મોસમ આ માતબર છે,
ખુશ્બૂની બસ ખબર છે,
ફૂલોય ડાક-ઘર છે!
– હેમેન શાહ

સાંજ તો પડવા દો – વેણીભાઈ પુરોહિત

હજી આ કોકરવરણો તડકો છે
સાંજ તો પડવા દો
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે
દિવસને ઢળવા દો…

હજી ક્યાં પંખી આવ્યા તરુવર પર ?
અને કયાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર ?
હજી ના મનડું બેઠું મહુવર પર
દેવ મંદિરે નોબત સંગે
ઝાલર મધુર વગડવા દો…
સાંજ તો પડવા દો
દિવસને ઢળવા દો.

હજી ક્યાં દુનિયાદારી થાકી છે ?
હવાની રૂખ બદલવી બાકી છે
હજી આ કિરણોમાં કરડાકી છે !
ગમતીલી ગોરજને ઊંચે
અંગેઅંગ મરડવા દો !
સાંજ તો પડવા દો :
દિવસને ઢળવા દો :

હજી આ ધરતી લગરીક ઊની છે,
ગગનની મખમલ તારક સૂની છે,
સાંજ તો શોખીન ને સમજુની છે:
કનક કિરણને નભવાદળમાં
અદભૂત રંગ રગડવા દો
સાંજ તો પડવા દો.
દિવસને ઢળવા દો.

– વેણીભાઈ પુરોહિત

બપોર આથમ્યા પછી પણ સાંજ પડતા પેહલાના સમયની વાત… સૂર્યનો તાપ જરા આછો થયો છે પણ સાંજજે હજી રંગોળી પૂરવી શરૂ કરી નથી. પંખીઓ હજી ઘરે પરત નથી ફર્યાં. દીવા સળગવાને વાર છે. હજી દુનિયા એની રોજનીશીથી થાકી નથી. ધરતીનો ગરમાટો ખુલ્લા પગને હજી અડે એવો છે. આકાશમાં તારાઓ ઊગી આવવાને હજી વાર છે. મંદિરમાં ઝાલર-આરતી શરૂ થાય, ઘેર પરત ફરતી ગાયોના ટોળાંની મસ્તીથી આભે ચડેલી ગોરજ આળસ મરડી મસ્તી કરે, સૂર્યકિરણો પશ્ચિમના આકાશને રંગોથી રગડોળી દે એ પછી વાત… જો કે કઈ વાત કરવાની છે એ આખી વાત અધ્યાહાર રાખીને કવિએ એક અદભુત ચિત્ર દોરી આપ્યું છે…

6 Comments »

  1. Chitralekha Majmudar said,

    September 29, 2016 @ 2:27 AM

    One of the best poems from Venibhai. It has wonderful meanings,description,simple language,rhythm and can be softly well sung.It is a treat to the mind.

  2. Neha said,

    September 29, 2016 @ 3:13 AM

    Sanj nu adbhut varNan..

  3. Shivani Shah said,

    September 29, 2016 @ 1:09 PM

    વાહ વેણીભાઇ..પ્રાકૃતિક સંધ્યાનું મનોહર શબ્દચિત્ર દોર્યા પછી કવિ જીવનસંધ્યા તરફ નિર્દેશ કરે છે કે શું?
    ‘હજી દુનિયાદારી ક્યાં થાકી છે,
    હવાની રુખ બદલવી બાકી છે…’

    માણસ વાર્ધક્ય તરફ ક્યારે પ્રયાણ કરતો હોય છે? સાંઠ વર્ષનો થાય ત્યારે કે પછી પોતાનું ધ્યેય પાર પાડીને ( એ ધ્યેય હવાના રુખ બદલવા જેવું અઘરું હોય તો પણ)
    નિરાંતનો શ્વાસ લે ત્યારે ? દુનિયાદારી સમજી, પચાવીને પછી એ મુકામ પાર કરીને
    અંતરગત થવાના માર્ગ તરફ પ્રયાણ કરે ત્યારે?
    Here I could be wrong in my interpretation but this is the way I look at it.

  4. KETAN YAJNIK said,

    September 29, 2016 @ 11:20 PM

    “પછી તો સામી સાંજ નો તડકો માણસ જીરવી લ્યે”
    સામી સાંજે જે છે તેમાંથી છૂટવાનો હાશકારો વેણીભાઈએ અદભુત રીતે ન કહી કહેવાની વાત કરી દીધી

  5. Jayshree said,

    September 30, 2016 @ 8:55 PM

    સ્વર : ચન્દુ મટ્ટાણી – http://tahuko.com/?p=596

  6. વિવેક said,

    October 1, 2016 @ 2:10 AM

    આભાર, જયશ્રી….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment