શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
અનિલ ચાવડા

ગઝલ – કુલદીપ કારિયા

સંબંધોની ટ્રેન અચાનક પાટા પરથી ખડી ગઈ છે,
બે-ત્રણ સપનાં થયાં છે ઘાયલ, બેત્રણ ઇચ્છા મરી ગઈ છે.

સૂરજને મેં ટોપી માફક પહેરી લીધો છે માથા પર
મારા રૂપે સૌને જાણે દીવાદાંડી મળી ગઈ છે.

બહુ જ દાઝ્યુ છે મન એથી એના પર હું બરફ ઘસું છું
તારી વાચારૂપે પાછી ગરમ તપેલી અડી ગઈ છે.

શિખર સુધી તો પહોંચ્યું છે બસ, મારા હોવાનું એક ટીપુ
ઓગળતા ઓગળતા આખી જાત પગથિયે રહી ગઈ છે

એને પાણી પીવડાવો મા, સાવ સમૂળી ઉખેડી નાખો
ફરી નકામા ઘાસની માફક તરસ અમારી વધી ગઈ છે

– કુલદીપ કારિયા

અતિરેકના બોજાથી ગુજરાતી ગઝલની ડોક લચી પડી હોવાની પીડાના પાટિયાં ગામભરમાં મારતા રહેતા વિવેચકોને આવી ગઝલ શું વાંચવા નહીં મળતી હોય ? અનિલ, મિલિન્દ, નિનાદ જેવા જૂજ મૌલિક બાની અને અનૂઠી અભિવ્યક્તિ સાથે પોતીકા ચીલા ચાતરનાર ગઝલકારોની પાંખી યાદીમાં કુલદીપ કારિયાનું નામ ન મૂકો તો યાદી અધૂરી રહે. આપણી કવિતાએ આ પહેલાં જોયા ન હોય એવા કલ્પન, અક્ષુણ્ણ રજૂઆત અને સરવાળે સિદ્ધ થતો કાવ્યપદાર્થ આ ગઝલને નખશિખ આસ્વાદ્ય બનાવે છે.

8 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    May 6, 2016 @ 12:40 AM

    ઓગળતા ઓગળતા આખી જાત પગથિયે રહી ગઈ છે

    વાહ કુલદીપ ..!

  2. Yogesh Shukla said,

    May 6, 2016 @ 12:49 AM

    બહુજ સહજતાથી લખાયેલી રચના

    સંબંધોની ટ્રેન અચાનક પાટા પરથી ખડી ગઈ છે,
    બે-ત્રણ સપનાં થયાં છે ઘાયલ, બેત્રણ ઇચ્છા મરી ગઈ છે.

  3. મીના છેડા said,

    May 6, 2016 @ 2:31 AM

    આખે આખી ગઝલ… મિત્ર વિવેકના શબ્દોમાં નખશિખ આસ્વાદ્ય કરાવી ગઈ.

  4. nehal said,

    May 6, 2016 @ 3:28 AM

    શિખર સુધી તો પહોંચ્યું છે બસ, મારા હોવાનું એક ટીપુ
    ઓગળતા ઓગળતા આખી જાત પગથિયે રહી ગઈ છે

    એને પાણી પીવડાવો મા, સાવ સમૂળી ઉખેડી નાખો
    ફરી નકામા ઘાસની માફક તરસ અમારી વધી ગઈ છે

    વાહ્!

  5. rasikbhai said,

    May 6, 2016 @ 7:49 AM

    બહ સુન્દેર્

  6. Devika Dhruva said,

    May 6, 2016 @ 1:28 PM

    100% agreed with Vivekbhai’s footnote.

  7. Pravinchandra K. Shah said,

    May 6, 2016 @ 9:05 PM

    ખૂબ જ સુંદર રચના !

  8. લલિત ત્રિવેદી said,

    May 7, 2016 @ 2:41 PM

    સરસ…નવાં કલ્પનો…નવી રજુઆત….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment