ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું – વિવેક કાણે ‘સહજ’

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું

જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું

માનવહ્રદયની આ જ તો ખૂબી છે દોસ્તો
વેરાય પણ ખરું ને સમેટાય પણ ખરું

રાખો શરત તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું

જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી
એ તથ્ય કો’ક દી’ તને સમજાય પણ ખરું

આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું

સાચો પ્રણય ઘણુંખરું અદ્રશ્ય રહે અને
એનું જ બિંબ આંખમાં ઝીલાય પણ ખરું

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

– વિવેક કાણે ‘સહજ’

8 Comments »

  1. CHENAM SHUKLA said,

    October 24, 2016 @ 1:20 AM

    માનવહ્રદયની આ જ તો ખૂબી છે દોસ્તો
    વેરાય પણ ખરું ને (સમેટાય) પણ ખરું…..વાહ

  2. હેમંત પુણેકર said,

    October 24, 2016 @ 2:58 AM

    nakh-shikh sundar gazal!

  3. KETAN YAJNIK said,

    October 24, 2016 @ 6:52 AM

    સહજ લાજવાબ

  4. SARYU PARIKH said,

    October 24, 2016 @ 10:00 AM

    વાહ! નખશીખ સુંદર રચના.
    સરયૂ મહેતા-પરીખ

  5. Narendra Phanse said,

    October 24, 2016 @ 1:45 PM

    વાહ! શીર્ષકનું બાણ હૈયા સુધી પહોંચ્યું અને પૂરી ગઝલ વાંચતા પહેલાં વીંધાઈ ગયું! કમાલ.

  6. વિવેક said,

    October 25, 2016 @ 9:58 AM

    સાદ્યંત સુંદર રચના….

  7. Rakesh Thakkar, Vapi said,

    October 26, 2016 @ 2:41 AM

    nice
    માનવહ્રદયની આ જ તો ખૂબી છે દોસ્તો
    વેરાય પણ ખરું ને સમેટાય પણ ખરું

  8. Dinesh Pandya said,

    October 27, 2016 @ 8:17 PM

    કાબીલ-એ-દાદ ગઝલ,
    દરેક શેર સુંદર!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment