હથેળીમાં લખાયેલી મરણની ઘાત ખોટી છે,
છે તારો હાથ એ સાચું, બીજી સૌ વાત ખોટી છે.
વિવેક મનહર ટેલર

આ દર્પણનું સાચ – જીતેન્દ્ર જોશી

અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,
વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,
કોઈ નથી જોનારું અંદર, તારો સુંદર નાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,
લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,
પથ્થર છે આ, નહીં આવે કંઈ, એને ઊની આંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.

– જીતેન્દ્ર જોશી

મજાની ચકલી-ગીતા !!

4 Comments »

  1. રઈશ મનીઆર said,

    February 11, 2016 @ 2:41 AM

    ખૂબ સરસ. મજા પડેી.

  2. CHENAM SHUKLA said,

    February 11, 2016 @ 2:48 AM

    વાહ મજાનુ ગીત …

  3. Shah Pravinchandra Kasturchand said,

    February 11, 2016 @ 3:08 PM

    ભલેને છપાયું હોય ‘ખોતા’ સરનામે
    અમેતો વાંચીશું એ ‘ખોટા’ સરનામે.

    આવી સરસ કવિતા વાંચીને હૈયું પુલકિત થઇ ગયું.

  4. વિવેક said,

    February 13, 2016 @ 1:34 AM

    @ પ્રવીણચંદ્રભાઈ :

    આભાર. ભૂલ સુધારી લીધી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment