એ વાત છે અલગ કે તમે ચાહતા નથી,
તૂટી શકે છે આમ તો કોઈ દીવાર પણ.
મનહરલાલ ચોક્સી

પી જવાનું હોય છે – વેણીભાઈ પુરોહિત

જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.

જોઈ લેવું આપણે, જોનારને પણ છૂટ છે,
આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.

ભાનભૂલી વેદનાઓને વલૂરી નાખવી,
જ્વાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.

જામમાં રેડાય તેને પી જવાનું હોય છે,
ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.

કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું,
થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી.

ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન,
જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી.

એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ,
ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી.

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી

– વેણીભાઈ પુરોહિત

કબરમાંથી મડદાંને બેઠી કરી દે એવી ખુમારીવાળી ગઝલ. થોડી અદાઓ ફાંકડી અને બાજ-બુલબુલવાળા બે શેર તો કોલેજકાળમાં અમે જ્યાં ને ત્યાં ફટકારતા.

આ ગઝલ 2007માં ટહુકો ડૉટ કોમ પર વાંચી હતી ત્યારે હે પ્રતિભાવ મેં આપ્યો હતો એ આજે કવિમિત્ર નિનાદ અધ્યારુએ શોધી કાઢીને મને મોકલ્યો, જે અહીં ઉમેરવાની લાલચ જતી નથી કરી શકતો: “આ ગઝલના બે શેર જ મને ખબર હતા અને એ બંને મારા ઓલટાઈમ ફેવરીટ રહ્યા છે. મુક્તકની જેમ હું એ બે શેર સાથે જ લલકારતો રહું છું અને જ્યારે અંદરથી ઢીલાશ અનુભવું છું ત્યારે મોટેથી અંદર જ લલકારું છું અને પુનર્ચેતના પામું છું. વાત ઈશ્કની છે પણ ગઝલનો અંદાજ-એ-બયાઁ એટલો પ્રબળ છે કે મડદામાં જાન લાવી દે. પણ એ બીજો બીજો શેર ક્યાં ગયો?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”

***

* ફિતૂરી – બળવાખોરી
* ઘૂરી = આવેશ, ઊભરો, જુસ્સો

11 Comments »

 1. નિનાદ અધ્યારુ said,

  June 17, 2016 @ 2:27 am

  બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
  ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.

  શું ખુમારી છે …!

 2. Neha said,

  June 17, 2016 @ 4:08 am

  Nice
  pn chhand samjaayo nahi..
  kadach mari samaj ni bahaar hashe.

 3. KETAN YAJNIK said,

  June 17, 2016 @ 4:42 am

  ગમેી

 4. Yogesh Shukla said,

  June 17, 2016 @ 10:56 am

  કવિ શ્રી ને આ શેર માટે વંદન ,……
  બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
  ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી

 5. Jigar said,

  June 17, 2016 @ 12:11 pm

  વાહ ! ખુબ સુંદર રચના..

 6. Jigar said,

  June 17, 2016 @ 2:19 pm

  આમાં બે જગ્યાએ કવિએ છૂટ લીધી હોય એવું લાગે છે..
  આખી ગઝલ “ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા” માં
  બરાબર જાય છે..પણ બે લાઇનો ૧. થોડી અદાઓ ફાંકડી
  અને ૨. જ્વાલા ભલે ભડકી જતી……માં આગળ એક્સ્ટ્રા ‘ગા’ ઉમેરાયો હોય એવું લાગે છે.

  …વિવેકભાઇ..
  વધુ પ્રકાશ પાડે
  ..તો વધુ સારુ..

 7. L a' Kant Thakkar said,

  June 17, 2016 @ 8:06 pm

  मस्त आला मिजाजनी खुमारी, खुल्ला मनना जभा धोतिया वाला पान चावता सादा पैन शोखीन शख्स हटा वेणीभाई, अनवर आगेवान पैन याद आवे छे घाटकोपर,मुम्बईं नई सभाओ मनचला दिलदार किसमना कवि।

 8. વિવેક said,

  June 18, 2016 @ 8:58 am

  જિગરભાઈની વાત બરાબાર છે.

  ગઝલ મૂળે રમલ છંદમાં લખાઈ છે: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

  પણ ત્રણ સાની મિસરાઓમાં પંક્તિની શરૂઆતમાં એક ગુરુ વધારે લેવાઈ ગયો છે:

  ~ થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
  ~ જ્વાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.
  ~ થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી.

  પણ પરંપરાની ગઝલના આ શાયર માધાંતા પૂર્વસૂરિઓમાંના એક છે જેમણે ગઝલને ગુજરાતી બનાવવામાં અને ગુજરાતીઓના દિલમાં પ્રસ્થાપિત કરવામાં લોહી-પાણી એક કર્યા છે એટલે એમની રચનાઓમાં નજરે ચડતી ક્ષતિઓને આપણે નજર-અંદાજ કરવી જ રહી…

 9. vimala said,

  June 18, 2016 @ 11:39 am

  ભાનભૂલી વેદનાઓને વલૂરી નાખવી,
  જ્વાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.

 10. Jigar said,

  June 18, 2016 @ 2:30 pm

  વિવેકભાઇ
  સ્પષ્ટતા બદલ શુક્રિયા

 11. Maheshchandra Naik said,

  June 18, 2016 @ 10:46 pm

  સરસ રચના,કવિશ્રી ને સલામ્…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment