એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.
હર્ષા દવે

સભાપાત્રતાની ગઝલ – સ્નેહી પરમાર

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

– સ્નેહી પરમાર

દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. કવિ સ્નેહી પરમાર અહીં સભાની અને સભામાં બેસનારની લાયકાતની ગઝલ લઈ આવ્યા છે. આપણી ભાષામાં આવો વિષય કદાચ કોઈએ પહેલવહેલીવાર અને એ પણ નખશિખ ઔચિત્ય સાથે ખેડ્યો હશે. ગઝલ જેમ જેમ આગળ વધે છે એમ એમ શેર વધુને વધુ બળવત્તર બનતા જાય છે અને આખરી બે શેર તો જાણે સૉનેટની પરાકાષ્ઠા જેવા. વાહ કવિ !

26 Comments »

  1. મીના છેડા said,

    May 19, 2016 @ 1:56 AM

    સલામ આ ગઝલને અને એના રચયિતાને!

  2. Jigar said,

    May 19, 2016 @ 3:22 AM

    વાહ વાહ અદ્ભુત્

  3. Suresh Shah said,

    May 19, 2016 @ 3:29 AM

    એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

    માત્ર પૂછીને અટકી નથી ગયા;
    જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે, આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

    પ્રમાણિક, નિખાલસ સભાપાત્રો વીણવા પડે એમ છે.

    આસ્વાદ ક્રરાવવા બદલ આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

  4. chandresh said,

    May 19, 2016 @ 4:42 AM

    કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
    ખુબ સરસ

  5. Nehal said,

    May 19, 2016 @ 4:47 AM

    વાહ્ ! આત્મચિંતન નો આયનો ! અદ્ભુત્!

  6. Gaurang Thaker said,

    May 19, 2016 @ 4:49 AM

    Waah waah.. sundar gazal

  7. Bhadresh Joshi said,

    May 19, 2016 @ 5:57 AM

    Narsinh Mehta The II
    ——————

    વૈશ્નવ જન ના લક્ષનો નેી કવિતા.

  8. RAKESH said,

    May 19, 2016 @ 6:36 AM

    superb!!!

  9. KETAN YAJNIK said,

    May 19, 2016 @ 8:28 AM

    વાત અને વાટ સભાનતાની

  10. નિનાદ અધ્યારુ said,

    May 19, 2016 @ 12:13 PM

    સભાપાત્રતા ગમી ગઈ !

  11. Devang Naik said,

    May 19, 2016 @ 12:40 PM

    છેલ્લો શેર ગઝલ ને અલગ ઊંચાઈએ લઇ જાય છે…વાહ

  12. Rekha said,

    May 19, 2016 @ 1:20 PM

    અતિ સુન્દર

  13. lata hirani said,

    May 19, 2016 @ 2:22 PM

    અદભૂત ગઝલ ! કવિને સલામ…

  14. ડેનિશ said,

    May 19, 2016 @ 2:33 PM

    સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
    કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.
    એક કવિને સાંભળવા આવતાં કે સ્ટેજ શેર કરતાં બીજા કવિઓ માટે આ શેર લાગુ પાડી શકાય કે?…

    પણ ખરે જ, સાદ્યંત સુંદર ગઝલ
    દરેક કવિસંમેલનોમાં ભીંતે મઢાવવા જેવી ગઝલ…

  15. Devika Dhruva said,

    May 19, 2016 @ 6:42 PM

    કવિકર્મને સલામી….સાવ નોખી ભાત પાડીને અતિ ઉચાઈ પર લઇ જતી ખુબ સરસ ગઝલ.

  16. Rajnikant Vyas said,

    May 20, 2016 @ 12:23 AM

    ખૂબ સચોટ ગઝલ. કવિની અંતઃસ્ફૂરણાને સલામ!

  17. Yogesh Shukla said,

    May 20, 2016 @ 4:35 PM

    બહુજ અદ્ભુત પંક્તિઓ સાથે ની રચના ,

    કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
    ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

  18. Rashmi Desai said,

    May 20, 2016 @ 5:23 PM

    વાહ્. અતિ સુન્દર્!!! અન્તર મનમા ગજબ ન ડૂબ્કિ ………

  19. urvashi parekh said,

    May 20, 2016 @ 6:47 PM

    ખુબ જ સરસ રચના. કોઇ શબ્દો જ નથિ.

  20. સ્નેહી પરમાર said,

    May 21, 2016 @ 10:57 AM

    પ્રિય વિવેક ભાઈ !
    અને લયસ્તરોની વિશાળ વિદ્વસભા
    સલામ તો આપ સહુની કવિતાપ્રીતિ અને અર્કનવેષણ નિષ્ઠાને .
    કવિતાના ઝીણા ઝીણા સંકેતોનું સુક્ષ્મ આસ્વાદન પદાર્થને કળા બનાવી દેતું હોય છે .

    લયસ્તરોના ગમતા આંગણે. મળતા રહીશું

  21. સ્નેહી said,

    October 21, 2017 @ 12:16 AM

    સહુને નવા વર્ષની વધાઈ. લેસ્ટેરોના સહુ ભાવકોને વંદન

  22. મૃણાલ said,

    September 13, 2021 @ 7:34 AM

    એના ઘર નું જળ અગરાજ…આ સ્નેહી પરમાર ની રચના છે, કોઈ ની પાસે હોય તો પોસ્ટ કરવા વિનંતી

  23. વિવેક said,

    September 13, 2021 @ 8:09 AM

    @ મૃણાલ:
    સ્નેહીભાઈને ફેસબુક મેસેન્જર પર મેસેજ કરશો તો મોકલી આપશે…

    આભાર.

  24. Deepak Vadgama said,

    June 14, 2023 @ 11:38 AM

    ખૂબ સુંદર ગઝલ.
    હમણાં રૂબરૂ મળ્યા.
    તારીખે 4/6/23 એ અમારી શાળામાં Snehi Parmar ની દીકરીનો TAT પરીક્ષાનો નંબર આવ્યો. એ ઓળખે તો નહીં પરંતુ મેં સભાપાત્રતાની ગઝલ ના “તે બેસે અહીં” શબ્દોથી આવકાર્યા. પરીક્ષા પત્યા પછી શાળામાં આવકાર્યા, ચા પાણી પીધાં અને અમારી વિદ્યાર્થીનીઓ માટે કવિતા અને કાવ્ય પાઠનો લાભ આપવાનું આમંત્રણ આપ્યું. જે તેને સસ્નેહ સ્વિકાર્યું અને આવવાનું વચન આપ્યું. આભાર સ્નેહીભાઈ 🙏🙏

  25. વિવેક said,

    June 15, 2023 @ 10:37 AM

    @ દીપક વડગામા:

    સારા કવિ સારા માણસ પણ હોય એ જરૂરી નથી, પણ સ્નેહી તો સાચા અર્થમાં સ્નેહી છે… ઉમદા કવિ અને ઉમદા માણસ… આપનો અનુભવ આપે સહિયાર્યો એનો આનંદ..

  26. Kalpit said,

    August 15, 2023 @ 7:53 AM

    આ બધી ગઝલનાં અર્થ જાણવા હોય તો ક્યાથી જાણી શકાય?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment