સાવ જુઠું જગત, કોઈ તારું નથી,
મૂક સઘળી મમત, કોઈ તારું નથી.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આંખોમાં દરિયો – રવીન્દ્ર પારેખ

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

પીળાપચ પરબીડિયે ખાલીપો હોય
અને સરનામું તારું ત્યાં કરવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે
તુંય મારી વૃક્ષીલી ડાળથી
ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે
ને તોય તારી વાટ જોઉં ઢાળથી

આમ તો કદીય છૂટા પડીએ નંઇ તોયે
તને ‘કેમ છે?’ કહીને રોજ મળવું પડે
અને સહરાની જેમ વળી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ખોબામાં હોઉં ભીના સૂરજની જેમ
અને પળમાં તું ફંગોળે આભમાં
મારા હોવાનું ફરી અવકાશે હોય
અને તારા હોવાનું ‘શુભ લાભ’માં

તારો ઉજાસ તને પાછો મળે ને
એથી બપ્પોરે મારે આથમવું પડે
અને સહરાની જેમ ફરી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

– રવીન્દ્ર પારેખ

ભાષા રમતિયાળ છે, પણ વેદના ભારોભાર છે…..

9 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    July 24, 2016 @ 3:24 AM

    સુંદર ગીત.
    મારા હોવાનું ફરી અવકાશે હોય
    અને તારા હોવાનું ‘શુભ લાભ’માં

  2. KETAN YAJNIK said,

    July 24, 2016 @ 6:17 AM

    વેદનાની વાચાળતા વચ્ચે એક મૌન શોધવું પડે
    કવિની સાથોસાથ લયસ્તરોના સમગ્ર માળખાને નિત્ય નવી ભાવ સભર કવિતા ઉજાગર કરવા બાદલ અભિનંદન

  3. Hasmukh Shah said,

    July 24, 2016 @ 10:09 AM

    A poem full of agony expressed in a easy way.
    Excellent !

  4. Siddharth j Tripathi said,

    July 24, 2016 @ 11:25 AM

    Pachhi marathi mare pan daravu pade

  5. urvashi parekh. said,

    July 24, 2016 @ 5:35 PM

    saras.taro ujas tane pachho male ne,ej bappore mare athamvu pade. aam to kadiye chhutta padie nahi, to ye,tane kem chho kahi roj malvu pade,

  6. Yogesh Shukla said,

    July 24, 2016 @ 7:17 PM

    સુંદર રચના ,,,,
    આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
    અને સહરાની જેમ પછી બળવું પડે

  7. સુનીલ શાહ said,

    July 24, 2016 @ 11:21 PM

    તારો ઉજાસ તને પાછો મળે ને
    એથી બપ્પોરે મારે આથમવું પડે
    વાહ…સુંદર ગીત

  8. વિવેક said,

    July 25, 2016 @ 2:40 AM

    સુંદર ગીતરચના….

  9. jigna trivedi said,

    July 31, 2016 @ 10:25 AM

    વાહ ! સુંદર ગીત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment