાય છે.
મારામાં, મૂળ નાખવા માંડ્યું છે આ ઝાડ !
હું ફરી પાછો
ફણગી જઈશ એવી બીક લાગે છે !
આજે
બીજું ઝાડ કપાયું છે આ વાસમાં
રાત્રે
કોઈ બારણું ખખડાવે
તો કહેજો :
એ અહીં સૂતો જ નથી !

-દલપત પઢિયાર

સિમેન્ટના જંગલની વચ્ચે કેદ મનુષ્યની થીજતી જતી સંવેદનશીલતાની લોહીલુહાણ કરી નાંખે એવી ધારદાર કવિતા. આપણી ભૌતિક સુખસગવડની આડે પ્રકૃતિનું કોઈપણ તત્ત્વ આવે, એને રહેંસી નાંખતા આપણે ઘડીભર પણ વિચારતા નથી. મહોલ્લાના લોકો પાસેથી તો અપેક્ષા ન જ રાખી શકાય પણ પ્રકૃતિ કાવ્યનાયક પાસે સમ-વેદનની આશા રાખે છે. કપાઈ ગયેલું ઝાડ રાતે નાયકના સ્વપ્નમાં આવે છે પણ નાયકે કપાયેલા ઝાડને બચાવવા કોઈ યથાર્થ યત્ન-પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કર્યો જ નથી. ભલે ઝાડ છેદાઈ ગયું પણ નાયકના મૂળમાં કશું કપાયું નથી એટલે એના મૂળિયા લાલ થયા નથી. કવિ એ કુદરતની આખરી આશા છે. આખરી આશા પણ ઠગારી નીવડી છે એટલે કુદરત મૂંગા મોઢે પારોઠના પગલાં ભરે છે. ક્યાંક પોતાનામાં સંવેદનશીલતાના ફણગા ફૂતી આવે એની વળી નાયકને બીક પણ છે એટલે બીજું ઝાડ કપાય છે ત્યારે એ સ્વપ્નમાં પણ એનો સામનો કરવા પણ તૈયાર નથી….

6 Comments »

  1. DINESH GOGARI said,

    January 5, 2017 @ 3:48 AM

    Excellent Pain Presentation

  2. Vineshchandra Chhotai said,

    January 5, 2017 @ 5:40 AM

    આજ જીવન ની કરૂણતા ,માનવ છેદન કરી રહે ,કુદરત ને ન અંશશ્ નવજીવન મય ,કેવી રચના ,આયોજન

  3. KETAN YAJNIK said,

    January 5, 2017 @ 8:20 AM

    પગલાં પારોઠના

  4. Harshad said,

    January 5, 2017 @ 8:16 PM

    Heart Touching. Beautiful

  5. pushpakant Talati said,

    January 5, 2017 @ 10:35 PM

    સાચી વાત છે. – પર્યાવરણની રક્ષા કરવી તે આપણા સહુની સહીયારી ફરજ પણ છે અને દાયત્વ પણ.
    આ ધરતી અને પ્રુથ્વી નો ગોળો તે આપણા બાપ ની જાગીર નથી કે તેને મનફાવે તેમ વાપરી લઈએ અને તેનો આપણા નિજી સ્વાર્થ માટે ઉપભોગ કરી લઈએ – પરન્તુ તે આપણા સંતાનો તથા વારસદારો ની ની સન્તાનોની માત્ર અમાનત જ છે. – એટલે તે જેવી છે તેવી અને તેને જરા પણ બગાડ્યા વગર તથા શક્ય હોય તો સુધારી ને, સંવારી ને પરત કરવાની આપણ ફરજ અને જવાબદારી છે. –
    આશા કરીએ કે આપણે તમાં સાંગોપાંગ પાર ઉતરીએ.
    – પુષ્પકાન્ત તલાટી

  6. poonam said,

    January 7, 2017 @ 3:39 AM

    કોઈ બારણું ખખડાવે
    તો કહેજો : (Y)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment