ટૂંકી ટચરક વાત, કબીરા,
લાંબી પડશે રાત, કબીરા.

જીવ હજીએ ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત, કબીરા.

ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

કંસારા બજાર – મનીષા જોષી

માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું
મને ગમે છે.
‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’
આ શબ્દો મમ્મીએ
અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા.
વર્ષો વીત્યાં.
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ,
વપરાઈને ઘસાઈને
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં
એ વાસણોની તિરાડને રેણ કરાવવા
હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે
સાથે સાથે સંધાઈ જાય છે
મારાં છૂટાં છવાયાં વર્ષો પણ.
ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ
કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે
ખૂબ સંતોષથી જઉં છું.
આ વાસણો જ્યાંથી લીધાં હતાં
એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ
કાંઈ ખબર નથી, છતાં
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી
હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે
સતત એમ લાગ્યા કરે છે કે
હું અને આ અવાજ ક્યારેય મરતા નથી.
નવાં નવાં દંપતી અહીં આવે છે.
મારા માટે નવું નામ પસંદ કરીને
વાસણો પર કોતરાવીને
મને તેમના ઘરે લઈ જાય છે.
હું જીવું છું વાસણોનું આયુષ્ય
અથવા તો, બેસી રહું છું.
માંડવીની કંસારા બજારમાં
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર.
ધરાઈ જઉં છું
બત્રીસ પકવાન ભરેલી થાળીથી,
મૂંઝાઈ જઉં છું
એક ખાલી વાટકીથી.
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં,
તાકે છે મારી સામે
તત્ત્વવિદની જેમ ત્યાં જ, અચાનક
કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે.
હું એવી અસ્વસ્થ થઈ જાઉં છું
જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય.
વાસણો અને જીવન વચ્ચે
હાથવ્હેંત જેટલું છેટું,
ને વ્હેંત, કંસારા બજારની લાંબી સાંકડી ગલી જેવી
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય
એ સમજાય તે પહેલાં
વ્હેંતના વેઢા
વખતની વખારમાં
કંઈક ગણતા થઈ જાય,
કંસારા બજારનો અવાજ
ક્યારેય સમૂળગો શાંત નથી થતો.
બજાર બંધ હોય ત્યારે
તાળા મારેલી દુકાનોની અંદર
નવાંનકોર વાસણો ચળકતાં હોય છે.
ને એ ચળકાટમાં બોલતા હોય છે
નવાં નવાં જીવન
થાળી વાટકા અને ગ્લાસથી સભર થઈ ઊઠતાં
ને એંઠાં રહેતાં જીવન
હું જીવ્યા કરું છું
ગઈ કાલથી
પરમ દિવસથી
તે ‘દિ થી.

– મનીષા જોષી

વાસણ-જીવન-વહેતા સમય સાથે વહેતી જીવનધારા……..  અદભૂત રૂપક સાથે અનેરું ભાવવિશ્વ સર્જ્યું છે કવયિત્રીએ  ! કોઇપણ સમજૂતી લખવાને બદલે માત્ર આખું કાવ્ય બે-ત્રણવાર ધીરેથી વાંચવાની વિનંતિ કરું છું-આપોઆપ દિલની અંદર એક મસ્ત સ્પંદન પેદા કરી દેશે આ કાવ્ય…..

6 Comments »

 1. KETAN YAJNIK said,

  February 7, 2016 @ 6:54 am

  મુજવીતી

 2. KETAN YAJNIK said,

  February 7, 2016 @ 7:16 am

  હજુ હમણાં જ વાંચ્યું આજના goodread પર 1867 માં લખાયેલ આપણી છોટી છોટી બાતે
  “I am beginning to learn that it is the sweet, simple things of life which are the real ones after all.”
  “As the years pass, I am coming more and more to understand that it is the common, everyday blessings of our common everyday lives for which we should be particularly grateful. They are the things that fill our lives with comfort and our hearts with gladness — just the pure air to breathe and the strength to breath it; just warmth and shelter and home folks; just plain food that gives us strength; the bright sunshine on a cold day; and a cool breeze when the day is warm.”
  ― Laura Ingalls Wilder,

 3. vimala said,

  February 7, 2016 @ 12:45 pm

  “કોઇપણ સમજૂતી લખવાને બદલે માત્ર આખું કાવ્ય બે-ત્રણવાર ધીરેથી વાંચવાની વિનંતિ કરું છું-આપોઆપ દિલની અંદર એક મસ્ત સ્પંદન પેદા કરી દેશે આ કાવ્ય” આમ કર્યું અને અનુભવ્યુ .
  તો પણ એક વાક્ય………
  અમારા રાજકોટની કંસારા બજારના રણકાર ગુંજવા લગ્યા………

 4. Pravinchandra Kasturchand Shah said,

  February 7, 2016 @ 1:07 pm

  વાસણ ક્યારેય મરતું નથી;
  કવિ અને કવયિત્રીની જેમ.

 5. વિવેક said,

  February 8, 2016 @ 7:22 am

  સાદ્યંત સુંદર રચના !!!

 6. rasikbhai said,

  February 10, 2016 @ 8:45 am

  વાસન કદિ મુગુ રહેતુ નથિ.વાસન કદિ ખાલિ નથિ હોતુ,દરેક વાસન નિ પોતાનિ કથા અને વ્યથા હોય ચ્હે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment