સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
રઈશ મનીઆર

મન – ચિનુ મોદી

માદરબખત મન, જો તારે હોત તન
અંગે અંગે કાપત તને, ઘાએ ઘાએ
મીઠું ભરત; અરે, ઉગાડત ગૂમડાં
અને પાકવા દઈ પરુ કરત, દદડતા
પરુ પર માખીઓનાં કટક ઉતારત
અને…
પણ, તું તો ઈશ્વર જેવું અદેહી છે,
છટકતો પવન છે. ચાલેલા ચરણનું
ચિહ્ન હોત તો શોધી કાઢત પગેરું
ને તોડી નાખત તારા પગ…
માંસમજ્જાની આ થપ્પીઓની ઓથે
તું ભરાઈ તો બેઠું છે, પણ, ક્ષણોનું
જ્યારે પૂરું થશે રણ, ત્યારે પરી જેવી
પાંખ તને ન ફૂટે, એવો આપીશ શાપ…

– ચિનુ મોદી

કવિતાની શરૂઆત જ ચોંકાવી દે એવી છે. મનને કવિ જે રીતે ગાળ આપીને સંબોધે છે એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે આજે મનનું આવી બનવાનું. મન સાથે કવિને શું વાંધો પડ્યો છે, કેમ પડ્યો છે એ તો કવિતામાં અધ્યાહાર જ રહે છે પણ કેટલો વાંધો પડ્યો છે એ તો શબ્દે-શબ્દે ને પંક્તિએ પંક્તિએ ડોકાય છે.

કવિનું ચાલે અને જો મનને શરીર હોત તો કવિ એના પર પોતાની ખીજ શી રીતે કાઢત એનું અદભુત વર્ણન કર્યા પછી અચાનક ‘અને…’ કહીને અટકી જાય છે. ઈશ્વરની સાથે સરખાવીને મનની અદૃશ્યતા અને સર્વોપરિતા – એમ બંનેનો સ્વીકાર કર્યા પછી પણ કવિ હજી મનના ટાંટિયા તોડી નાંખવાની જ ફિરાકમાં છે. અંતે ક્ષણોનું રણ પૂરું થવાની વાત જીવનના અંતને નિર્દિષ્ટ કરે છે. કવિ મનને કદી મનફાવે ત્યાં ને તેમ ઊડી ન શકાય એવો શાપ અંતકાળે આપવાનું નિર્ધારે છે એમાં ગુસ્સો, ખીજ, ચીડ અને અંતે મનનું કંઈ જ બગાડી ન શકવાની નપુંસકતા છતી થાય છે. થાકેલો, હારેલો માણસ શાપ આપવા સિવાય બીજું કરી પણ શું શકે ?

8 Comments »

 1. Rakesh Thakkar, Vapi said,

  October 13, 2016 @ 8:34 am

  NICE KAVITA

 2. Devika Dhruva said,

  October 13, 2016 @ 9:47 am

  કેવો અને કેટલો આક્રોશ? જબરદસ્ત સંવેદના અને અભિવ્યક્તિ…

 3. KETAN YAJNIK said,

  October 13, 2016 @ 10:02 pm

  મન, તારું ગુલામ। નથી પામી શકતો, નથી છોડી શકતો
  કેવો અભિશાપ

 4. Girish Parikh said,

  October 13, 2016 @ 10:52 pm

  કવિ આવું વરવું પણ લખી શકે છે !

 5. Girish Parikh said,

  October 13, 2016 @ 11:30 pm

  કચરાટોપલીમાં પધરાવવા જેવી કવિતા !

 6. Vipul Amarav said,

  October 14, 2016 @ 11:24 am

  Wah… CHINUKAKA ni avi aavi rachnao j Kavitao ma Jussho Lah ave 6e…

 7. Shivani Shah said,

  October 14, 2016 @ 1:02 pm

  એમ લાગે છે કે જાણે કવિતાની પહેલી પાંચ પંક્તિઓ એક વ્યક્તિએ લખી છે અને પછીની આંઠ પંક્તિઓ કોઈ બીજાએ – કવિએ લખી છે અને પછી બેઉ ભાગોનેસાંધી દીધા હોય….છેલ્લી બે પંક્તિઓ માર્મિક છે..

 8. Shivani Shah said,

  October 14, 2016 @ 1:18 pm

  એમ લાગે છે કે જાણે કવિતાની પહેલી પાંચ પંક્તિઓ એક વ્યક્તિએ લખી છે અને પછીની આંઠ પંક્તિઓ કોઈ બીજાએ – કવિએ લખી છે અને પછી બેઉ ભાગોનેસાંધી દીધા હોય….છેલ્લી બે પંક્તિઓ માર્મિક છે..( જાણે કારેલાના ટૂકડા સાથે કેરીનો ટૂકડો જોડીને આપણને કોઈએ ખવડાવ્યો હોય ! )

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment