આંખ સામે આંખડી મંડાય જો સદભાવમાં,
રૂઝ આવી જાય આ દુનિયા સરીખા ઘાવમાં
ગની દહીંવાલા

સૂરજ – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

સૂરજ રમતો ભમતો ઊગ્યો.
ઊગ્યો એવો દરિયો થઈને તેજલ રંગે છલક્યો.
ને વનકન્યાના કેશકલાપે
આવળિયાનું ફૂલ થઈને મલક્યો.
ફૂલ ઉપરથી પવન બનીને છૂટ્યો
તે નવજાતક પંખીની ચાંચે
સૂર બનીને ફૂટ્યો.
વૃક્ષ તણી ડાળીએ બેસી
નીડ બનીને ઝૂલ્યો;
ઘુવડની આંખો શોધીને
અંધકારમાં પોતાનેય ભૂલ્યો !
કોણે એને ઊંચકી ત્યાંથી
કોક કવિની નિશ્ચલ આંખે મૂક્યો
કે નવપરિણીતના શયનાગારે
ચાંદરણું થઈ ઝૂક્યો !

– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

પહેલી નજરમાં અછાંદસ લાગતું આ છંદોબદ્ધ કાવ્ય કટાવ છંદના “ગાગાગાગા”ના આવર્તનોના કારણે પોતીકો લય અને રવાની ધરાવે છે. સૂરજનું પ્રતિક લઈને કવિ દિવસ અને રાત વચ્ચે, કુદરત અને પ્રણયકેલિ વચ્ચે એક મનોરમ્ય ચિત્ર દોરી આપે છે.

2 Comments »

 1. Pravin Shah said,

  March 12, 2016 @ 4:43 am

  નવપરિણીતના શયનાગારે
  ચાંદરણું થઈ ઝૂક્યો ! Very nice !

 2. KETAN YAJNIK said,

  March 12, 2016 @ 7:51 am

  છંદમાં અછ્દસ ,અછાંદસમાં છાન્દાન્ધ્કારમાં ઉજાસ અને ઉજાસમાં અંધકાર ,ક્ષયમાં અક્ષય આવી અક્ષય કૃતિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment