પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.
વિવેક મનહર ટેલર

એક વૃદ્ધાની સાંજ – નલિન રાવળ

જાળી ઉપર ગૂંચવઈ ગયેલો સાંજનો તડકો નિહાળી
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપમાં અટકી ગયાં.
ચ્હેરા ઉપર કરચલિયોની ભુલભુલવણી મહીં
આછો ફફરતો ભાવ એકાએક તે અટવઈ ગયો.
ભારમાં પ્હેલાં નમી પાંપણ ફરી ઊંચકઈ
હવામાં સ્થિર થૈ ના થૈ તહીં…

ધ્રૂજતી લથડી રહેલી આંખની કીકી
પૂછે :
‘એ કોણ છે ?
ને હોઠ પર અંગાર આ કોણે મૂક્યો ?
ને લોહી આ કોનું હસે છે ?’
જાળી ઉપર અંધાર ત્યાં ગૂંચવઈ ગયો.
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપ લેતાં કામમાં લાગી ગયાં.

– નલિન રાવળ

પહેલી નજરે અછાંદસ જણાતું આ કાવ્ય ‘ગાગાલગા’ના આવર્તનોને કારણે અનિયમિત લય જન્માવે છે જે એકાકી વૃદ્ધાના જીવનની સ્થિતિને બખૂબી ઉપસાવે છે. સાંજ આમેય વિષાદનું પ્રતીક છે. બારીની જાળીમાં ગૂંચવાઈ ગયેલો સાંજનો તડકો જીવનની સાંજે પહોંચી ચૂકેલી વૃદ્ધાના ચહેરા ઉપરની કરચલીઓ સાથે તાલ મેળવે છે. જીવનમાં હવે સમય અને સ્મૃતિ સિવાય કશું જ નથી. સમય પસાર કરવા ઊન ગૂંથતાં આંગળાં પણ ગતિ અને સ્થિતિની વચ્ચે આવ-જા કરે છે. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ; જિંદગી યૂં તમામ હોતી હૈ…

3 Comments »

  1. સુનીલ શાહ said,

    April 2, 2016 @ 6:36 AM

    ખૂબ સુંદર…હૃદયસ્પર્શી

  2. Pravinchandra K. Shah said,

    April 2, 2016 @ 1:41 PM

    શબ્દો ક્યાં છે કે કંઈ કહી શકું?

  3. Harshad said,

    April 2, 2016 @ 7:48 PM

    Heart Touching. The person who gone through such situation only can feel the voice and pain of lonely elderly person.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment