આપણી વાતો,
કેટલી રાતો ?

એક માણસ છે-
કેટલી જાતો ?
વિવેક મનહર ટેલર

દીકરીની વિદાય – અનિલ ચાવડા

anil-chavda

આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

રંગોળીમાં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે
ઘરની આ મિરાત
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

– અનિલ ચાવડા

અનિલ ચાવડાની આ કવિતા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અભ્યાસક્રમમાં ધોરણ ૯માં સમાવિષ્ટ કરવામાં આવી છે. કદાચ પ્રવર્તમાન પેઢીના કવિઓમાં ‘અનિલ ચાવડા’ પાઠ્યપુસ્તકમાં સ્થાન પામનાર પ્રથમ નામ હશે… ચાલો, છોકરાઓનો પણ ઉદ્ધાર થશે… સમજણો થયો ત્યારથી મને એક વસ્તુ કદી સમજાઈ નથી કે શા માટે બાળકોના માથે ચલણમાંથી નીકળી ગયેલ “એક્સપાઇરી ડેટ”વાળી ભાષામાં લખાયેલી કવિતાઓ જ નાખવામાં આવે છે. આપણી ભાષાના સાંસ્કૃતિક વારસા સમી રચનાઓની સાથોસાથ કન્ટેમ્પરરી પોએટ્રી પણ અભ્યાસક્રમમાં હોવી જ ઘટે. અનિલની રચનાને પાઠ્યપુસ્તકમાં મળેલું સ્થાન આ દિશા તરફનું પહેલું પગલું ગણી શકાય. એ ન્યાયે પાઠ્યપુસ્તકમંડળને અભિનંદન.

પણ સાથેસાથે પાઠ્યપુસ્તક મંડળે જે અક્ષમ્ય ક્ષતિઓ આચરી છે એની પણ સખેદ નોંધ લેવી જરૂરી છે કેમકે એક તરફ આપણે ‘ગુજરાતી મરી રહી છે’ના રોદણાં રડી રહ્યાં છીએ અને બીજી તરફ બાળકોને ભાષા શીખવવામાં જ આવી જઘન્ય લાપરવાહી ?

‘લેખનનું કામ કરી રહ્યાં છે’ – પુલ્લિંગ સર્વનામ સાથે અનુસ્વાર?

‘તેમના ચિંતન, નિંબધોનાં પુસ્તકો છે’ – નિંબધો? કે નિબંધો?

મિરાંત‘ – કે મિરાત ? હદ તો ત્યાં થઈ છે કે ખોટો શબ્દ છાપ્યો છે એટલું જ નહીં, એનો શબ્દાર્થ આપીને એને કોઇન પણ કરી દીધો…

 

5 Comments »

 1. CHENAM SHUKLA said,

  November 10, 2016 @ 2:03 am

  કવિ-મિત્ર અનિલને દિલથી શુભેચ્છાઓ ……મ્હેંદી ચૂમી ચાલ્યું આજે ભાષાનું અજવાળું

 2. Chitralekha Majmudar said,

  November 10, 2016 @ 3:10 am

  It is a sentimental touching poem.

 3. Anil Chavda said,

  November 10, 2016 @ 6:29 am

  પ્રિય વિવેકભાઈ
  આપ મને અને મારી કવિતાને હંમેશાં પ્રોત્સાહિત કરતા રહ્યા છો. લયસ્તરો દ્વારા આપે અનેક લોકો સુધી અનેક કવિઓની કવિતાને વિસ્તારી છે. મારી કવિતાના વિસ્તારમાં લયસ્તરો અને આપનો પણ ઘણો ફાળો છે. આ આપનું મારી પરનું મૈત્રીભર્યું ઋણ રહેશે.
  જય કવિતા…

 4. વિવેક said,

  November 10, 2016 @ 6:53 am

  @ અનિલભાઈ:

  મૈત્રીમાં માત્ર સ્નેહ જ સંભવી શકે, ઋણ તો લગરિક પણ નહીં….

 5. Rakesh Thakkar, Vapi said,

  November 10, 2016 @ 11:44 pm

  Nice poem
  દીકરી જાતા એમ લાગતું
  ગયો ગોખથી દીવો
  નૈં સંધાય હવે આ ફળિયું
  ગમે એટલું સીવો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment