કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.
વિવેક મનહર ટેલર

ગઝલ – દેવાંગ નાયક

પળેપળ અહર્નિશ આ રેતી ખરે છે,
ભલે કેદ રાખો, સમય તો સરે છે.

આ કોની પ્રતીક્ષા હશે બારણાંને?
એ ભીતરથી કાયમ ટહુકયા કરે છે !!

તમે કંઈક બનવા કરો ના મથામણ !!
હવા શ્વાસ બનવા કદી કરગરે છે ??

મને એ ઘડી ટાંકણી જેમ ભોંકાય,
કોઈ જ્યારે બાળકનું વિસ્મય હરે છે.

હું છોડી નથી શકતો પિંજર ધરાનું,
મને રોજ પંખી બે પાંખો ધરે છે !!

કોઈને ભરોસો નથી કોઈના પર,
હૃદય માંગ્યું એનું, તો કહે છે ઘરે છે !!

– દેવાંગ નાયક

વૉટ્સ-એપ પર દેવાંગ નાયકની રચનાઓ સાથે લાંબા સમયથી આછો-પાતળો પરિચય થતો રહ્યો છે પણ આ રચના વાંચતાવેંત અટકી જવાયું. રેતશીશીવાળો મત્લા જ કવિની શક્તિથી ભવકને પરિચિત કરી દે છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે પણ હવા શ્વાસ બનવા કદી કરગરતી નથીવાળો શેર અભિવ્યક્તિની તાજગી અને અર્થની ઊંડાઈને કારણે સવિશેષ સ્પર્શી જાય છે.

5 Comments »

 1. CHENAM SHUKLA said,

  May 5, 2016 @ 1:45 am

  છેલ્લો શેર તો ..વાહ

 2. નિનાદ અધ્યારુ said,

  May 5, 2016 @ 3:13 am

  હવા શ્વાસ બનવા કદી કરગરે છે ??

  કેટલો વેધક સવાલ !

 3. rekha said,

  May 5, 2016 @ 6:56 am

  મને એ ઘડી ટાંકણી જેમ ભોંકાય,
  કોઈ જ્યારે બાળકનું વિસ્મય હરે છે.વાહ વાહ

 4. La Kant Thakkar said,

  May 6, 2016 @ 1:35 am

  “તમે કંઈક બનવા કરો ના મથામણ !!
  હવા શ્વાસ બનવા કદી કરગરે છે ??”……
  ખરેખર ઉત્તમ પંક્તિઓ છે .કુદરતી, જે છે અથવા થાય તે, “ઠીક-સહી” જ છે ! એવો અર્થ પ્રકટ રીતે ઉજાગર થાય છે ..અત્યારે મને . આ કદાચ આજ દિવસ સુધી વ્યક્તિગત -અંગત સ્તરે વિકસેલી “એક શ્રધ્ધા જ !

  અમારા એક આધ્યાત્મિક મિત્ર ….”ડુ નથીંગ ” …આ અર્થમાં સમજાવે છે ! ‘ઓશો’ જેવા સિદ્ધ-હસ્ત વિચારક,ચિંતક,જ્ઞાની ‘ક્યાંક’ પહોંચેલા ” ગુરુ” મનાયેલા- “રેકગ્નાઈઝડ માસ્ટર” પણ આવું ક્યાંક કહ્યાનું યાદ આવે છે ….

  …. આપણે જે કંઈ પણ છીએ જ્યાં પણ છીએ છીએ તેમાં “ખામી-ખો ટ-ભૂલ” જોવા એ તો સર્જનહાર કરતાં આપણે જ્યાદા સ-ક્ષમ ,વધુ જાણકાર -જ્ઞાની એમ અર્થ ન થાય ?….જે “કંઈક’ અન્ય- બનવાની પળોજણ કરવાનું સૂ જે છે ! કુદરતી જે કંઈ પણ વ્યવસ્થા છે તેનાથી અલગ કંઈ બનાવાનો પ્રયત્ન કેટલી હદે જાયજ ? પ્રશ્ન …… છે . આપણા એવા ઉધામા ‘નિરર્થક’!?
  જીવન ” સહજ” જ છે …જીવન એટલે ‘સમય=ગતિ-સતત ચાલતું રહે ધબકતું રહે તે …અને એ પણ “પોતાની મેળે,’ઓટોમેટીક ‘(-સ્વયં -સંચાલિત યન્ત્રણા હેઠળ થતું !) કદાચ જીવનનું બીજું નામ ” પ્રતીક્ષા “( પ્રતિ+ઇક્ષા =રાહ જોવી -) એટલે કે, ધીરજ ધરવી ! એમ પણ થાય કે નહીં ?

  આના અનુસંધાને ‘કંઈક’ …વધુ …અંતરની આરત …

  મારા એક હિતેચ્છુ ‘જીગરી’ – મારો એકમાત્ર ખરા અર્થમાં ,કલ્યાણ મિત્ર …હિરેન શાહે અચાનક એક કાવ્યનું પુસ્તક મોકલ્યું .” આજ દિવસ ‘કન્ચનસમ ઉગીયો’ ગાવાનું મન થઇ ગયુ,આનંદ આનંદ આનંદ !!!
  પુસ્તકનું નામ છે : ” ગાય તેનાં ગીત” ,તેને પહેલે પાને , ભૂલતો ન હોઉં તો તમે એક વખત ” કવિ ” ધ્રુવ ભટ્ટ ” ની એક કૃતિ મોકલી હતી ……
  ” ઓચિંતું કોઈ મને રસ્તે મળે,ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ”
  ” આપણે તો કહીએ કે દરીયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે ”
  [ આ પુસ્તકનું ” અર્પણ”…… પણ ગજબનું ! સુપર્બ ..મને તો ………ચોંટી ગયું હોં ! ]

  ” પાઠ્ય-પુસ્તતિયા ઈતિહાસને ચાંતરીને મનુષ્યના નૈસર્ગિક ઈતિહાસને સજવા મથતા માનવ-બાળને..-“.

  એક બીજી “ખાસ ખૂબી “….આ આખા પુસ્તકમાં કાવ્યોમાં ક્યાંય કો પ્રકારનું ” પંક્ચ્યુએશન ” નથી !
  [ ફૂટ-નોટ બાકાત]
  [ અહીં , વિદ્વાન ભાષા-સાહિત્ય -શાસ્ત્રી ‘જુગલકીશોરજી” સહજ યાદ આવ્યા, તેમની તાજેતરમાં નજરે
  પડેલી ટકોર નિમિત્તે ! ]
  લગભગ મહદ અંશે કાવ્યો ..”આત્માનુસંધાન” નાં ક્રમસર પગથીયાં ચડતા ..અધ્યાત્મિક ઊંચાઈ સાધતા ,
  આંબતા લાગ્યા , ભીતરની રાહે ગતિશીલ પ્રવાસી …યાત્રી [ શરદભાઈ જેવા] ભાસે છે “ધ્રુવ ભાઈ ભટ્ટ”
  ચોક્કસ મેળવીને વાંચવા લાયક છે ,જો પાસે ન હોય તો ! .

  અને નસીબ તો જુઓ … સામે આવે છે આ… ધવલ શાહના .’લયસ્તરો’ પર મુકાયેલું … આ સાહિત્ય -વસ્તુ

  – લા’ કાન્ત ‘કંઈક’ / ૬.૫.૨૦૧૬,૧૧:0૫

 5. Keyur said,

  May 8, 2016 @ 4:04 am

  અચ્ચ્હા હૈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment