વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
ઉમાશંકર જોશી

સખી રી, કેમ ઉકેલું લિપિ જળની – સંજુ વાળા

સખી રી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો
ઘટના પળ બે પળની
સખી રી, કેમ ઉકેલું લિપિ જળની

પરપોટાનું પોત : પવનનાં પગલાં
તરતાં નર્યા સપાટી ઉપર જી.. રે
સ્પર્શે ઊગે – સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર – ને નીંભર
ટેવ પડી ટળવળની
સખી રી, કેમ ઉકેલું લિપિ જળની

સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત – ને
છળમય ભાષા તળની
સખી રી, કેમ ઉકેલું લિપિ જળની

[નીંભર – મૂંઝાઈ ગયેલું, મૂઢ ]

– સંજુ વાળા

ઊંડી વાત છે. કવિની શબ્દગૂંથણી તો અદભૂત છે જ, પરંતુ પ્રત્યેક શબ્દ કાવ્યને આગળ ધપાવે છે અને અનિવાર્ય છે. ખૂબ ટૂંકમાં કહું તો નિત્ય-અનિત્યના ભેદની વાત છે. realisation ની તક અત્યંત અલ્પજીવી – વીજળીના ઝબકારા જેવી હોય છે. જળ પર પડતી ભાતની તળને કશી તમા નથી. જળ ઉપર થતી તમામ પ્રવૃત્તિ અનિત્ય છે. અક્ષરજ્ઞાન કામનું નથી, ગેબી સંકેત છળમય છે અને તેને ઉકેલવાનું ગજું નથી…..કશું સમજાતું નથી….

3 Comments »

 1. વિવેક said,

  May 22, 2016 @ 1:36 am

  વાહ… ખૂબ જ મજાનું જળ જેવા લયમાધુર્યથી છલક-છલક છલકાતું ગીત. અને તીર્થેશની ટિપ્પણી સોનામાં સુગંધ જેવી…

  સલામ કવિ !

 2. ધવલ said,

  May 24, 2016 @ 9:50 am

  બહુ મઝાનુ ગીત… અને સુંદર સમજાવ્યું !

 3. nehal said,

  May 26, 2016 @ 2:28 am

  સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
  એકાન્ત ટકોરા મારે લીલા
  જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
  કહેવાશે અટકળિયા ચીલા
  ભાવગત આ અક્ષરિયત – ને
  છળમય ભાષા તળની
  સખી રી, કેમ ઉકેલું લિપિ જળની

  Waah ..Adbhut ! Tirthesh, thanks for sharing!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment