સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં;
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.
- અખો

ગણાવ તું – મેગી આસનાની

જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.

તકલીફ બેઉ વાતે થશે, પણ જરૂરી છે,
બોલું કે સાંભળું ? હું કરું શું ? બતાવ તું.

ઘરને સજાવી રાખું છું ચારે તરફથી હું,
એવુંય પણ બને કે ના આવીને આવ તું.

માગ્યું બધું તેં હકથી ને આપી દીધું છે મેં,
બસ રાહ જોઉં છું કે ફરજ પણ બજાવ તું.

આખર સવાલ ‘હું’પણાનો છે તો કર શરૂ,
તેં શું કર્યું ને મેંય કર્યું શું, ગણાવ તું.

– મેગી આસનાની

પહેલો શેરમાં હિસાબની વાત નજરે ચડે તો કોઈ પુરુષ પતી ગયેલા પ્રેમની ઉલટતપાસ કરતો હોય એમ લાગે પણ પછીના શેરોમાં તરત જ શબ્દે-શબ્દે સ્ત્રી અને સ્ત્રીસહજ વેદના રવરવતી અનુભવાય છે. પુરુષ હકથી માંગે, સ્ત્રી આપી દે અને પછી પુરુષ પણ પોતાની ફરજ બજાવે એ શેર આજની સ્ત્રીનો આયનો છે.

8 Comments »

  1. Jigar said,

    August 18, 2016 @ 7:58 AM

    વાહ…અતિસુંદર

  2. Ketan Yajnik said,

    August 18, 2016 @ 8:08 AM

    યાદ આવી ગયાAuden
    “And our parenership dissolved”

  3. Shital Joshi said,

    August 18, 2016 @ 9:21 AM

    વાહ……

  4. નિનાદ અધ્યારુ said,

    August 18, 2016 @ 9:34 AM

    સુંદર ગઝલ, મને કોણજાણે કેમ લઇ ગઈ સીધી શ્રી હરિશ્ચંદ્ર જોશીની આ ગઝલ તરફ ……!

    ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
    તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.

    દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
    ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.

    વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
    ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

    તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
    ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

    એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે…
    તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

    વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
    રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.

    – હરિશ્ચંદ્ર જોશી

  5. Yogesh Shukla said,

    August 18, 2016 @ 10:21 AM

    મને લાગે છે કે કવિ અહીં પ્રેમ અને લાગણી ની ઉલટ તાપસ કરે છે ,
    મને તો રચના બહુજ ગમી ખાસ કરી ને ,….આ શેર

    માગ્યું બધું તેં હકથી ને આપી દીધું છે મેં,
    બસ રાહ જોઉં છું કે ફરજ પણ બજાવ તું.

  6. pragna vashi said,

    August 18, 2016 @ 10:46 AM

    Megi ni rachna saras chhe

  7. કેતન 'સ્પર્શ' said,

    August 18, 2016 @ 12:51 PM

    વાહ…. મજાની ગઝલ…. અદ્દભૂત મત્લા ….
    1st, 2nd, 3rd શેર 👌👌👌

  8. Purushottam said,

    August 18, 2016 @ 2:01 PM

    Very nice.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment