એના સિવાય દર્દનો બીજો નથી ઈલાજ,
આનંદથી નિભાવો બધી સારવારને.
મરીઝ

ખુશ્બુ સ્મરણની – ભગવતીકુમાર શર્મા

છે લાગણીની વાત તો રકઝક નહીં કરું,
હકદાવો તારી સામે હું નાહક નહીં કરું.

શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.

મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં,
જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું.

છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ,
મારા વચનનો ભંગ હું બેશક નહીં કરું.

દીવાની જેમ ધીમે ધીમે હું બુઝાઈ જઈશ,
અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.

ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,
છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.

એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,
સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.

– ભગવતીકુમાર શર્મા

5 Comments »

 1. KETAN YAJNIK said,

  January 31, 2016 @ 8:38 am

  છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ,
  વાહ

 2. Devika Dhruva said,

  January 31, 2016 @ 12:19 pm

  વાહ…ખુબ સરસ..

 3. vimala said,

  January 31, 2016 @ 3:04 pm

  “ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,
  છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.

  એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,
  સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.”

 4. chandresh said,

  February 1, 2016 @ 4:37 am

  એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,
  સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.

  સરસ્

 5. Shah Pravinchandra Kasturchand said,

  February 2, 2016 @ 3:52 pm

  તૂટી પડે આ પહાડ તો ભલે તૂટી પડે એ મારી ઉપર.
  મૂરખ છે એ આવડા નાના ઉપર પડ્યો ‘ને તૂટી ગયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment